Abtak Media Google News

પોરબંદર- ગુજરાતમાં વિવિધ જગ્યાએ વન્ય હિંસક પ્રાણીઓ માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યાં છે. મહિસાગરમાં વાઘ હોવાની પુષ્ટી થઇ છે, તો બીજી તરફ પોરબંદરમાં પ્રથમ વખત સિંહ જોવા મળ્યો હોવાની ઘટના બની છે. જોકે, સિંહને જોવા માટે એકઠાં થયેલા ટોળા પૈકી એક આધેડ ઉપર હુમલો કર્યો હતો. જોકે, ગ્રામજનોમાં દોડાદોડ મચી જતાં સિંહે અન્ય એક યુવક ઉપર પણ હુમલો કર્યો હતો. આ બંનેને સારવાર માટે માધવપુર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં.

મળતી માહિતી પ્રમાણે પોરબંદર જિલ્લાના માધવપુરમાં આજે પહેલીવાર સિંહ આવી ચડ્યો હતો. સિંહ દેખા દેતા જ ગામ લોકોના ટોળા ઉમટ્યાં હતાં. અને ગામમાં નાસભાગ મચી ગઇ હતી. સાથે સાથે ગભરાઇ ગયેલા સિંહ પણ દોડ મુકીને એક આધેડ ઉપર હુમલો કર્યો હતો. જેના પગલે આધેડને પીઠના ભાગે ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગામના કેટલાક લોકો સિંહની પાછળ દોટ મુકી હતી. આ સમયે હિંસે એક યુવકને પગે બચકું ભરી લીધું હતું. જેથી યુવકને પગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે માધવપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ યુવકને 10 જેટલા ટાંકા આવ્યા હતા. ગામમાં પહેલીવખત સિંહ પ્રવેસતા ગામલોકોમાં ભયની લાગણી ફેલાઇ છે. તો બીજી તરફ વનવિભાગના અધિકારીઓએ ગ્રામજનોને સંત્વના આપી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં સિંહના હુમલાઓ વધ્યા છે. બે ત્રણ દિવસ પહેલા સિંહે ગાયનું મારણ કર્યું હતું તો રવિવારે મોડી રાત્રે ગીર સોમનાથના એક ગામમાં સિંહોના ટોળાએ બકરાંઓના રહેણાંકમાં ઘૂસી જઇને 70થી વધારે બકરાંઓને ફાડી ખાધા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.