Abtak Media Google News

અલગ-અલગ કામોના કોન્ટ્રાકટ બે વર્ષથી વધુ મુદત માટે અપાતા સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય નેહલ શુકલએ સંકલનમાં જ ધડબડાટી બોલાવી: સ્ટે.ચેરમેનનું ઉપરાણુ લેનાર કેતન પટેલને પણ ઝાટકયા

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને પણ મોઢે મોઢ ચોપડાવી દેતાં સંકલનમાં સન્નાટો : સ્ટેન્ડીંગ પૂર્ણ થયા બાદ અધિકારીઓનો કલાસ લીધો

 

અબતક, રાજકોટ

કોર્પોરેશનમાં આજે બપોરે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠક પૂર્વે ભાજપનાં કોર્પોરેટરોની સંકલન બેઠકમાં સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય અને વોર્ડ નં.7ના કોર્પોરેટર નેહલ શુકલએ ફરી એકવાર બઘડાટી બોલાવી હતી. અલગ અલગ કામો માટેનો કોન્ટ્રાકટ વધીને બે વર્ષ માટે જ આપવો તેવો અગાઉ સંકલનમાં નિર્ણય લેવાયા બાદ ફરી વોટર વર્કસના કામનો કોન્ટ્રાકટ પાંચ વર્ષ માટે આપવાની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં આવતાં નેહલ શુકલનો પિતો છટકયો હતો. સંકલન બેઠકમાં તેઓએ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને મોઢે મોઢ ચોપડાવી દીધું હતુ કે પ્રમુખ હવે તમારા શબ્દની પણ કંઈ વેલ્યુ જ રહી નથી. તેનાં આ શબ્દથી સંકલનમાં સન્નાટો છવાઈ ગયો હતો. દરમ્યાન સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનનું ઉપરાણુ લેનાર વોર્ડ નં.14ના કોર્પોરેટર કેતન પટેલને પણ નેહલે ઝાટકી નાંખ્યા હતાં. સ્ટેન્ડીંગની બેઠક પૂર્ણ થયા બાદ ચેરમેન અને અન્ય સભ્ય બહાર નીકળી ગયા ત્યારે નેહલે અધિકારીઓનો કલાસ લીધો હતો.

અગાઉ મહાપાલિકામાં મળેલી સ્ટેન્ડીંગ કમીટની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે પછી તમામ કામોનો કોન્ટ્રાકટ વધીને બે વર્ષ માટે આપવામાં આવશે. દરમ્યાન આજે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં વોટર વર્કસ શાખા હસ્તકના એક કામનો કોન્ટ્રાકટ પાંચ વર્ષ સુધી આપવાની દરખાસ્ત આવતાં સ્ટેન્ડીંગ પૂર્વે ભાજપની સંકલન બેઠકમાં સભ્ય નેહલ શુકલએ ધડબડાટી બોલાવી હતી. તેઓએ સંકલનમાં હાજર રહેલા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને પણ મોઢે મોઢ ચોપડાવી દીધું હતું કે તમારા વચનની પણ કંઈ વેલ્યુ રહી નથી. સ્ટેન્ડીંગ ચેરમેન અને સભ્યોની મુદત અઢી વર્ષની હોય છે અને કોર્પોરેટરની મુદત પાંચ વર્ષની હોય છે ત્યારે અલગ અલગ કામો માટે બે થી પાંચ વર્ષ માટે કોન્ટ્રાકટ આપવા પાછળનો હેતુ શું ? તેઓ સવાલ ઉઠાવી તડાફડી બોલાવી હતી. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ગત સ્ટેન્ડીંગમાં એવું જણાવ્યું હતું કે હવે પછીના દરેક કોન્ટ્રાકટમાં બે વર્ષની મુદત રાખવામાં આવશે પરંતુ તેનું પાલન ન થતાં નેહલે તેઓને પણ ઝાટકયા હતાં. બીજી તરફ પાંચ લાખ કે તેથી વધુના કામ માટે ફરજિયાત ઈ-ટેન્ડર પ્રસિધ્ધ કરવાનો નિયમ હોવા છતાં સિન્થેટીક ટેનીસ કોર્ટ ભાડે આપવાના કામમાં ઈ ટેન્ડર પ્રસિધ્ધ કરાયું નથી માત્ર અખબારમાં જાહેરાત આપીને કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો છે. તેમાં પણ બે વર્ષના કોન્ટ્રાકટના આશ્ર્વાસનનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે.

નેહલ શુકલએ સંકલનમાં ધડબડાટી બોલાવતાં સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કર પટેલે એવી બાંહેધરી આપી હતી કે હવે પછી તમામ કોન્ટ્રાકટમાં માત્ર બે વર્ષની જ મુદત રાખવી તેવો પરિપત્ર પ્રસિધ્ધ કરાવવા સુચના આપી દેવામાં આવશે. વોટર વર્કસ શાખા દ્વારા અગાઉ ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું હોવાના કારણે પાંચ વર્ષ માટે કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત સ્ટે.કમીટી સમક્ષ રજૂ કરવામાં આવી છે જો હવે તે મંજુર કરવામાં ન આવે તો રિ ટેન્ડર કરવું તેમ છે. 4.86 કરોડનું જે કામ મંજુર કરવામાં આવ્યું છે તેમાં 56 લાખ રૂપિયા તો માત્ર ઓપરેશન અને મેન્ટેનન્સના હોય આ મુદ્દે પણ નેહલે સવાલ ઉઠાવ્યા હતા કે કોઈપણ નવી મશીનરી વસાવવામાં આવે તો તેમાં બે વર્ષ સુધી કોઈ મેન્ટેનન્સ આવતું નથી ત્યારે 56 લાખ રૂપિયા કોન્ટ્રાકટરને આપી દેવા પાછળનો હેતુ શું છે ? આ ઉગ્ર દલીલ વચ્ચે બાંધકામ સમિતિના ચેરમેન કેતન પટેલ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલનાં બચાવમાં ઉતર્યા હતાં અને તેઓએ એવી દલીલ કરી હતી કે, કોઈ કામ માટે રી ટેન્ડર કરવામાં આવે તો 10-10 મહિના સુધી એજન્સી મળતી નથી. કેતન પટેલને પણ નેહલે ઝાટકી નાંખ્યા હતા અને કહ્યું હતું કે 10 મહિના સુધી કોઈ કામ માટે એજન્સી ન મળે તે આપણી નબળાઈ છે. અધિકારીઓ પેધી ગયા હોવાના કારણે આવે સમસ્યાઓ સર્જાય છે. સંકલન બાદ મળેલી સ્ટે.કમીટીની બેઠક ગણતરીની મીનીટોમાં પૂર્ણ થઈ ગઈ હતી પરતુ ચેરમેન અને અન્ય સભ્યો કોન્ફરન્સ રૂમમાંથી બહાર નીકળી ગયા બાદ નેહલ શુકલએ અધિકારીઓનો પણ કલાસ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.