Abtak Media Google News

PESO માન્ય ફટાકડા જ વેચી અને ફોડી શકાશે : જાહેર રોડ-રસ્તા ઉપર તેમજ હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલય, ધાર્મિક સ્થળોના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા ઉપર મનાઈ : રાજકોટ ગ્રામ્ય વિસ્તાર માટે અધિક જિલ્લા કલેકટરનું જાહેરનામું

અબતક, રાજકોટ : રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીના 10 પછી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે ફટાકડાની લૂમ વેચી કે ફોડી શકાશે નહીં. PESO માન્ય ફટાકડા જ ફોડવાની પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલય, ધાર્મિક સ્થળોના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તાર માટે અધિક જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા દિવાળીના તહેવાર ઉપર આગ અકસ્માતના બનાવ ન બને તેમજ જાહેર સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જણાવાયુ છે કે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ દિવાળીના અને અન્ય તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાના સમય દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. જે મુજબ રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં. સિરીઝમાં જોડાયેલા એટલે કે ફટાકડાની લૂમથી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોય તે વેચાણ કરી શકાશે નહીં અને ફોડી પણ શકાશે નહીં.

હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફટી ઓર્ગેનાઇઝેશન એટલે કે PESO દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચી કે વાપરી શકાશે. કોઈ પણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં અને રાખી શકાશે નહીં કે વેચી શકાશે નહીં.

કોઈ પણ પ્રકારના સ્કાય લેન્ટર્નનું ઉત્પાદન, વેચાણ કરી શકાશે નહીં. તે કોઈ પણ સ્થળે ઉડાડી શકાશે પણ નહિ. જાહેર રોડ રસ્તા તથા ફૂટપાથ ઉપર દારૂ ખાનું, ફટાકડા, બૉમ્બ, રોકેટ, હવાઈ તથા અન્ય ફટાકડા કે જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા કે આતશબાજી ફોડવા/ સળગાવવા કે કોઈ વ્યક્તિ ઉપર ફેંકવા નહિ.

હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના ત્રીજીયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે. અને ત્યાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. આ જાહેરનામાની અમલવારી તા.27 ઓક્ટોબરથી તા.24 નવેમ્બર સુધી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ સને 1860ની કલમ 188 તથા ગુજરાત પોલીસ એકટની કલમ 135 મુજબ શિક્ષાને પાત્ર થશે.

ઈન્ડસ્ટ્રીયલ તથા જીઆઇડીસીના 500 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડી શકાશે નહીં

જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ તથા જીઆઇડીસીના 500 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. અધિક કલેકટરના જાહેરનામાંમાં જણાવાયું છે કે નેશનલ હાઇવે 8 બી ઉપર આવેલ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર તથા મેટોડા જીઆઇડીસી વિસ્તારની 500 મીટરની હદમાં તથા જવલન શીલ પદાર્થના સંગ્રહના સ્થળથી 100 મીટરની હદમાં ફટાકડા ફોડી શકાશે નહીં.

ઓનલાઇન ફટાકડા વેચવા ઉપર પણ પ્રતિબંધ

સલામતીને ધ્યાને રાખીને ઓનલાઇન ફટાકડા વેચવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અધિક કલેકટરના જાહેરનામામાં જણાવાયું છે કે ઇ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ એમેઝોન સહિતની કોઈ પણ ઇ કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઈ શકાશે નહિ. ઓનલાઇન વેચાણ પણ કરી શકાશે નહીં. જો આવું કરશે તો દંડને પાત્ર બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.