Abtak Media Google News

રાત્રી કરફયુનો સમય લંબાવાતા નાના ધંધાર્થીઓને મોટી મુશ્કેલી

રાત્રી કરફયુનો સમય ઘટાડી બજારમાં  બપોર બાદ બે કલાક ભીડભાડ રોકો: ગ્રેટર રાજકોટ ચેમ્બર

ધારાયેલા કરફયુ સમયના અમલથી નાના ધંધાર્થીઓને મુશ્કેલી પડી રહી  છે. આર્થિક  ફટકો પડી રહ્યો છે. એટલે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે રાત્રી કરફયુનો સમય ઘટાડવા તથા બજારમાં ભીડભાડ ઘટાડવા બપોરે બે કલાક  ચારથી  વધુ ભેગા થવા પર પ્રતિબંધ કરવા રજૂઆત કરી છે.

રાજયનાં ચાર મહાનગરો સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ ખાતે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફયુ જાહેર કરવામાં આવેલ છે. જે અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું છે કે દેશમાં કોરોનાની મહામારીને કારણે ખુબ જ દર્દીઓ આવી રહેલ છે અને કોરોનાનો ફેલાવો વધી રહેલ છે. તેને નિયંત્રીત કરવા કેન્દ્ર સરકાર તથા જુદા જુદા રાજયોની સરકારો ચિંતીત  છે અને  જુદા જુદા ઉપાયો કરવા પગલા લઇ  રહી છે.

ગુજરાત રાજયમાં કોરાનાની પ્રસરી રહેલ મહામારીને નિયંત્રીત કરવા રાજય સરકાર દ્વારા રચીત કોર કમીટી અને કોવીડ હેલ્થ એડવાઇઝરી કમીટી દ્વારા સુચવવામાં આવતા પગલાના ભાગરૂપે રાત્રી કર્ફયુનો અમલ કરવામાં આવી રહેલ છે. આ કર્ફયુ પાછળનું સરકારનો ઉદ્દેશ માત્ર લોકોની આવન-જાવન તથા બે વ્યકિતઓ વચ્ચેની દુરી જાળવવા કંટ્રોલ કરી લોકોની સુખાકારીમાં વધારો કરવા માટેનો હોઇ શકે. પરંતુ આમ વહેલો એટલે કે, 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાત્રી કર્ફયુનો અમલ કરતા અનેક વેપાર ઉદ્યોગોને ખાસ કરીને નાના વેપારીઓને પોતાની રોજીરોટી મેળવવામાં તકલીફ પડી રહેલ છે. તેમજ રાજકોટ શહેર જેવા ઔદ્યોગીક શહેરમાં આવેલ નાના ઉદ્યોગોને કર્ફયુને કારણે પોતાનું યુનિટ વહેલુ બંધ કરવાના કારણે ઉત્પાદન પર અસર પડતી હોય છે. જેથી આવા નાના વેપારીઓ, રીક્ષા ડ્રાઇવરો, નાના કારખાનેદારો કે હોટલ કેટરીંગના વેપાર સાથે સંકળાયેલ નાના રેસ્ટોરેન્ટ માલીકો તેમજ રસ્તાના કાંઠે લારી ગલ્લા કે થાલા લઇને ઉભા રહેતા પાણીપુરી વગેરેનો ધંધો કરતા વેપારીઓના જીવનનિર્વાહનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. ત્યારે આવો રાત્રી કર્ફયુ લંબાવીને 09 વાગ્યાથી સવારના 06 સુધી કરવો યોગ્ય નથી. બીજી તરફ વેપાર ઉદ્યોગ તરફથી છેલ્લા અઠવાડીયા દરમ્યાન વેપાર ઉદ્યોગની મહત્વની સંસ્થાઓ તથા જુદા જુદા એસોસીએશનો દ્વારા આ કર્ફયુ રાત્રીના 10 વાગ્યે લાગતો હતો તે 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરવાની માંગણી કરવામાં આવેલ. તે ધ્યાને ન લેતા કર્ફયુના સમયમાં સળંગ વધારો કરવામાં આવેલ છે.

ચેમ્બર માને છે કે  આ મહામારીના સમયમાં ભીડભાડ ન થાય અને બે ગજનું અંતર જળવાય તે ખુબ જરૂરી છે અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા કોવીડ-19 હેઠળના માર્ગદર્શન મુજબ વર્તવુ તે દરેક નાગરીકની ફરજ બને છે. પરંતુ સાથે સાથે નાના વેપાર ઉદ્યોગને પોતાની રોજીરોટીનો સવાલ ઉપસ્થિત ન થાય તે તરફ પણ સરકારએ લક્ષ આપી યોગ્ય નિયંત્રણ કરવા જોઇએ. ભીડભાડવાળા વિસ્તારોની માર્કેટોમાં ઓછી ભીડભાડ થાય તે અર્થે રાજકોટ જેવા શહેરમાં માર્કેટ વિસ્તારમાં દિવસના અઢી વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધી કલમ-144 અંતગર્ત વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મુકવો જોઇએ. જેથી ભીડભાડવાળા વિસ્તારોમાં પણ નિયંત્રીત લોકોની આવનજાવન રહે ત્યારે રાત્રી કર્ફયુના સમયમાં ઘટાડો કરી 11 થી 6 સુધીનો રાખી નાના વેપારી તથા રોજિંદા વેપાર દ્વારા જીવન નિર્વાહ ચલાવતા વેપારીઓને રાહતરૂપ પગલા લેવા જોઇએ. તેમ ગ્રેટર  રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ રાજુભાઈ દોશી તથા ઉપપ્રમુખ કાંતીભાઈ જાવીયાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.