૩૯ જાતીઓને આરક્ષણમાંથી હટાવવા હાઇકોર્ટમાં પીઆઇએલ

government
government

ઓબીસી પંચની ભલામણ વગર આરક્ષણ યાદીમાં સમાવાયેલી ૩૯ જ્ઞાતિઓના કારણે ઠાકોર સમાજને અન્યાય થતો હોવાની દલીલ

સોશીયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ (એસઇબીસી) યાદીમાંથી ૩૯ જ્ઞાતિઓને હટાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં એસઇબીસી માટે સરકારી નોકરી અને શિક્ષણ માટે ર૭ ટકા આરક્ષણ રાખવામાં આવ્યું છે.

હાઇકોર્ટમાં કરવામાં આવેલી પીઆઇએલમાં આ ૩૯ જાતિઓ ર૭ ટકા આરક્ષણમાંથી મોટો હિસ્સો રોકતી હોવાથી ઠાકોર સમાજને અન્યાય થઇ રહ્યો હોવાની લાગણી વ્યક્ત કરાઇ છે. ઠાકોર સમાજ આરક્ષણનો પુરતો લાભ ન લઇ શકતો હોવાનું પીઆઇએલમાં જણાવાયું છે.

આ પીઆઇએલના પરિણામે ચીફ જસ્ટીસ આર.એસ.રેડ્ડી અને જસ્ટીસ વી.એમ.પંચોલીની ખંડપિઠે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ઓબીસી કમિશન, સોશીયલ જસ્ટીસ એન્ડ એમ્પાવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સહિતના વિભાગોને નોટિસ ફટકારી છે. પીઆઇએલ વીસનગર મ્યુનિ.ના કોર્પોરેટર અજમલજી ઠાકોર દ્વારા કરવામાં આવી છે.  તેમણે પીઆઇએલમાં વર્ષ ૧૯૯૪માં સરકાર દ્વારા પારીત કરાયેલા રીઝોલ્યુશનને રદ કરવાની માંગણી કરી છે. અજમલજી ઠાકોરના વકીલ રોહીત પટેલે આ મામલે જણાવ્યું હતું કે, વડી અદાલતની ગાઇડલાઇન અનુસાર કોઇપણ સમાજનો એસઇબીસી કે ઓબીસીમાં સમાવેશ કરવા માટે ઓબીસી પંચની ભલામણની જ‚ર હોય છે. ઠાકોર સમાજને બક્ષીપંચ કમીશન દ્વારા આ યાદીમાં સમાવેશ કરવા ભલામણ થઇ હતી. પરંતુ અન્ય ૩૯ જાતિઓને એસઇબીસી કે ઓબીસી આરક્ષણ યાદીમાં સમાવેશ કરવા બક્ષી કમિશન કે મંડલ કમિશને ભલામણ કરી ન હતી. છતાં પણ આ જાતિઓને ૧૯૯૪માં યાદીમાં સમાવાઇ હતી.

પીઆઇએલમાં વધુમાં ઉમેરાયું છે કે, ૩૯ જાતિઓ સામાજીક કે શૈક્ષણિક સ્તરે પછાત નથી. સરકારે માત્ર મત મેળવવા ખાતર તેમનો યાદીમાં સમાવેશ કર્યો હોવાનો આક્ષેપ પીઆઇએલમાં કરવામાં આવ્યો છે.