Abtak Media Google News

શહેરમાં 200 વ્યક્તિની મર્યાદા સાથે મર્યાદિત રૂટ પર રથયાત્રા કાઢવા મંજૂરી આપી; ગણેશ ઉત્સવ માટે જાહેર પંડાલને પણ છૂટછાટ અપાઈ: જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ વખતે કરફયુના સમયમાં પણ ફેરફાર કરાયો

 

અબતક-રાજકોટ

સાતમ-આઠમના તહેવારો અને ગણેશ ઉત્સવની ઘડીઓ ગણાય રહી છે ત્યારે કોરોના હળવો થતાં બે વર્ષ બાદ તંત્ર દ્વારા તહેવારો ઉજવવાની જાહેરમાં છૂટછાટ આપી છે. જો કે, અમુક ચુસ્ત નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેમાં કૃષ્ણ જન્માષ્ટમીની રથયાત્રાને મર્યાદિત સંખ્યામાં રથયાત્રાને મંજૂરી આપી છે. સાથો સાથ ગણેશ ઉત્સવમાં જાહેર પંડાલોમાં મર્યાદિત સંખ્યામાં ગણેશ ઉત્સવ મનાવી શકાશે. તેના માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી લોકો ઘરમાં પુરાઈને રહ્યાં છે ત્યારે હવે કોરોના હળવો થતાં રાજ્ય સરકારે કૃષ્ણ જન્મોત્સવ અને ગણેશ ઉત્સવ મનાવવાની આકરી શરતો સાથે છૂટછાટ આપી છે.

કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે જન્માષ્ટમીએ 200 વ્યક્તિની મર્યાદા સાથે મર્યાદિત રૂટ પર રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે અને કૃષ્ણ જન્મની ઉજવણી રાત્રે 12 વાગે થતી હોય તેના માટે એક દિવસ પુરતી જન્માષ્ટમીએ રાત્રે 1 વાગ્યા સુધી કરફયુમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે, મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની સાથે મટકી ફોડનું આયોજન કરવાની તંત્ર દ્વારા મનાઈ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત આગામી તા.9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બરના ગણેશ ઉત્સવ મનાવવાની પણ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં સાર્વજનિક પંડાલમાં ચાર ફૂટથી ઉંચા ગણપતિની સ્થાપના કરવાની મનાઈ કરવામાં આવી છે અને ઘરમાં બે ફૂટના જ ગણપતિની સ્થાપના કરી શકાશે. 11 દિવસ ચાલતા ગણપતિ ઉત્સવમાં જાહેર પંડાલમાં પૂજા, આરતી અને પ્રસાદ વિતરણની છુટછાટ આપવામાં આવી છે. જો કે, મર્યાદિત સંખ્યા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા ખાસ તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે.

આ ઉપરાંત ગણેશના આગમન અને ગણેશના વિસર્જન વખતે એક વાહનમાં 15 થી વધુ વ્યક્તિઓને મનાઈ કરવામાં આવી છે. સાથો સાથ ગણપતિ વિસર્જન કૃત્રિમ કુંડમાં કરવા ખાસ જણાવવામાં આવ્યું છે.  આ તકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડી રાજ્ય સરકારની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરી છે અને નિયમનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ તંત્રને સુચના આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.