Abtak Media Google News

કાયદાની પરવાહ કર્યા વિના લુખ્ખાઓનો ’નગ્ન નાચ’

અગાઉ પણ નરાધમો ભોગ બનનારનું અપહરણ કરી ચુક્યાના અહેવાલ : બદનામીના ડરથી ફરિયાદ કરીને પરત ખેંચી લેવાઈ હતી

હરિયાણાના ફરીદાબાદ ખાતે સરાજાહેર લુખ્ખાઓએ નગ્ન નાચ કર્યો છે. ફરીદાબાદ શહેર ખાતે લુખ્ખાઓને જાણે કાયદાનો કોઈ ડર જ ના રહ્યો હોય તે રીતે ભરબપોરે ૨૧ વર્ષીય યુવતીના અપહરણનો પ્રયત્ન કરાયો જેમાં લુખ્ખાઓની મેલી મુરાદ પૂર્ણ નહીં થતા યુવતીની પોઇન્ટ બ્લેન્કથી ગોળી મારીને હત્યા નિપજાવી દેવામાં આવી હતી.

દેશના પાટનગર દિલ્લી ફક્ત ૩૦ કિલોમીટર દૂર આવેલા ફરીદાબાદ શહેર ખાતે ૨૧ વર્ષીય વિદ્યાર્થીનીના અપહરણનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ખેંચતાણ કરીને ભોગ બનનારને ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ લુખ્ખાઓ તેમાં સફળ નહીં થતા અંતે પોઇન્ટ બ્લેન્કથી ગોળી મારી હત્યા નિપજાવી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

આ ઘટના ગત સોમવારના રોજ બપોરના ૩:૪૦ વાગ્યે ફરીદાબાદની બલ્બગઢ ખાતે આવેલી કોલેજની બહાર બની હતી. જ્યાં ભોગ બનનાર નિકિતા તોમર પરીક્ષા આપવા અર્થે ગઈ હતી. નિકિતા તોમર કોમર્સ પ્રવાહમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી.

ફરીદાબાદના પોલીસ વર્તુળો તરફથી મળતી માહિતી મુજબ તોસિફ અને તેનો સાગરીત રેહાન મુખ્ય આરોપીઓ છે. જેઓ કોલેજની બહાર કારમાં ભોગ બનનારની રાહ જોઈ રહ્યાં હતા. તોસિફએ અગાઉ વર્ષ ૨૦૧૮ માં પણ નિકિતાનું અપહરણ કર્યું હતું તેવું ફરીદાબાદના પોલીસ ઓફિસર ઓ પી સિંઘે ઉમેર્યું હતું.

સિક્યોરિટી કેમેરામાં નિકિતા અને તેની મિત્ર કારની નજીક જોવા મળે ચબે જેમાં તેઓ કારમાં બેસેલા નરાધમોથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. થોડે દૂર સુધી કારમાં બેસેલા નરાધમોએ ભોગ બનનારનો પીછો કર્યો હતો પણ મેલી મુરાદ પૂર્ણ નહીં થતા અંતે ઉશ્કેરાટમાં આવીને ગોળી મારીને હત્યા નિપજાવી દેવામાં આવી હતી. હત્યા કરીને બંને નરાધમો ભોગ બનનારને લોહી – લુહાણ હાલતમાં છોડીને ઘટના સ્થળથી નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટના દરમિયાન ભોગ બનનારની મિત્ર ઘટના સ્થળ પર હાજર હોવાથી તેણી સમગ્ર ઘટનાની સાક્ષી બની છે. ઘટના બાદ નિકિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં નિકિતાને મૃત જાહેર કરવામાં આવી હતી.

પોલીસ વર્તુળોના જણાવ્યા અનુસાર તોસિફ અને રેહાનની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ વર્તુળે ઉમેર્યું છે કે વર્ષ ૨૦૧૮માં ભોગ બનનાર યુવતીના પિતાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી જ્યારે ફરિયાદ પરત ખેંચી લેવામાં આવી હતી. આ મામલે ભોગ બનનારના પિતાએ કહ્યું હતું કે, તોસિફ અગાઉ પણ મારી પુત્રીને હેરાન કરતો હતો જેના કારણે મેં ફરિયાદ કરી હતી પણ અમારી પુત્રી બદનામ ન થાય તે કારણોસર અમે ફરિયાદ પરત ખેંચી લીધી હતી. તેમણે વધુમાં ઘટના અંગે જણાવ્યું હતું કે, મારી પુત્રી પરીક્ષા અર્થે કોલેજ ગઈ હતી જ્યાં નરાધમોએ મારી પુત્રીને જોર જબરદસ્તીથી કારમાં બેસાડવાની કોશિશ કરી હતી પણ તેઓ તેમની મુરાદમાં સફળ નહીં થતા ગોળી મારી હત્યા કરી દીધી હતી.

નિકિતાની માતાએ કહ્યું હતું કે, હું મારી દીકરી માટે ન્યાયની માંગણી કરું છું. જે રીતે નરાધમોએ મારી દીકરીની ગોળી મારીને હત્યા કરી તેવી જ રીતે નરાધમોની પણ ગોળી મારીને હત્યા થવી જોઈએ. સાથો સાથ નેશનલ કમિશન ફોર વુમન્સ  દ્વારા હરિયાણા પોલીસ વડાને આરોપીઓને ઝડપી પકડી લેવા માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.