Abtak Media Google News

ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનની વર્ષગાંઠની વિશ્ર્વ ખાદ્ય દિવસ તરીકે ઉજવણી

અનાજનો બગાડ અટકાવી અન્નદાતાઓનું સન્માન કરવા પીએમ મોદીનું આહવાન

સંયુકત રાષ્ટ્રની એક પાંખ ખાદ્ય અને કૃષિ સંગઠનની આજે ૭૫મી વર્ષગાંઠ છે. આ દિવસને વિશ્ર્વભરમાં ખાદ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તકે ૭૫ રૂપિયાનો સ્મૃતિ સિકકો જારી કર્યો છે અને ભારત સાથેના ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન-એફએઓના સંબંધને ઐતિહાસિક ગણાવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ તાજેતરમાં જ વિકસિત કરવામાં આવેલા ૮ પાકોની ૧૭ પ્રકારની અલગ-અલગ જૈવક સંવર્ધિત વેરાયટીઓ દેશને સમર્પિત કરી હતી.

વર્લ્ડ ફુડ ડેની એફએઓને શુભકામનાઓ પાઠવી પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દુનિયાભરમાં કુપોષણને દુર કરવાનો પ્રયાસ કરનારા તમામને હું શુભેચ્છા પાઠવું છું. તેમણે ખાદ્ય ક્ષેત્ર પર ચર્ચા કરતા કહ્યું કે, ભારતમાં અનાજનો બગાડ બર્બાદીનું કારણ છે તે એક મોટી સમસ્યા છે જેને નિવારવા જીવનજરૂરી ખાદ્ય સામગ્રી કાયદામાં ફેરફાર કરાયા છે. જેનાથી પરિસ્થિતિઓ બદલશે. નાના ખેડુતોને વધુ મજબુત કરવા દેશમાં ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઈઝેશનના એક નેટવર્કની સ્થાપના થશે. ખેડુતોની આવક બે ગણી કરવા ટેકાના ભાવમાં બદલાવ જેવા મહત્વનાં નિર્ણયો લેવાયા છે.

વડાપ્રધાન મોદીએ ખાદ્ય ઉત્પાદન અંગે વાત કરતા કહ્યું કે, કોરોના કાળમાં પણ ભારતના ખેડુતોએ ગત વર્ષની તુલનાએ રેકોર્ડબ્રેક ઉત્પાદન કર્યું છે. જે અમૂલ્ય છે. ભુખમરા અને કુપોષણ મુદા વિશે પોતાના સંબોધનમાં કહ્યું કે, કોરોના સંકટ વચ્ચે પણ ભારત દેશ કુપોષણ વિરુઘ્ધ મજબુતાઈથી લડાઈ લડી રહ્યો છે. ખેડુતો, વૈજ્ઞાનિકો, આંગણવાડી કાર્યકર્તાઓ અને અન્નદાતાઓ આ લડાઈનો આધાર બની સરકારને મદદ કરી રહ્યા છે.

કેન્દ્રીય ખાદ્યમંત્રી નરેન્દ્રસિંહ દ્વારા અન્ન દેવો ભવ: જાગૃતતા અભિયાનની શરૂઆત

ભારતીય સંસ્કૃતિનો નારો જેમ અતિથિ દેવો ભવ: છે એમ હવે, અન્નદેવો ભવ: પણ બન્યો છે. કેન્દ્ર સરકારના ખાદ્ય અને સુરક્ષા મંત્રાલય દ્વારા આ સ્લોગન જારી કરવામાં આવ્યું છે. અન્નનો તિરસ્કાર ન કરીને અન્નદાતાઓનું સન્માન કરવું જોઈએ. આ અંગે સતર્કતા ફેલાવવા આજરોજ કેન્દ્રીય ખાદ્યમંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા વિશ્ર્વ ખાદ્ય દિન નિમિતે અન્ન દેવો ભવ: જાગૃતતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ખાદ્ય ચીજવસ્તુઓનો થતો બગાડ અટકાવી તેના સંગ્રહ અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાશે. એક તરફ અનાજનો બગાડ પણ એટલો થાય છે તો બીજી તરફ દેશમાં લાખો ગરીબો ભુખમરો અને કુપોષણનો શિકાર બને છે. આ બંને સમસ્યાને નિવારી મુદ્દો સંતુલિત કરવા કેન્દ્ર સરકારે આ અભિયાન હાથ ધર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.