Abtak Media Google News

નવા 1.35 કરોડના બાકી વળતર સામે રૂ. 50 લાખની ગ્રાન્ટ ફાળવવાની મૌખિક બાહેંધરી, બાકીની માંગણી અધ્ધરતાલ રહેતા સર્વેયરોએ બેઠક છોડી : બે દિવસ બાદ લડત માટે રણનીતી ઘડાશે

ખાનગી સર્વેયરોની સેટલમેન્ટ કમિશનર સાથે આજે બપોરે મંત્રણા પડી ભાંગી છે. નવા 1.35 કરોડના બાકી વળતર સામે રૂ. 50 લાખની ગ્રાન્ટ ફાળવવાની અધિકારીઓ દ્વારા મૌખિક બાહેંધરી આપવામાં આવ્યા બાદ બાકીની માંગણી ન ઉકેલાતા સર્વેયરોએ બેઠક છોડી આગામી રક્ષાબંધન બાદ લાયસન્સ સરકારને પરત કરી દેવાનો નિર્ણય લીધો છે.

સ્વામિત્વ યોજનામાં એક મિલ્કતની માપણીમાં સર્વેયરોને 15 રૂપિયાના મહેનતાણા તેમજ અન્ય જૂની માંગણીઓનો ઉકેલવાની માંગ સાથે ગુજરાત લેન્ડ સર્વે એસોસિએશન દ્વારા આજથી બેમુદ્દતી હડતાલ પાડવાનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે સેટલમેન્ટ કમિશનર દ્વારા આજે ખાનગી સર્વેયરોની મંત્રણા માટે બોલાવવામાં આવતા આ હડતાલ આજથી લાગુ કરવામાં આવી નથી.

સર્વેયરોના એસોસીએશનના હોદ્દેદારોએ પ્રશ્નો અંગે બળાપો કાઢતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા લાયસન્સ સર્વેયરો સામે ઓરમાયું વર્તન કરી આર્થિક શોષણ કરવામાં આવે છે. સ્વામિત્વ યોજનામાં એક મિલ્કતની માપણીનું માત્ર 15 રૂપિયા વળતર જાહેર કરાયું છે તેમાં પુન: વિચારણા કરી સરકારના નિયમ મુજબ પ્લોટ માપણી ફીના 300 અને તત્કાલના 600રૂપિયા આપવા તેમજ ટ્રાવેલીંગ એલાઉન્સ, અન્ય ભથ્થા આપવાની માંગણી કરી છે અથવા તો મહાપાલિકા, સતા મંડળોમાં ઈજનેરોને આઈ.ડી. કોડ આપી વળતર વસુલ કરવામાં આવે છે તે રીતની છૂટ આપવા માંગણી કરવામાં આવી છે. અથવા તો સમાન કામ સમાન વેતન મુજબ સરકારી અને ખાનગી સર્વેયરોના પગાર-ભથ્થા ચૂકવવા માંગણી કરવામાં આવી છે.

વર્ષ 2014થી ખાનગી સર્વેયરોને રાજય સરકાર દ્વારા 8 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનું બાકી છે તે તાત્કાલીક ફાળવવું, માપણીના દિવસે અરજદાર હાજર ન હોવાથી ખાનગી સર્વેયરોને ધકકા થાય છે તેનું ભથ્થું આપવાની માંગણી કરવામાં આવી છે. હાલ સર્વેયરોની માંગણીને પગલે સરકારે નવા 1.35 કરોડના બાકી વળતર સામે રૂ. 50 લાખની ગ્રાન્ટ ફાળવવાની મૌખિક બાહેંધરી આપી છે. બીજી તરફ બાકીની માંગણી ઉકેલવામાં ન આવતા મંત્રણા ભાંગી પડી હતી. સર્વેયરોના જણાવ્યા પ્રમાણે હવે તેઓ રક્ષાબંધન બાદ લાયસન્સ સરકારને પરત કરી દેશે અને બે દિવસમાં લડતની રણનીતિ ઘડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.