Abtak Media Google News
  • રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે તાતકાલિક દિલ્લી દોડી જઈ સચિન યાદવને ઉપાડી લીધો

સોશિયલ મીડિયામાં અજાણ્યા શખ્સ સાથે મિત્રતા કરવી કેટલી ભારે પડી શકે છે તેનો ચેતવણીરૂપ કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ એક શખ્સ સાથે ઓનલાઇન મિત્રતા કર્યા બાદ એકવાર ન્યુડ કોલ કર્યો હતો. જે કોલ રેકોર્ડિંગ કરીને સામે વાળો શખ્સ વારંવાર ન્યુડ કોલ કરવા દબાણ કરી રહ્યો હતો. જેના લીધે યુવતીએ બ્લોક કરી તમામ સંપર્ક તોડી નાખ્યા હતા. જે બાદ આ શખ્સે યુવતીનો ન્યુડ વિડીયો તેના જ કાકાને મોકલી નાલાયકીની તમામ હદો વટાવી દીધી હતી. જે મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે. મામલામાં સાયબર ક્રાઇમની ટીમ તાત્કાલિક દિલ્લી દોડી ગઈ હતી અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાયકો શખ્સને દિલ્લીથી ઉપાડી લેવાયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં રહેતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી યુવતીનો સોશિયલ મીડિયામાં દિલ્હીના શખ્સનો પરિચય થયા બાદ બંને વાતચીત કરતા હતા જેમાં એક વખત યુવતીએ ન્યૂડ કોલ કર્યો હતો જેનું દિલ્હીના શખ્સે રેકોર્ડિંગ કરી લઇ વારંવાર ન્યૂડ કોલ કરવા દબાણ કર્યું હતું. યુવતીએ સંબંધ તોડી નાખતા તે શખ્સે યુવતીના કાકાના ફેસબુક એકાઉન્ટ પર યુવતીના ન્યૂડ ફોટા-વિડીયો મોકલ્યા હતા.

શહેરમાં રહેતી 19 વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચોક્કસ મોબાઇલ નંબરના ધારક દિલ્હીના સચિન યાદવનું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019-20માં પોતે મોબાઇલમાં પબજી ગેમ રમતી હતી. ત્યારે સામે પબજી રમતા શખ્સની આઇડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા તેણે સ્વીકારી હતી. બાદમાં બંને ફેસબુક પર ફ્રેન્ડ બન્યા હતા અને મોબાઇલ નંબરની પણ આપ-લે કરી હતી. ત્યારબાદ બંનેએ વીડિયો કોલ પર વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ તે શખ્સે ન્યૂડ કોલ કરવાનું કહેતા યુવતીએ ન્યૂડ કોલ કર્યો હતો જે તેની જાણ બહાર તે શખ્સે રેકોર્ડ કરી નાખ્યો હતો.

ત્યારબાદ તે શખ્સ યુવતીને વારંવાર ન્યૂડ કોલ કરવા દબાણ કરતો હોવાથી યુવતીએ તે શખ્સનો મોબાઇલ નંબર બ્લોક કરી નાખ્યો હતો જેથી તે અલગ અલગ નંબર પરથી ફોન કરી સંબંધ રાખવા દબાણ કરતો હતો.

યુવતીએ વાતચીત કરવાનું બંધ કરી દઇ સંબંધ તોડી નાખતા તે શખ્સ ઉશ્કેરાયો હતો અને યુવતીના કાકાના ફેસબુક એકાઉન્ટ પર યુવતીના ન્યૂડ ફોટા મોકલી દીધા હતા. યુવતીએ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં જે નંબર પરથી તે શખ્સ વાતચીત કરતો હતો તે નંબર દિલ્હીના સચિન યાદવ નામના શખ્સનો હોવાનું ખુલ્યું હતું. અંતે આ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસની ટીમ તાત્કાલિક દિલ્લી દોડી ગઈ હતી અને ત્યાંથી સચિન યાદવ નામના સાયકો શખ્સને ઉપાડી લીધો છે. હજુ સાયબર ક્રાઇમની ટીમ દિલ્લીમાં જ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.