Abtak Media Google News

વડોદરા જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સીએ ૩૦થી વધુ ગામોમાં હાથ ધર્યું  ‘મિયાવાકી જંગલ’ ઉછેર અભિયાન

એ પઘ્ધતિથી ઘરના વાડામાં પણ એક વર્ષમાં ધનિષ્ઠ જંગલ ઉછેરી શકાય

રાજ્યના ગ્રામ વિકાસ વિભાગે ગામોને હરિયાળા બનાવવા વનીકરણથી જીવનીકરણનો અભિગમ અપનાવતાં, રાજ્યની ગ્રામ પંચાયતોને હાલમાં પ્રાયોગિક ધોરણે સઘન વન ઉછેરની જાપાની પદ્ધતિ મીયાવાકી અપનાવી, દરેક પંચાયત એક પ્લોટમાં જંગલ ઉછેરે એવી ભલામણ કરી છે અને મનરેગા હેઠળ સઘન વૃક્ષ ઉછેરની અનુકૂળતા કરી છે.

હાલના ગ્રામ વિકાસ કમિશનર વિજય નહેરાએ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે શહેરી વિસ્તારમાં આ પદ્ધતિ હેઠળ ૩ લાખ વૃક્ષોના ઉછેરનું આયોજન કર્યુ હતુ. હવે ગ્રામ વિકાસ કમિશનર તરીકે તેમણે આ પ્રયોગ રાજ્યની પંચાયતો સુધી વિસ્તારી હરિયાળા ગામોની કલ્પના સાકાર કરવાનો પ્રયત્ન આદર્યો છે.

જાપાનના અકિરા મિયાવાકી એ ટૂંકા ગાળામાં ઘટાદાર અને ગાઢ જંગલ ઉછેરવાના હેતુસર આ પદ્ધતિ વિકસાવી છે. વિશ્વના અનેક દેશોએ વનસ્પતિ શાસ્ત્રી મિયાવાકી ની આ પદ્ધતિ અપનાવી જંગલ નિર્માણ કર્યા છે. કહેવાય છે કે, ૧૦૦ વર્ષની ઉંમર હોય એવું પ્રગાઢ જંગલ આ પદ્ધતિ હેઠળ ફક્ત ૧૦ વર્ષમાં ઉછેરી શકાય છે.

આજે આ પદ્ધતિ હેઠળ ભારત સહિત વિશ્વના કેન્યા, ઓસ્ટ્રેલિયા, કોરિયા, જાપાન, અમેરિકા સહિતના દેશોમાં નાના મોટા  જંગલ ઉછેરવામાં આવી રહ્યાં છે.

વૃક્ષ પ્રેમી આમ આદમીને ખુશી થાય એવી વાત એ છે કે, જંગલ નિર્માણની આ સરળ અને ઝડપી પદ્ધતિ હેઠળ કોઈ પણ વ્યક્તિ ઘર પાછળના નાનકડાં વાડામાં એકાદ વર્ષમાં સુંદર જંગલ ઉછેરી શકે છે. વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતોને મિયાવાકી પદ્ધતિથી ગામમાં જંગલ ઊછેરનું માર્ગદર્શન આપવા સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાએ પાદરા તાલુકાના જલાલપુર ગામમાં એક નિદર્શન પ્લોટમાં જંગલ ઉછેરવાનું શરૂ કર્યુ છે. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વિડિયો કોન્ફરન્સથી આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.બી.ચૌધરીએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું કે, એક પ્રયોગ તરીકે મનરેગા હેઠળ વડોદરા જિલ્લાની જુદી-જુદી ગ્રામ પંચાયતોમાં થઈને કુલ ૩૫ હેકટર જેટલી જમીનમાં મિયાવાકી જંગલ ઉછેરવાની રૂપરેખા તૈયાર કરી છે જેમાં હાલના તબક્કે ૩૦ થી ૩૫ જેટલી પંચાયતોને જોડવામાં આવશે.

આ કામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઉછેરવામાં આવી રહેલો પ્લોટ પંચાયતો માટે માર્ગદર્શક બનશે. પ્રથમ તબક્કાની સફળતાને આધિન આ પ્રોજેક્ટનો વ્યાપ વધારી શકાશે. તેમ ચૌધરીએ જણાવ્યું હતું.

16 07 2020 1518 1

જલાલપુર, પુનીયાવાંટ ગામે બની રહ્યા છે ‘નિદર્શન જંગલ’

રાજ્યનો વન વિભાગ,ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતો દ્વારા જે તે ગામોમાં જાપાની મિયાવાકી પદ્ધતિ દ્વારા સઘન જંગલ ઉછેરવાના આયોજનમાં સહભાગી બન્યો છે. સહયોગના આ અભિગમ હેઠળ વડોદરાના સામાજિક વનીકરણ વિભાગે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જલાલપુર ગામે અને છોટાઉદેપુર જિલ્લાના પુનીયાવાંટ ગામે મિયાવાકી જંગલના બે નિદર્શન પ્લોટનો ઉછેર શરૂ કર્યો છે.

આ અંગે જાણકારી આપતાં નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાએ જણાવ્યું કે, પાદરા તાલુકાના જલાલપૂર ગામમાં ૩૦૧૦ મીટર જમીનમાં અને પુનિયાવાંટ માં ૧૦સ૧૦ મીટર જમીનમાં નિદર્શન મિયાવાકી વન ઉછેરવામાં આવી રહ્યું છે. તેની મદદથી જિલ્લાની જે પંચાયતો આ પ્રકારનું જંગલ ઉછેરવા માંગતી હશે એમને રોપા રોપવા, એના માટે ખાડા ખોદવા, જમીનનું ખેડાણ કરવું, પાણી સિંચવું, પાંચ તબક્કા પૈકી પ્રત્યેક તબક્કા માટે અનુકૂળ વૃક્ષ પ્રજાતિઓ, ક્ષુપ પ્રકારની વનસ્પતિ, વેલા વાળી વનસ્પતિ અને કંદમૂળ ની વાવેતર માટે પસંદ કરવી, ઉછેર દરમિયાન લેવાની કાળજી ઇત્યાદિનું માર્ગદર્શન આપવામાં આવશે.કહી શકાય કે તાલીમ આપવા માટે વન વિભાગ આ પ્લોટસ માં મિયાવાકી જંગલ ઉછેરશે. તેમણે કહ્યું કે આ પદ્ધતિ થી નાના એરિયામાં ખૂબ ઝડપ થી જંગલ ઉછેરી શકાય છે. મિયાવાકિ જંગલ ઉછેરવા માટે સ્થાનિક વૃક્ષોની જાણકારી મેળવી તેમને ઊંચાઈ પ્રમાણે ચાર સ્તરમાં વહેંચવામાં આવે છે. ઝાડીઓ, નાના વૃક્ષો, મધ્યમ કદના વૃક્ષો અને વિશાળ વૃક્ષો,એવા ક્રમમાં વાવેતર કરવામાં આવે છે. ફળ ફળાદીનું વન બનાવવું હોય તો ફળાઉ વૃક્ષો વધુ પ્રમાણમાં વાવવામાં આવે છે. પક્ષીઓ અને મધમાખીને આકર્ષનારા વૃક્ષો વાવી તેમને અનુકૂળ વન ઉછેરી શકાય છે. ઉછેર પહેલાં યોગ્ય રીતે જમીન તૈયાર કરવી, દૈનિક એકવાર પાણી આપવા સહિત વિવિધ રીતે કાળજી લેવા થી ઓછા સમયમાં ગાઢ જંગલ ઉછેરવાની સરળતા આ પદ્ધતિ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.