Abtak Media Google News

વિદેશમંત્રી જયશંકરે કેનેડાને સ્પષ્ટ ચેતવણી આપી કે આવી હરકતોથી બન્ને દેશોના સબંધ બગડતા વાર નહિ લાગે

ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાની ઉજવણી કેનેડાના બ્રેમ્પટનમાં કરવામાં આવી હતી. આ ઘટનાથી ભારત લાલઘૂમ થયું છે. વિદેશમંત્રી જયશંકરે આ ઘટનાને વખોડી કેનેડાને ચેતવણી આપી છે આવી ઘટના ભારત સાથેના સંબંધો ઉપર અસર કરશે.

કેનેડામાં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યાની ઉજવણીના સમાચાર પર વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન સામે આવ્યું છે.  જયશંકરે કહ્યું કે કેનેડામાં આવી ઘટના બંને દેશો માટે યોગ્ય નથી. આ સાથે જયશંકરે ઈશારામાં કેનેડાને ચેતવણી આપી અને કહ્યું આવી ઘટનાથી સંબંધો બગડી શકે છે. જો કે કેનેડિયન એનએસએ જોડી થોમસે ભારતને દખલગીરી ન કરવાનું જણાવ્યું હતું.

કોંગ્રેસે વિદેશ મંત્રી એસ જયશંકરને બ્રેમ્પટનમાં એક પરેડમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાનું ચિત્રણ કરતી એક ઝાંખીને લઈને કેનેડિયન સત્તાવાળાઓ પર સખત જવાબ આપવા વિનંતી કરી હતી. દેવરાના ટ્વીટને ટેગ કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું, “હું સંપૂર્ણ રીતે સંમત છું! આ નિંદનીય છે અને એસ જયશંકરે તેને કેનેડિયન સત્તાવાળાઓ સમક્ષ સખત રીતે ઉઠાવવું જોઈએ.”

બીજી તરફ ભારતમાં કેનેડાના હાઈ કમિશનર કેમરન મેકેએ આ ઘટનાની નિંદા કરી છે.  તેમણે કહ્યું કે તેઓ તેમના દેશમાં બનેલી ઘટનાના અહેવાલોથી “આઘાત” છે કે કેનેડાએ ભારતીય વડા પ્રધાનની હત્યાની “ઉજવણી” કરી હતી.  મેકેએ એક ટ્વિટમાં કહ્યું, “કેનેડામાં નફરત અથવા હિંસાના મહિમા માટે કોઈ સ્થાન નથી. હું આ પ્રવૃત્તિઓની સખત નિંદા કરું છું.”

ઉલ્લેખનીય છે કે કેનેડામાં ખાલીસ્તાનિઓ બેફામ બન્યા છે. ત્યાંની સરકાર તેને અટકાવવાની બદલે તેને જાણે પ્રોત્સાહન પુરૂ પાડી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. જેને પરિણામે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખાટા થાય તેવા અણસાર મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.