Abtak Media Google News

ચાલુ સાલ વ્યવસાય વેરાના નવા ૧૨૬૬ રજીસ્ટ્રેશન: રૂ.૮.૫૦ કરોડની આવક

કોર્પોરેશનની ટેકસ બ્રાંચ દ્વારા શહેરમાં ૫૪૦૦ બાકીદારોને વ્યવસાય વેરાની નોટિસ મોકલી દેવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં વ્યવસાય વેરાના કુલ ૧૨૬૬ નવા રજીસ્ટ્રેશન થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વ્યવસાય વેરા પેટે અત્યાર સુધીમાં રૂ.૮.૫૦ કરોડની આવક થવા પામી છે.

ચાલુ નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરાને બજેટમાં જે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તેને હાંસલ કરવા માટે જ અત્યારથી આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વ્યવસાયવેરાની બાકીદારોને નોટિસ ફટકારવાનું શરૂ કરાયું છે. શહેરના તમામ ૧૮ વોર્ડમાં રૂ.૫ હજારથી લઈ રૂ.૫૫ હજાર સુધીનો વ્યવસાય વેરાના બાકીદાર એવી પેઢીઓ, વ્યવસાય સંસ્થાઓ, દુકાનદારો, શો-રૂમ ધારકો, કારખાનાઓ, ભાગીદારી પેઢીઓ, કંપનીઓ, હોટલ-માલિક, વકિલો, કમિશન એજન્ટ, દલાલ, ડોકટર, સી.એ, આર્કિટેકટ વગેરે તમામ નોંધાયેલા વ્યવસાયિક ધંધાર્થીઓ અને પેઢીઓ સહિત કુલ ૫૪૦૦ બાકીદારોને નોટિસ ફટકારવામાં આવી છે.

ચાલુ નાણાકીય વર્ષમાં આજ સુધીમાં વ્યવસાય વેરા પેટે રૂ.૮.૫૦ કરોડ જેટલી આવક થવા પામી છે જે ગત વર્ષ કરતા આશરે ૭૪ લાખ રૂપિયા વધુ છે. આજસુધીમાં નવા ૧૨૬૬ રજીસ્ટ્રેશન થયા છે. ચાલુ નાણાકીય વર્ષમાં બાકી વ્યવસાય વેરો વ્યાજ વિના ભરપાઈ કરવાની છેલ્લી તારીખ ૩૦મી સપ્ટેમ્બર હોય વ્યવસાય વેરો ભરી દેવા માટે મહાપાલિકા દ્વારા પેઢી, વ્યવસાયિકો અને સંસ્થાઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.