Abtak Media Google News

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ટયુશન ફીમાં વધારો ન કરવા ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને તાકિદ

વૈશ્ર્વિક મહામારી કોરોનાથી ઘણાખરા ઉધોગોમાં બદલાવ આવ્યો છે. લોકડાઉન બાદ અનલોકની સ્થિતિમાં પણ શૈક્ષણિક સંસ્થાઓ તથા મહાવિશ્ર્વ વિદ્યાલયો હાલ કાર્યરત નથી. બીજી તરફ દિન-પ્રતિદિન જે રીતે સમય પસાર થઈ રહ્યો છે તેનાથી વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ અને અભ્યાસ પર તેની માઠી અસર ન પડે તે હેતુસર ઓનલાઈન શિક્ષણનો મુદ્દો હાલ ચર્ચામાં આવ્યો છે. ઓનલાઈન શિક્ષણ આપતી સંસ્થાઓને ટયુશન ફી ન લેવા માટેની તાકિદ કરવામાં આવી હતી પરંતુ એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે શૈક્ષણિક સંસ્થાઓ ઓનલાઈન શિક્ષણ આપી રહી છે તે તમામ ટયુશન ફી લેવા હકકદાર છે. પ્રિન્સીપલ પ્રોગ્રેસીવ સ્કુલ એસોસીએશને ઉતરાખંડ હાઈકોર્ટને ચેલેન્જ કરતી પીટીશનને પાછી ખેંચી લીધેલી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, જે શાળાઓ ઓનલાઈન શિક્ષણ આપી રહી છે તેઓ ટયુશન ફી વિદ્યાર્થીઓ પાસે લેવા હકકદાર છે.

જે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ શકતા ન હોય તે વિદ્યાર્થીઓ પાસે કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓ ટયુશન ફી માંગી શકશે નહીં. આ નિર્ણય માત્રને માત્ર એ વિદ્યાર્થીઓ માટે જ અમલી બનાવવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. લોકડાઉનનાં સમય દરમિયાન ઉતરાખંડ સરકારે નિર્ણય કરી ઓર્ડર પાસ કર્યો છે કે, જે સંસ્થાઓ ઓનલાઈન અથવા તો વર્ચ્યુઅલ કલાસ લઈ રહ્યા છે તેઓ ટયુશન ફી માટે વિદ્યાર્થીઓને કહી શકશે. સાથોસાથ અન્ય કોઈપણ ફી શૈક્ષણિક સંસ્થાઓ આ સમયગાળા દરમિયાન નહીં લે તે વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. બીજી તરફ સરકારનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, શૈક્ષણિક સંસ્થાઓએ ટયુશન ફી ભરવા માટેનાં સમય મર્યાદામાં પણ વધારો કરવો જરૂરી છે જેનું કારણ એ છે કે ઘણાખરા પરીવારો આ સમયગાળા દરમિયાન ટયુશન ફી ભરવાની સ્થિતિમાં નથી હોતા. આ વૈશ્ર્વિક મહામારીનાં સમયમાં ખાનગી શૈક્ષણિક શાળાઓને તાકિદ કરવામાં આવી છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન કોઈપણ ટયુશન ફીમાં વધારો કરવામાં આવશે નહીં જે શૈક્ષણિક શાળાઓ ઓનલાઈન કોર્સ વિદ્યાર્થીઓને આપી રહ્યા છે અને વધારાનાં વિષયોને પણ જયારે ઓનલાઈન ભણાવવામાં આવતા હોય તે માટે પણ શૈક્ષણિક શાળાઓ ટયુશન ફી વિદ્યાર્થીઓ પાસેથી લઈ શકશે. લોકડાઉન સમયમાં એકમાત્ર ઓનલાઈન શિક્ષણનાં કારણે વિદ્યાર્થીઓનાં અભ્યાસમાં કોઈ ક્ષતિ પહોંચી નથી પરંતુ ભારતભરમાં જે રીતે ઓનલાઈન શિક્ષણને લઈ પ્રશ્ર્ન થઈ રહ્યા છે તેને કેવી રીતે નાથી શકાય તે દિશામાં હાલ પગલા લેવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.