Abtak Media Google News

ગેડીયાના  બે શખ્સોએ યુવાનનું અપહરણ  કરી કરોડો સાથે કોરા ચેક પણ ઝડપયા હતા: એકની શોધખોળ

પાટડી તાલુકાના માલવણ ગામના વાણંદ યુવાનનું ગેડીયાના બે શખ્સોએ અવારનવાર અપહરણ કરી ધાકધમકી આપી રૂ. 1 કરોડ 47 લાખ રૂ. પડાવી અને સહી કરેલા ત્રણ કોરા ચેક લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી. બજાણા પોલીસે માલવણ અપહરણ કેસમાં એક આરોપીને ઝડપી જેલહવાલે કર્યો હતો. જ્યારે એક આરોપી હજી ફરાર હોવાથી પોલીસે અન્ય એક આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પાટડી તાલુકાના માલવણ ગામના નરોત્તમભાઇ ઉર્ફે ભાવેશભાઇ મનસુખભાઇ વાણંદનું ગેડીયા ગામના અયુબખાન ઉર્ફે નાથબાપુ એલમખાન મલેક અને મોબતખાન ઉર્ફે મોબો રસુલખાન મલેકે અવારનવાર અપહરણ કરી ઉઠાવી જઇ ધાક ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. 2 કરોડ 47 લાખની માંગણી કરી હતી. જેમાં માલવણ ગામના નરોત્તમભાઇ ઉર્ફે ભાવેશભાઇ મનસુખભાઇ વાણંદ અને એમના કાકા રસિકભાઇ વાણંદે દુકાન અને વિવિધ જમીનો વેચી રૂ. 1 કરોડ 47 લાખ ચૂકવી દીધા હતા.

છતાં ગેડીયા ગામના આ બંને શખ્સો વારંવાર ઉઘરાણી કરતા એમની વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી બજાણા પોલીસ મથકના પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે ગેડીયાના આરોપી અયુબખાન ઉર્ફે નાથબાપુ એલમખાન મલેકને ઝબ્બે કરી રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રીમાન્ડ નામંજૂર કરતા એને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જ્યારે ગેડીયાનો અન્ય આરોપી મોબતખાન ઉર્ફે મોબો રસુલખાન મલેક હજી પોલીસ પકડથી દૂર હોવાથી એને ઝબ્બે કરવાના બજાણા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.