ચોટીલા: મોંઘવારી વચ્ચે તેલની નદીઓ વહી; ટેન્કર પલટતા લોકો વાસણો લઈ દોડયા, જુઓ વીડિયો

ચોટીલા, વિક્રમસિંહ જાડેજા:

એક તરફ તેલના ભાવ આસમાને જતાં લોકોને ભારે હાડમારી પડી રહી છે તેમજ વધતી મોંઘવારીએ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. આ સમયે ચોટીલાથી અમદાવાદ તરફ જતા હાઇવે પર આવેલ ઢેઢુકી ગામની નજીક તેલની નદીઓ વહેતી થઈ છે. ગામલોકોને જાણે ઓચિંતી લોટરી લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

ચોટીલા હાઇવે પર તેલ ભરેલ ટેન્કરનો અકસ્માત થતા તેલની નદીઓ વહી

સાયલા તાલુકાના ઢેઢુકી ગામની બાજુમાં તેલ ભરેલ ટેંકરને અકસ્માત નડ્યો હતો. આ બનાવને પગલે હાઇવે પર તેલની નદીઓ વહેતી થઈ હતી. જેનો લાભ લેવા લોકો ગાંડાતુર બન્યા હતા. તેલ ભરવા માટે ગામ લોકો પોતપોતાના વાસણો લઈને તેલ ભરવા માટે ઉમટી ગયા હતા.

તેલ લેવા માટે લોકોની ભીડ ઉમટી હતી. પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી અને એમાં પણ ખાધ તેલ સહિતની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા. ત્યારે ઢેઢુકી ગામે ટેન્કરના અકસ્માતે લોકોને જલ્સા કરાવી દીધા છે.