Abtak Media Google News

બહુમતી માટે ૧૯ ધારાસભ્યોનું સમર્થન જરૂરી હતું ત્યારે સાવંતની તરફેણમાં ૨૦ ધારાસભ્યોએ કર્યું મતદાન

ગોવા વિધાનસભામાં વિશ્વાસનો મત હાંસલ કરવામાં નવનિયુકત મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને સફળતા પ્રાપ્ત થઈ છે. બહુમતી માટે ૧૯ ધારાસભ્યોનું સમર્થન જરૂરી હતું ત્યારે સાવંતની તરફેણમાં ૨૦ ધારાસભ્યોએ મતદાન કરતા તેઓએ વિશ્વાસનો મત પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે.

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરનું અચાનક નિધન થતાં ગત સોમવારે મોડી રાત્રે ગોવાના મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતે સફળ શપથ લીધા હતા. તેઓની સાથે એમજીપીના ધારાસભ્ય સુદીન ધવલિકર અને જી.એફ.પી.ના અધ્યક્ષ તથા ધારાસભ્ય વિજય સરદેસાઈએ નાયબ મુખ્યમંત્રી તરીકે અને અન્ય ૧૧ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. ગોવામાં સરકાર રચવા માટે રાજયપાલ સમક્ષ કોંગ્રેસે પણ દાવો કર્યો હોવાના કારણે એવી અટકળો ચાલી રહી હતી કે, પ્રમોદ સાવંત વિશ્ર્વાસનો મત હાંસલ કરવામાં સફળ ન પણ રહે. દરમિયાન આજે ગોવા વિધાનસભામાં વિશ્વાસના મતના ફલોર ટેસ્ટમાં પ્રમોદ સાવંત સફળ રહ્યા છે. ભાજપના ધારાસભ્યો ઉપરાંત એમ.જી.પી અને જી.એફ.પી.ના ૩-૩ ધારાસભ્યો અને ૩ અપક્ષ ધારાસભ્યોએ ભાજપનું સમર્થન કર્યું હતું. ગોવા વિધાનસભાની હાલ ૩૬ બેઠકો પૈકી બહુમતી માટે ૧૯ ધારાસભ્યોનું સમર્થન જરૂરી હતું જેમાં ભાજપની તરફેણમાં ૨૦ ધારાસભ્યોએ મતદાન કરતા પ્રમોદ સાવંત વિશ્વાસનો મત જીતી શકયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમોદ સાવંતને દિવંગત મુખ્યમંત્રી મનોહર પારીકરના ખુબ જ નજીકના વ્યકિત માનવામાં આવતા હતા જોકે તેઓની લાઈફ સ્ટાઈલ પારીકરથી તદન અલગ જ છે. મનોહર પારીકર પાસે એક ઈનોવા કાર અને પાંચ સ્કુટર હતા જયારે સાવંત પાસે પાંચ મોટરકારનો કાફલો છે. ગોવા વિધાનસભામાં ૪૦ બેઠકો છે જેમાં હાલ ૩૬ ધારાસભ્યો છે. કોંગ્રેસના ૨ ધારાસભ્યોએ ગત વર્ષે રાજીનામા આપ્યા હતા જયારે ભાજપના બે ધારાસભ્યોના નિધન થતા ૪ બેઠકો ખાલી પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.