Abtak Media Google News

રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત: અનેક રજુઆતોનું પરિણામ શૂન્ય

કુંકાવાવમાં ભુગર્ભ ગટર યોજનાના મેન્ટેનન્સના અભાવે ગામના વિસ્તારો તેમજ ઘનશ્યામનગરમાં રસ્તાઓ પર ગંધાતા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ બાબતે પૂર્વ સરપંચ સ્વ.દલસુખભાઈએ વખતોવખત રજુઆત કરી હતી. હાલ વર્તમાન સમયમાં સરપંચ સુભાષભાઈ ભગત, વેપારી મંડળના પ્રમુખ મનસુખભાઈ ગોંડલિયાએ પણ ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરેલ પરંતુ ગોકળગાયની ગતિએ ચાલતુ હોય તેમ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી તેમાં હાલ કુંકાવાવમાં ભુગર્ભ ગટરને સાફ કરવા મશીનરી નથી જેના કારણે અન્ય જગ્યાએથી મશીનરી મંગાવવી પડે છે ત્યાંની પણ રજુઆતો અવાર-નવાર કરવામાં આવી રહી છે.

આજ આવીશું-કાલ આવીશું થી કાબરબાઈની વાતો જેવા અનુગ્રહ જોવા મળી રહે છે. ગંદા પાણીના નિકાલનો પ્રશ્ર્ન લોકોના માટે માથાના દુખાવારૂપ બની ગયો છે. ત્રીસ વર્ષ પહેલા જયારે પાકી ગટર વ્યવસ્થા ન હતી ત્યારે જેમ બજારમાં સરેડી બનાવી પાણીનો નિકાલ લોકો કરતા તેવી જ સ્થિતિ હાલ જોવા મળી રહી છે. કુંડી ઉભરાય રહી છે, જનતા જુવે છે કે સાફ કેમ કરવી તેનો વિકલ્પ મળતો નથી તો હાથે પાવડાથી ભુગર્ભ ગટર સાફ થઈ શકે નહીં. જેની વધુ અકળામણ નગરજનો ભોગવી રહ્યા છે તો બીજીબાજુ ૨૦૧૫ના પુરપ્રલય તેમજ ભુગર્ભ ગટરની માટી રોડ પર જ જામી જતા ઘર કરતા રોડ-રસ્તાનું લેવલ ઉંચુ આવ્યું છે. તેનું લેવલીંગ કરાવી રસ્તા નીચે ઉતારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આવા સમયમાં વરસાદી પાણી પણ ઘર આંગણામાં ઘુસી જાય છે. જેથી વધુ કપરી પરિસ્થિતિનો સામનો નગરજનોને કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા લેવલીંગ કરી ભુગર્ભ ગટર યોજનામાં તોડી નાખેલા રોડ ફરી બનાવવામાં ચોક થઈ ગયેલ ભુગર્ભ ગટર શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે. મનથી મુંજાતા લોકો હવે નેતાજીઓને પણ કંઈક કહેવા માંગે છે કે વોટ બેંકની જેમ લોકોનો ઉપયોગ કર્યો છે તો પબ્લીકના કામ કરી સાર્થક તો કરો અમારા ગામને થતો અન્યાય કયાં સુધી સહન કરવાનો છે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.