Abtak Media Google News

આજી ડેમમાં 700 એમસીએફટી અને ન્યારી ડેમમાં 350 એમસીએફટી નર્મદાના નીર સૌની યોજના અંતર્ગત ઠાલવવા પત્ર લખ્યો

રાજકોટની વસ્તી અને વિસ્તાર કૂદકે અને ભૂસકે સતત વધી રહ્યો છે. વસ્તીના પ્રમાણમાં જળસ્ત્રોતની સંખ્યામાં કોઇ જ વધારો થયો નથી. જેના કારણે ચોમાસાની સિઝનમાં શહેરની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયો સતત એક-એક મહિના સુધી ઓવર ફ્લો થતાં હોવા છતાં શિયાળામાં જ ડેમ ખાલી થવાની અણીપર આવી જાય છે. રાજકોટવાસીઓને ચોમાસા સુધી નળ વાટે નિયમીત 20 મિનીટ પાણી પૂરું પાડી શકાય તે માટે કોર્પોરેશને ફરી રાજ્ય સરકાર સમક્ષ ખોળો પાથર્યો છે. સૌની યોજના અંતર્ગત રાજકોટના આજી અને ન્યારી ડેમમાં 1050 એમસીએફટી નર્મદાનું નીર ફાળવવા માટે માંગણી કરવામાં આવી છે.

Advertisement

મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ ગત 10મી જાન્યુઆરીના રોજ રાજ્યના નર્મદા જળસંપતિ તથા કલ્સર વિભાગના સચિવને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજકોટમાં શહેરીજનોને નળ વાટે 20 મિનીટ પાણી પુરૂં પાડવા માટે દૈનિક 365 એમએલડી પાણીની આવશ્યકતા રહે છે.

જેમાં આજી ડેમમાંથી રોજ 130 એમએલડી, ન્યારી ડેમમાંથી 70 એમએલડી, અને ભાદર ડેમમાંથી 40 એમએલડી પાણી ઉપડવામાં આવે છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડ દ્વારા નર્મદા પાઇપલાઇન દ્વારા રાજકોટને દૈનિક 125 એમએલડી નર્મદાનું પાણી આપવામાં આવે છે. હાલ આજી એક ડેમમાં 550 એમસીએફટી જળજથ્થો ઉપલબ્ધ છે. દૈનિક ઉપાડ મુજબ આજી ડેમ 31 માર્ચ સુધી સાથ આપે તેમ છે. ન્યારી ડેમમાં 1015 એમસીએફટી પાણી ઉપલબ્ધ છે.

રૈયાધાર ખાતે 50 એમએલડી ક્ષમતાનો નવો ફીલ્ટર પ્લાન્ટ આગામી મેં-2022 સુધીમાં કાર્યરત થઇ જશે તથા ન્યારી-1 ડેમના દરવાજાના સીલ બદલાવાની કામગીરી હાથ ધરવાની થતી હોય ડેમમાંથી રો-વોટરનો ઉપાડ વધી જશે. હાલ 70 એમએલડીના બદલે 100 એમએલડી થવા પામશે. ન્યારી ડેમ 30 જૂન સુધી સાથ આપશે અને ત્યારબાદ માત્ર ડેમમાં 165 એમસીએફટી જથ્થો ઉપલબ્ધ રહેશે. રાજકોટવાસીઓને ચોમાસાની સિઝન સુધી નિયમિત 20 મિનીટ પાણી પુરૂં પાડી શકાય તે માટે ડેમમાં 350 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવા માંગણી કરવામાં આવી છે.

પત્રમાં વધુમાંએ વાતનો પણ ઉલ્લેખનીય કરવામાં આવ્યો છે કે વિતરણ વ્યવસ્થા સુચારૂંરૂપે જાળવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આજી ડેમમાં 700 એમસીએફટી નર્મદાના નીર સૌની યોજના અંતર્ગત ઠાલવવાનું 1 માર્ચથી શરૂ કરી દેવામાં આવે જ્યારે ન્યારી ડેમમાં 350 એમસીએફટી નર્મદાનું પાણી 1 મેંથી ઠાલવવાનું શરૂ કરવામાં આવે, શહેરની વસ્તી અને વિસ્તાર સતત વધી રહ્યો હોવાના કારણે હવે રાજકોટ સં5ૂર્ણપણે નર્મદા પર નિર્ભર થઇ ગયું છે.

 જળાશયો 1-1 મહિનો ઓવર ફ્લો થતો હોવા છતાં ડેમ માત્ર 6 મહિના જ સાથ આપે છે.

વિજયભાઇના રાજમાં રાજકોટને માંગે ત્યારે નર્મદાના નીર મળી જતાં હતા !

મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણીના પાંચ વર્ષના કાર્યકાળમાં રાજકોટવાસીઓને પાણીની રતિભાર પણ તકલીફ પડી નથી. ડેમ ડુકે અને મહાપાલિકા દ્વારા નર્મદાના નીરની માંગણી કરવામાં આવતી હતી ત્યારે તરત જ સરકાર દ્વારા પાણી પૂરું પાડી દેવામાં આવતું હતું પરંતુ હવે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન બાદ સ્થિતિએ પરિવર્તન લીધું છે. રાજકોટનો જોઇએ તેટલું વજન સરકારમાં પડતું નથી.

અગાઉ જ્યારે પાણીની અછત ઉભી થાય અને મુખ્યમંત્રીને ફોન પર જાણ કરવામાં આવે કે બે-ચાર દિવસમાં નર્મનાના પાણી શરૂ થઇ જતાં હતાં પરંતુ હવે એવું રહ્યું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજકોટની માંગણી કેટલીહદે સંતોષે તેની ખબર ટૂંક સમયમાં પડી જશે. કારણ કે 10 દિવસ પૂર્વે નર્મદાના નીરની માંગણી કરતો પત્ર રાજ્ય સરકારને લખી દેવામાં આવ્યો છે છતાં હજુ સુધી સરકાર દ્વારા કોઇ ખાત્રી આપવામાં આવી નથી.

રૈયાધારમાં નવો ફિલ્ટર પ્લાન્ટ મે માસ સુધીમાં કાર્યરત થઇ જશે

રાજકોટની ભવિષ્યની પાણીની જરૂરીયાતને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા હાલ અલગ-અલગ સ્થળોએ વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે. રૈયાધાર વિસ્તારમાં 50 એમએલડીની ક્ષમતાનો નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે.

આગામી મેં માસમાં આ વોટર ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવશે. જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ નર્મદાની નીરની માંગણી કરવામાં આવી છે. હાલ દૈનિક વિતરણ વ્યવસ્થા માટે ન્યારી ડેમમાંથી રોજ 70 એમએલડી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. નવો ફિલ્ટર પ્લાન્ટ શરૂ થયા બાદ દૈનિક સરેરાશ 100 એમએલડી પાણીનો ઉપાડ કરવામાં આવશે.

ન્યારી-1 ડેમના દરવાજાના સીલ બદલાશે

રાજકોટ મહાનગરપાલિકાના માલિકીના એકમાત્ર જળાશય એવા ન્યારી-1 ડેમની જળસંગ્રહશક્તિમાં વધારો કરવામાં આવ્યો છે અને ડેમ પર 11 દરવાજા મુકવામાં આવ્યા છે.

આગામી વર્ષે ન્યારી ડેમના દરવાજાના સીલ બદલવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે. જેના કારણે ડેમમાંથી રો-વોટર વધુ માત્રામાં ઉપાડવું પડશે. હાલ ડેમમાં 1015 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે 30 જૂન સુધી સાથ આપે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.