Abtak Media Google News

કદમાં ટબુકડો પણ પડકારો સામે ઝઝૂમતો દેશ : મોદીએ કહ્યું આ નાનો દેશ નથી, વિશાળ સમુદ્ર ધરાવતો દેશ

પપુઆ ન્યુ ગિની જે વિશ્વનો એક ટબુકડો ટાપુ દેશ છે. આ દેશે પોતાની પરંપરા તોડીને રાતના સમયે વડાપ્રધાન મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું. ત્યાંના પીએમએ સન્માન આપવા આપણી સંસ્કૃતિ મુજબ મોદીના ચરણ સ્પર્શ પણ કર્યા. સામે મોદીએ પણ ત્યાં એવું સંબોધન કર્યું કે આખુ રાષ્ટ્ર ગદગદિત થઈ ગયું. બીજી તરફ આ દેશની ભૂમિકા રામસેતુ નિર્માણ કરતી ખિસકોલી જેવી છે. કદમાં ભલે ટબુકડો પણ પડકારો સામે ઝઝૂમતો દેશ છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાપુઆ ન્યુ ગિનીમાં ત્રીજા ભારત-પેસિફિક ટાપુઓ સહકાર સમિટની સહ-અધ્યક્ષતા કરી.  આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત બહુપક્ષીયવાદમાં વિશ્વાસ રાખે છે અને મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રનો સમર્થક છે.  આ દરમિયાન તેમણે એવી વાત કહી કે જેનાથી તમામ સભ્ય દેશોને ગર્વ થયો હશે.  સમિટમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારા માટે તમે કોઈ નાનો ટાપુ દેશ નથી, પરંતુ એક વિશાળ સમુદ્ર ધરાવતો દેશ છો.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મારાપે સાથે ત્રીજી ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન સમિટની સહ-અધ્યક્ષતા કરી.

આ સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારત કોઈ પણ ખચકાટ વિના પેસિફિક ટાપુના દેશો સાથે પોતાનો અનુભવ અને ક્ષમતા શેર કરવા તૈયાર છે.  તેમણે કહ્યું, ’ભારતને તમારા વિકાસ ભાગીદાર બનવા પર ગર્વ છે.  તમે ભરોસાપાત્ર ભાગીદાર તરીકે ભારત પર વિશ્વાસ કરી શકો છો.  અમે અમારો અનુભવ અને સંભાવનાઓ તમારી સાથે ખચકાટ વિના શેર કરવા તૈયાર છીએ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ’ક્લાઈમેટ ચેન્જ, કુદરતી આફતો, ભૂખમરો, ગરીબી અને સ્વાસ્થ્ય સંબંધિત પડકારો પહેલાથી જ હતા, હવે નવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે.  મને ખુશી છે કે ભારત મુશ્કેલીના સમયમાં તેના મૈત્રીપૂર્ણ પેસિફિક ટાપુ દેશો સાથે ઉભું છે.  તેમણે વધુમાં કહ્યું હતું કે જી-20 દ્વારા વૈશ્વિક દક્ષિણની ચિંતાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓને વિશ્વ સુધી પહોંચાડવાની ભારત પોતાની જવાબદારી માને છે.  તેમણે કહ્યું કે જી-7 સમિટમાં પણ છેલ્લા બે દિવસમાં તેમનો આ પ્રયાસ હતો.

આ પહેલા સોમવારે પીએમ મોદીએ પાપુઆ ન્યુ ગિનીના તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને વાણિજ્ય, ટેકનોલોજી અને આરોગ્ય સંભાળ તેમજ જળવાયુ પરિવર્તનમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી.  આ બેઠકના સંદર્ભમાં પીએમ મોદીએ ટ્વીટ કર્યું, ’વડાપ્રધાન જેમ્સ મારાપે અને મેં ભારત અને પાપુઆ ન્યુ ગિની વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર વિસ્તારને આવરી લેતી ખૂબ જ ઉપયોગી વાતચીત કરી.  અમે વાણિજ્ય, ટેક્નોલોજી, હેલ્થકેર અને ક્લાઈમેટ ચેન્જ પર સહકાર વધારવાની ચર્ચા કરી. વડાપ્રધાન તેમના ત્રણ દેશોના પ્રવાસમાં બીજા દેશ પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા છે.  અહીં તેઓ અત્યાર સુધી જનારા પ્રથમ ભારતીય પીએમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.