Abtak Media Google News

કોઈ પણ ચિંતા વિના ફોરેક્ષ કાર્ડ દ્વારા યાત્રીઓ રૂપિયા વાપરી શકશે !!

સરકારે આ વર્ષથી ’કેશલેસ હજ’ પર ભાર આપવાનું નક્કી કર્યું છે અને આ પ્રયાસના ભાગરૂપે હજ યાત્રીઓને વિદેશી ચલણના ઉપયોગ માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એક કાર્ડ આપવામાં આવશે. લઘુમતી બાબતોના મંત્રાલયના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. અગાઉની સિસ્ટમ હેઠળ, હજયાત્રીઓએ 2100 સાઉદી રિયાલ (આશરે રૂ. 45 હજાર) ભારતની હજ સમિતિમાં જમા કરાવવાના હતા, જે તેમને સાઉદી અરેબિયાના મક્કા અને મદીનામાં ખર્ચ કરવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા.

મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, હવે હજ યાત્રીઓને આ રકમ હજ કમિટીમાં જમા કરાવવાની જરૂર રહેશે નહીં.  તેઓ એસબીઆઈ દ્વારા આ નાણાં સીધા જ એક્સેસ કરી શકે છે. તેમને ’ફોરેક્સ કાર્ડ’ પણ આપવામાં આવશે.  આવી સ્થિતિમાં  તેમને રોકડ સાથે રાખવાની જરૂર રહેશે નહીં. હવે તેઓ પોતાની જરૂરિયાત મુજબ પૈસા ખર્ચી શકશે. તેમણે કહ્યું, ડિજિટલ ઈન્ડિયામાં ’કેશલેસ હજ’ પર ભાર મૂકવામાં આવ્યો છે.

અમારો પ્રયાસ છે કે યાત્રિકોને વધુમાં વધુ સુવિધા મળે અને તેમના ખર્ચમાં પણ ઘટાડો થાય.મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વર્ષે હજ માટે 1.84 લાખ અરજીઓ મળી છે, જેમાંથી 70 વર્ષથી વધુ ઉંમરના 10,621 લોકો અને 4,314 મહિલાઓ જેમણે ’મેહરમ’ (નજીકના પુરૂષ સંબંધી) વગર હજ માટે અરજી કરી હતી તેને પ્રાથમિકતા આપવામાં આવી હતી. મંત્રાલયનું કહેવું છે કે, હજ યાત્રા માટે 1.4 લાખ લોકોની પસંદગી કરવામાં આવી છે, તેમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવી છે અને જેમના નામ પ્રતિક્ષા યાદીમાં સામેલ છે તેમને પણ એસએમએસ દ્વારા જાણ કરવામાં આવી છે.  આ વર્ષે ભારતમાંથી 1,75,025 લોકો હજ પર જનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.