Abtak Media Google News

યુનિ.વિસ્તારમાં વરસાદી પાણીના તલાવડામાં જીવતો વિજવાયર ખાબક્યો: તાકિદે પુરવઠો બંધ કરી વીજતંત્રએ ઝડપી કામગીરી બતાવી

વરસાદી વાતાવરણમાં વીજ અકસ્માતોનું પ્રમાણ વધી જાય છે. આ સમયે પીજીવીસીએલની ખરી પરીક્ષા લેવાય છે. ત્યારે પીજીવીસીએલના કર્મચારીઓ પણ ખડેપગે રહીને કામ કરે છે. પીજીવીસીએલની સમયસુચકતા અને શ્રેષ્ઠ કામગીરના લીધે ઘણીવાર મોટી દુર્ઘટના બનતા ટળી છે. આવો જ બનાવ યુનિવર્સિટી કેમ્પસ પાસે આવેલા મેલડી માતાજીના મંદિર પાસે બની છે. આ વિસ્તારમાં વરસાદી પાણીનું તલાવડું આવેલું છે. જીવતો વીજ વાયર આ તલાવડામાં પડયો હતો. જેથી આખા તલાવડામાં વિજપ્રવાહ વહેતો થયો હતો.

વીજકર્મીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મળેલી કમ્પ્લેઈન પર કામ કરી રહ્યા હતા ત્યારે તેઓને ફરી બીજી વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કમ્પ્લેઈન મળી હતી કે મેલડી માં ના મંદિર સામે આવેલા વરસાદી પાણીના તલાવડામાં જીવતો વીજ વાયર પડયો છે. આ ફરિયાદ મળતાની સાથે જ પીજીવીસીએલ તે લાઈનનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. ત્યારબાદ રૈયા રોડ સબડિવીઝનનાં પીજીવીસીએલ કર્મચારીઓ ત્યાં દોડી ગયા હતા. તેઓએ ત્યાં સ્થળનું નિરીક્ષણ કરતા તલાવડાના કાંઠે ગાય મૃત હાલતમાં પડી હતી. વીજકર્મીઓએ ૪ કલાક જેટલો સમય બનાવ સ્થળે રહીને ગાયના માલિકની રાહ જોઈ હતી. પરંતુ ગાયના માલિક અંગે કોઈ જાણ થઈ નથી.

યુનિવર્સિટી કેમ્પસ નજીક હોવાથી ત્યાં વિદ્યાર્થીઓ સહિત ઘણા લોકોની અવર-જવર રહે છે. વીજ પુરવઠો સમયસર બંધ કરી દેવાતા કોઈ અણબનાવ બન્યો ન હતો. જો વીજપુરવઠો બંધ કરવામાં ન આવત તો આ ઘટના વિકરાળ સ્વ‚પ પણ ધારણ કરી શકત. હાલ આ તલાવડાની વચ્ચે વીજપોલ આવેલો હોવાથી પીજીવીસીએલ કર્મચારીઓ ત્યાં કામ કરી શકે તેવી સ્થિતિ નથી. જેથી તલાવડાનું પાણી ઓછું થશે ત્યારે આ કામગીરી થઈ શકશે. તલાવડા પર તુટીને પડેલી આ લાઈન એક બંધ સ્થળે જ જાય છે. જેથી તેને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તલાવડાનું પાણી ઓછું થશે ત્યારે આગામી કામગીરી હાથ ધરવામાં આવશે.

હાલ ચોમાસા દરમ્યાન પીજીવીસીએલ તંત્ર વીજ પુરવઠો યથાવત રાખવા માટે ઉંધા માથે થયું છે. ખડેપગે રહીને બિરદાવવા લાયક કામગીરી કરી છે ત્યારે એ પણ ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩૦ દિવસમાં ફરજ નિભાવતા ૧૦ વીજકર્મીઓના મૃત્યુ નિપજયા છે. આમ બીજાના ઘરમાં અજવાળું પાથરવા જતા ઘણા વીજકર્મીઓના પોતાના જ ઘરમાં અંધારા છવાયા છે. વડાપ્રધાન નર્મદાને વધાવવા રાજકોટ આવ્યા હતા ત્યારે પણ સરકારે પીજીવીસીએલની કામગીરીને બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.