Abtak Media Google News

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વધી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી બંને દેશો વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. દરમિયાન કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ વિવાદના ઉકેલ માટે ભારત સાથે વ્યક્તિગત વાતચીતની ઈચ્છા વ્યક્ત કરી છે.

જોલીએ મંગળવારે કહ્યું કે કેનેડા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર રાજદ્વારી વિવાદને ઉકેલવા માટે ભારત સાથે વ્યક્તિગત વાતચીત કરવા માંગે છે.

તેમણે કહ્યું છે કે, અમે ભારત સરકારના સંપર્કમાં છીએ. અમે કેનેડિયન રાજદ્વારીઓની સુરક્ષાને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. અમે તેમની સાથે વ્યક્તિગત રીતે સંપર્ક જાળવવાનું ચાલુ રાખીશું કારણ કે અમે માનીએ છીએ કે રાજદ્વારી વાટાઘાટો જ્યારે વ્યક્તિગત હોય ત્યારે શ્રેષ્ઠ કામ કરે છે.

કેનેડાના 41 રાજદ્વારીઓને 10મી સુધીમાં પરત બોલાવી લેવા ભારતનું અલ્ટીમેટમ

સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને છેલ્લા ઘણા દિવસોથી બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાને નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પછી ભારતે આ આરોપોને ફગાવી દીધા હતા અને તેમને વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. આ સાથે બંને દેશોએ એક બીજાના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ પણ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે કેનેડાએ હજુ સુધી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના દાવાના સમર્થનમાં કોઈ જાહેર પુરાવા આપ્યા નથી.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવારે કહ્યું હતું કે તેમનો દેશ ભારત સાથેના વિવાદને વધારવા માંગતો નથી અને નવી દિલ્હી સાથે જવાબદારીપૂર્વક અને રચનાત્મક રીતે જોડાવા માંગે છે. ટ્રુડોએ કહ્યું હતું કે અમે કેનેડિયન પરિવારોને મદદ કરવા માટે ભારતમાં હાજરી આપવા માંગીએ છીએ.

ટ્રુડોનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે ભારતે કેનેડાની સરકારને તેના 41 રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં પરત બોલાવવા કહ્યું છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે જો આ રાજદ્વારીઓ 10 ઓક્ટોબર પછી પણ ભારતમાં રહેશે તો તેમની રાજદ્વારી પ્રતિરક્ષા પણ રદ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.