Abtak Media Google News

10000થી વધુ હરિભક્તો સ્વહસ્તે શીલાનું સ્થાપન કરી ધન્ય થયા: પારાયણનો શુભારંભ: આજે વિશાળ મહિલા સંમેલન

મોરબી ખાતે નિર્મિત થનાર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર. જેઠ સુદ દશમના પવિત્ર દિવસે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં આ નૂતન શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ ભવ્યતાથી યોજાઈ ગયો.

Advertisement

ગઈકાલે આ ઐતિહાસિક શિલાન્યાસ મહોત્સવમાં ભાગ લેવા માટે ભક્તો ઉમટી રહ્યા હતા. સવારે 8 કલાકે ભગવાન સ્વામિનારાયણના જયનાદ, સ્વામિનારાયણ મહામંત્રનો ઘોષ અને વેદની ઋચાઓના ગાન સાથે પૂજનવિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિલાન્યાસ વિધિ માટે એક વિશાળ અને સુંદર શણગારોથી સુશોભિત ગર્ત તૈયાર કરવામાં આવ્યો હતો અને આ ગર્તમાં થતી વિધિને સૌ ભક્તો નિહાળી શકે એ માટે વિશાળ સભામંડપ બનાવવામાં આવેલો જેમાં વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન પર હજારો હરિભક્તો આ વિધિને માણી રહ્યા હતા.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ મહોત્સવ સ્થળે 10 વાગ્યે પધારી તેઓ પણ વિધિમાં જોડાયા હતા. પરમ પૂજ્ય સ્વામીની સાથે સંસ્થાના વડીલ સંતો પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ  મેરજા, કાંતિભાઇ અમૃતિયા, ધારાસભ્ય પરસોતમ સાબરીયા વગેરે સાથે મુખ્ય યજમાનો વિધિમાં જોડાયા હતા. ત્યારબાદ શિલાન્યાસ મહોત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના વડીલ સંતોએ પ્રેરકવચનો અને આશીર્વાદ આપ્યા હતા.જેમાં સંસ્થાના સદગુરુવર્ય સંત પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના મોરબી શહેર સાથેનો અદભુત નાતો  તેમજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની મોરબી શહેર માટે વહેતી સેવાગંગાની યાદો પ્રસંગો દ્વારા તાદ્રશ્ય કરી હતી. કર્ણાટકના ગવર્નર વજુભાઈએ પોતાની ભાવોર્મીઓ વ્યક્ત કરતા કહ્યું કે, સંતો અને મંદિરએ સમાજની એસેટ છે. બી. એ. પી. એસ.ના સત્સંગથી જ સંસ્કારો સુપેરે મળશે. યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના શુભ સંકલ્પ આજે મહંતસ્વામી મહારાજે પૂર્ણ કર્યો છે.

અહીં પારાયણનો શુભારંભ થયો જેમાં વરિષ્ઠ સદગુરુ સંત અને વર્ષોથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સાથે વિચરણ કરનાર પૂજ્ય વિવેકસાગર સ્વામીએ કથાવાર્તાનો લાભ આપ્યો હતો. સાથે વિખ્યાત હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલીયાએ ઉપસ્થિત સૌ ભક્તોને હાસ્યરસ પીરસેલો. આજે બપોરે 1:00 થી 5:00 દરમ્યાન વિરાટ મહિલા સંમેલન યોજાશે. તા.16 જૂન રવિવાર સુધી રોજ સાંજે 7 થી 9:30 સુધી પારાયણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા.14 થી 16 જૂન દરમ્યાન પ્રાત: 5:15 થી 7:30 દરમ્યાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થશે. મોરબી સત્સંગ મંડળે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા મોરબીવાસીઓને અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.