Abtak Media Google News

ચીનથી તબીબો માટે સુરક્ષા કિટની પહેલી ખેપ આવી, આગામી દિવસોમાં સિંગાપૂરથી પણ આવશે પૂરવઠો

દેશમાં રોજ ૮૦ હજાર માસ્ક બનાવાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને કહ્યું છે કે કોરોના સામેનો જંગ લાંબો છે. અને આપણે તેની સામે જીતવાનું છે. ત્યારે સરકારે પણ લાંબી લડત માટેની તૈયારી આદરી દીધી છે. કોરોના સામેના જંગમાં લોકોને બચાવતા તબીબો, નર્સો, સહિતના આરોગ્ય કર્મચારીઓને ચેપ ન લાગે તે માટે પીપીઈ, માસ્ક સહિતની સાધન સામગ્રી મંગાવવાનું અને તેનું ઉત્પાદન વધારવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

તબીબોની સુરક્ષા માટેના પીપીઈને પહેલો જથ્થો ચીનથી આવી ગયો છે. અને આગામી દિવસોમાં સિંગાપૂરથી પણ જથ્થો આવી રહ્યો છે. દેશમાં જ બનતા માસ્કનો જથ્થો વધારવા આદેશ અપાયા છે. જેથી હવે રોજના ૮૦ હજાર માસ્ક ઉપલબ્ધ થઈ શકશે.

દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છેકે ૧૧૨-૭૫ લાખ એન.૯૫ માસ્ક અને ૧૫૭.૩૨ લાખ પીપીઈ કિટસના ઓર્ડર આપવામાં આવ્યા હતા. તેમાંથી ૮૦ લાખ પીપીઈ કિટસ સાથે માસ્ક અલગથી રાખવામાં આવ્યા છે હાલ દેશમાં પૂરતા જથ્થામાંકિટસ અને માસ્ક ઉપલબ્ધ છે. અને દર અઠવાડીયે ૧૦લાખ પીપીઈ કીટસનો પૂરવઠો મેળવવાનો નિર્ધાર રખાયો છે.

ચીનથી આયાતની પહેલી ખેપમાં ૧.૭૦ લાખ પીપીઈ કિટ આવી ગઈ છે. જયારે ભારતમાં જ ૨૦ હજાર પીપીઈ કિટસ તૈયારી કરાઈ છે. જે હોસ્પિટલોમાં વહેચવામાં આવ્યા છે. દેશમાં અગાઉથી જ ૩૮૭૪૭૩ કિટસ ઉપલબ્ધ હતી એટલે દેશમાં અત્યારે ૫૭૭૪૭ કીટસ હાજર છે. બીજી બાજુ ચીનથી બીજી ૬૦ લાખ પીપીઈ કીટસ મંગાવવાની વાટાઘાટો ચાલુ છે. જે અંતિમ તબકકામાં છે.

સિંગાપુરને માસ્ક સાથે ૮૦ લાખ પીપીઈનો ઓર્ડર અપાયો છે. ૮૦ લાખની કિટસ ૧૧ એપ્રીલથી આપવાની શરૂઆત થઈ જશે તેમ આરોગ્ય મંત્રાલય જણાવે છે. પહેલી ખેપમાં ૨ લાખ કીટસ આવશે. બાદમાં દર અઠવાડીયે ૮ લાખ કીટસ આવશે.

દેશમાં અત્યારે રેલવે દ્વારા પીપીઈ કિટસ તૈયાર કરવામાં આવે છે.ડીઆરઓએ પણ માસ્ક અને કિટસ બનાવ્યા છે એટલે હવે દેશમાં તેનું ઉત્પાદન વધારી શકાશે સરકાર કહે છેકે દરરોજ ૮૦ હજાર માસ્ક બનાવવાનું લક્ષ્યાંક રખાયું છે.

કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૨૦લાખથી વધારે એન.૯૫ માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે. જેમાંથી લગભગ ૧૬ લાખ માસ્ક હોસ્પિટલોમાં અપાયા છે. આ ઉપરાંત દેશના અલગ અલગ વિસ્તારોમાં પણ અપાયા છે. જયારે ૬ લાખ જેટલા પીપીઈ કિટસનું પણ વિતરણ કરાયું છે.

દેશમાં એક લાખથી વધુ નમુના તપાસાયા: તબીબી સંશોધન સંસ્થા

ભારતીય આરોગ્ય સંશોધન સંસ્થાના જણાવ્યા મુજબ ૬ એપ્રીલ સુધીમાં દેશમાં ૧૦૧૦૬૮ નમુના ચકાસવામાં આવ્યા છે. જેમાં ૪૧૩૫ લોકોના નમુના કોરોના પોઝીટીવ જણાયા છે. જયારે ૬ એપ્રીલ રાત્રીનાં ૯ વાગ્યા સુધીમાં એક જ દિવસમા ૧૧૪૩૨ નમુનાનું પરીક્ષણ કરાયું હતુ તેમાં ૩૧૧ કેસ પોઝીટીવ જણાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.