Abtak Media Google News

બાકી બિલ વાળા અનેક ગ્રાહકોની દિવાળી બગડશે

200 કરોડના બાકી બિલ વસૂલવા સઘન ઝુંબેશ : 25 હજારથી વધુની રકમ બાકી હોય તેવા અંદાજે પાંચેક હજાર ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવા કવાયત શરૂ

અબતક, રાજકોટ : બાકી બિલ વાળા અનેક ગ્રાહકોની દિવાળી બગડવાની અણીએ છે. કારણકે પીજીવીસીએલ બાકી લેણું વસૂલવા આકરા પાણીએ આવ્યું છે. 450 ટિમો દ્વારા 25 હજારથી વધુની રકમ બાકી હોય તેવા અંદાજે પાંચેક હજાર જેટલા ગ્રાહકોના વીજ કનેક્શન કાપવા માટે કવાયત શરૂ કરી દીધી છે.

પીજીવીસીએલ દ્વારાસમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ બીલના નાણા નહી ભરનારા ગ્રાહકો ઉપર તવાઇ ઉતારવાનું શરૂ કર્યું છે. જે ગ્રાહકોની  25 હજારથી વધુ રકમ બાકી છે. તે તમામના કનેકશન આજથી જ કાપી નાખવાના આદેશો કરવામાં આવ્યા છે. આ કામગીરી માટે સૌરાષ્ટ્ર કચ્છમાં 450 ટિમો મેદાનમાં ઉતરી છે. અંદાજે 5 હજાર જેટલા ગ્રાહકોનું 25 હજારથી વધુના બિલ બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામના કનેક્શન કટ કરી દેવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે આ સઘન ઝુંબેશમાં એસઆરપી અને પોલીસની ટીમોને પણ સાથે રાખવામાં આવી છે. આ ઝુંબેશથી પીજીવીસીએલના ફસાયેલા અંદાજે 200 કરોડ જેટલા નાણાં છુટા થઈ શકે એમ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં રૂ. 25 હજારથી વધુના બિલ બાકી હોય તેવા અંદાજે 40 જેટલા કનેક્શન છે. આ કનેક્શન કાપી નાખવા માટે આશરે 20 જેટલી ટિમો કાર્યરત થઈ ગઈ છે. જે આજના દિવસમાં જ આ કામગીરી પુરી કરવાની હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર નવા એમડીએ ચાર્જ સંભાળતા વેંત જ બાકી લેણાનો પ્રશ્ન ઉકેલવાની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે શરૂઆતમાં 25 હજારથી વધુ રકમ બાકી હોય તેવા કનેક્શનને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ તેથી ઓછી રકમ બાકી હોય તેવા કનેક્શનને ટાર્ગેટ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.