Abtak Media Google News
  • રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના અધ્યક્ષસ્થાને નાકો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ

પ્રવર્તમાન સમયમાં ડ્રગ્સના દુષણ સામે સૌએ એક થઈ આજના યુવાધનને બચાવવું જરૂરી હોવાનું કહી આ દુષણને નાથવા સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ સાથોસાથ વાલીઓ પણ જાગૃત બની આગળ આવે તેમ પોલીસ કમિશનર   રાજુ ભાર્ગવે નાર્કો-કોર્ડીનેટર સેન્ટરની બેઠકમાં ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું. પોલીસ કમિશનરએ ખાસ કરીને યુવાનો પર કારકિર્દી અંગે દબાણ ન લાવવા અને તેઓના વાલીઓને સતર્ક રહેવા ખાસ ભલામણ કરી હતી. ડ્રગ્સ સપ્લાયર અંગે લોકો માહિતી પુરી પાડવા આગળ આવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

પોલીસ કમિશનર  ના અધ્યક્ષસ્થાને આયોજિત નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર (નાર્કોડ) બેઠકમાં પોલીસ વિભાગ દ્વારા એન્ટી-ડ્રગ્સ કેમ્પઇન અંગે ડી.સી.પી.  પાર્થરાજસિંહ ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું કે, એસ.ઓ.જી. તેમજ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ડ્રાઈવ ચલાવી શહેરમાં પાન ગલ્લાઓ, બગીચા તેમજ અન્ય સ્થળોએ ડ્રગ્સ વેચતા લોકો પર વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષ 2022 માં ડ્રગ્સ વેચનાર સામે કાર્યવાહી કરી રૂ. 39 લાખ ,વર્ષ 2023 માં રૂ. 51 લાખ તેમજ ચાલુ વર્ષમા રૂ. 9 લાખથી વધુનો જથ્થો પકડવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

પોલીસ અને શિક્ષણ વિભાગ સાથે જનજાગૃતિ અર્થે  શાળા-કોલેજમાં ડ્રગ્સના દુષ્પરિણામો અંગે સેમિનાર કરવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષમાં 2500 થી વધુ છાત્રોને ડ્રગ્સના વ્યસનથી દૂર રહેવા તેના દુષ્પરિણાણો અંગે માહિતગાર કરાયા હતાં.

આ કાર્યક્રમમાં અમદાવાદથી એન.સી.બી.વિભાગના અધિકારીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે એડિશનલ પોલીસ કમિશનર   વિધિ ચૌધરી, ડી.સી.પી.  સજ્જનસિંહ પરમાર, એસ.ઓ.જી.ના પી.આઈ. જે.એમ.કૈલા, જિલ્લા શિક્ષણ અધિકારી  એન.વી. રાણિપા, મહાનગરપાલિકાના વિજિલન્સ વિભાગના  આર.બી. ઝાલા, સહીત, વહીવટી વિભાગ, ફૂડ વિભાગ,  ફોરેન્સિક વિભાગ, આરોગ્ય વિભાગ, રાજકોટ સિવિલ મનોચિકિત્સક વિભાગ, રિહેબિલિટેશન વિભાગ, કૃષિ, વન વિભાગ, તોલમાપ. સાઇન્ટિફિક વિભાગ સહિતના કમિટીના અધિકારીઓ જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.