Abtak Media Google News

પેટ્રોલિયમ કેમીકલ્સ એન્ડ પેટ્રોકેમીકલ ઈન્વેસ્ટમેન્ટ રીજનમાં વધતી જતી જળ જરૂરીયાતને સંતોષવા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ જ એક માત્ર વિકલ્પ

દરિયાનું દરરોજ ૧૦૦ મીલીયન લીટર પાણી શુઘ્ધ કરી ઔધોગિક એકમોના ઉપયોગમાં લેવાશે

ચાલુ વર્ષે વરસાદની ઘટ રહેતા પાણીની તંગી સર્જાવાની મોટી ભીતિ ઉભી થઈ છે ત્યારે આ જળતંગીને ખાળવા દરિયાઈ પાણીનો ઉપયોગ કરવા તરફ ગુજરાત સરકારે પગલું ભર્યું છે જે અંતર્ગત દહેજ ખાતે દરિયાના ખારાજળને મીઠા કરવાનો પ્લાન્ટ સ્થાપવા કવાયત હાથ ધરાઈ છે.

દહેજમાં પેટ્રોલીયમ કેમીકલ્સ એન્ડ પેટ્રોકેમીકલ ઈન્વેસ્ટમેન્ટ રીજનમાં વધતી જતી પાણીની જરૂરીયાતને ધ્યાનમાં રાખી આ પ્લાન્ટ ઉભો કરવાનું નકકી કરાયું છે. જેમાં અરબસાગરના દરિયાનું ખારુ પાણી ઔધોગિક એકમોના વપરાશમાં આવી શકે એ માટે શુદ્ધિકરણની પ્રક્રિયા થશે.

ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશને જણાવ્યું કે, પ્લાન્ટ સ્થાપવા માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ટુંક સમયમાં કામ પણ ઝડપથી શરૂ થઈ જશે. આ પ્લાન્ટ દરરોજ ૧૦૦ મીલીયન લીટર પાણી શુઘ્ધ કરવાની ક્ષમતા ધરાવશે અને ૧૫ એકર જમીનમાં આ પ્લાન્ટ સ્થપાશે.

જીઆઈડીસીના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, આ પ્લાન્ટ દરિયાની નજીક જ ઉભો કરાશે અને આ માટે ત્રણ-ચાર જગ્યાઓના નિરીક્ષણ બાદ ભુજ જીલ્લાનું દેગ્ની ગામ પસંદ કરાયું છે. હાલ, દહેજના ઔધોગિક વિસ્તારમાં દરરોજનું ૨૦૦ એમએલડી પાણીની જરૂર રહે છે. જેમાંથી ૫૦% પાણી નર્મદા નદી જયારે બાકીનું ૫૦% પાણી કેનાલમાંથી લેવાય છે. જોકે, આગામી સમયમાં આ પ્લાન્ટની મદદથી નર્મદા પરનું ભારણ ઘટશે અને દરિયાનું પાણી ઉપયોગમાં લેવાતા પીવાના પાણીનો પણ બગાડ ઘટશે.

દહેજના આ ઔધોગિક વિસ્તારમાં પાણીની તંગી નિવારવાનો આ એક માત્ર જ વિકલ્પ છે. કારણકે આગામી સમયમાં પાણીની જરૂરીયાત ૪૦૦ એમએલડી થાય તેવી શકયતા છે. પાણીની તંગીને કારણે અનેકો સમસ્યા ઉભી થાય છે. રોકાણોને પણ મોટો ધકકો લાગ્યો છે આથી જળતંગી ખાળવી અત્યંત જરૂરી બન્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.