Abtak Media Google News

મોહમ્મદ રફી અને હેમંત કુમારના ઘણા હિટ રોમેન્ટીક ગીતોનો એ સુંદર ચહેરો હતો: મ્યુઝિકલ હિરો સાથે એક્શન-કોમેડી અને રોમાન્સથી લઇને ફેમિલી ડ્રામા જેવી ફિલ્મમાં વિવિધ રોલ કર્યા

‘પુકારતા ચલા હું મેં’……..મેરે સનમ ફિલ્મનું ગીત એ જમાનામાં અને આજે પણ એટલું જ જાણીતું છે. મૂળ બંગાળી ફિલ્મનો હિરો બોલીવુડમાં આવીને સૌનો ચહિતો ચોકલેટ ઇમેજ ધરાવતો હિરો બની ગયો હતો. આજે 87 વર્ષે પણ સ્ટેજ શોમાં ગીતો ગાયને દર્શકોને વિશ્ર્વજીત મનોરંજન કરાવી રહ્યા છે. વિશ્ર્વજીત કે બિશ્ર્વજીત તેના નામ બન્ને રીતે બોલાય છે. બંગાળી ઘણા કલાકારો બોલીવુડમાં સફળ થયા તેમાં બિશ્ર્વજીતનું નામ મોખરે છે.

કોહરા, બિસ સાલ બાદ, મેરે સનમ, કિસ્મત, દો કલીયા, એપ્રિલ ફૂલ અને નાઇટ ઇન લંડન જેવી ઘણી સફળ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો: આ કલાકાર જેટલા સફળ રોમેન્ટિક ગીતો બીજા કોઇ કલાકારના જોવા મળતા નથી

બિશ્ર્વજીત ચેર્ટજી બંગાળી અભિનેતાએ 1960માં ‘બીસ સાલ બાદ’ ફિલ્મથી બોલીવુડ યાત્રા શરૂ કરી હતી. પ્રથમ ફિલ્મ ખૂબ જ સફળ રહી અને તેના ગીતો તો આજે પણ લોકો ગાય છે. 1960 અને 1970ના દશકામાં સૌથી સફળ ફિલ્મો બિશ્ર્વજીતની રહી હતી. હેમંત કુમાર અને મોહમ્મદ રફીના હિટ રોમેન્ટિક ગીતોનો તે રૂપકડો ચહેરો હતો. બિશ્ર્વજીતની તમામ ફિલ્મોના ગીતો હિટ રહ્યા હતા જેમાં કોહરા, મેરે સનમ, દો કલીયા, કિસ્મત, નાઇટ ઇન લંડન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તે 1960ના દશકાના મ્યુઝિકલ હિરો હતા.

અસંખ્ય રેડિયો નાટકો અને અભિનયને વ્યવસાય તરીકે લેતા પહેલા થિયેટરમાં જુનિયર કલાકાર તરીકે કામ પણ કર્યું: 1962માં તેમની પ્રથમ હિન્દી ફિલ્મ ‘બીસ સાલ બાદ’ ખૂબ જ સફળ રહી હતી

બિશ્ર્વજીતે ફિલ્મોમાં આવ્યા પહેલા રેડિયો નાટક સાથે થિયેટરમાં જુનિયર આર્ટીસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. તેમણે એક્શન, કોમેડી અને ફેમિલી ડ્રામા જેવી વિવિધ ફિલ્મોમાં સુંદર અભિનય આપ્યો હતો. આજે પણ દર 1લી એપ્રિલે તેની એપ્રિલ ફૂલ ફિલ્મનું “એપ્રિલ ફૂલ બનાયા’ ગીત સૌ બોલે છે. તેમનો જન્મ 14 ડિસેમ્બર 1936ના રોજ બંગાળમાં થયો હતો. તેઓ અભિનેતા સાથે નિર્માતા, નિર્દેશક ગાયક અને રાજકારણી પણ છે. હિન્દી ફિલ્મો સાથે પ્રારંભમાં બંગાળી ફિલ્મમાં પણ અભિનય ઓજસ પાથરેલા હતા.

કોલકત્તામાં ત્રણ-ચાર બંગાળી ફિલ્મો જેમાં દુઇભાઇ, માયા મરિગો જેવીનો સમાવેશ થાય છે. 1959 થી 1961 બે વર્ષ ત્યાંની ફિલ્મોમાં કામ કર્યા બાદ 1962માં મુંબઇ આવીને બિસ સાલ બાદથી એન્ટ્રી બાદ કોહરા, બિન બાદલ બરસાત, મજબૂર, કૈસે કહુ અને પૈસા યા પ્યાર જેવી સુપર હિટ ફિલ્મોમાં સદાબહાર અભિનય કરતા તે સફળતાના શિખરે પહોંચી ગયા હતા. 1962 થી 1972ના દશકામાં તેની મેરે સનમ (1965), આસરા (1964), નાઇટઇન લંડન, યે રાત ફિર ના આયેગી (1966), એપ્રિલ ફૂલ (1964), કિસ્મત, દો કલિયા (1968), ઇશ્ક પર જોર નહી અને શરારત (1972) જેવી સફળ ફિલ્મો આપનાર તે બોલીવુડનો સૌથી પહેલો કલાકાર હશે. તેમની ફિલ્મો રોમેન્ટિક અંદાજવાળી હોવાથી યુવાવર્ગનો ચહિતો હિરો બની ગયા હતા.

બિશ્ર્વજીતની જોડી સામાન્યત: આશા પારેખ, વહિદા રહેમાન, મુમતાઝ, માલાસિન્હા અને રાજશ્રી જેવી જાણિતી અભિનેત્રીઓ સાથે જામી ગઇ હતી. વિશ્ર્વજીત રેખાની પ્રથમ ફિલ્મ અંજાના સફર (1969)માં આવી હતી. જેના કિસના દ્રશ્યોનો એ જમાનામાં જબરો વિવાદ થયો હતો. આ ફિલ્મ બાદ દો શિકારી ફિલ્મમાં તે જોડી ફરી દેખાઇ હતી. અંજાન સફર ફિલ્મ તેના સીનના વિવાદને કારણે 10 વર્ષ બાદ રીલીઝ થઇ હતી.

બોલીવુડની સફળ ફિલ્મો વચ્ચે પણ બંગાળી ફિલ્મોમાં કામ કરવા કલકત્તા આવ્યા હતા. 1968માં ‘ચૌરંધી’માં ખ્યાતનામ અભિનેતા ઉત્તમ કુમાર સાથે કામ કર્યું હતું. પાછલી ફિલ્મી યાત્રામાં 1973, 1977 અને 1983માં તેને શ્રીમાન પૃથ્વીરાજ, જય બાબા તારકનાથ અને અમર ગીતી જેવી ફિલ્મો કરી હતી. આજે પણ સંગીતના લાઇવ કોન્સર્ટમાં તેઓ ગીત ગાય છે, પરફોર્મ કરે છે.

1975માં તેમણે પોતાની ફિલ્મ ‘કહતે હે મુજકો રાજા’નું નિર્માણ કરેલ હતું. બાદમાં ફરી અભિનયના રસ્તે આવીને પુત્રી અને અભિનેત્રી પ્રિમા ચેર્ટજીની ફિલ્મમાં કામ કર્યું હતું. જાણીતું હિન્દી નાટક ‘ઉલ્ટા સીધા’માં અભિનય કર્યો જેનું નિર્દેશન પત્ની ઇરા ચેર્ટજીએ કર્યું હતું. 2014 તુણમુલ કોંગ્રેસમાંથી નવી દિલ્હીમાં ચૂંટણી પણ લડ્યા હતા. 2019માં તેઓ ભાજપમાં જોડાઇ ગયા હતા. તેમનો પુત્ર પ્રસન્નજીત પણ અભિનય ક્ષેત્રે જ કાર્યરત છે. પુત્રી પલ્લવી ચેર્ટજી બંગાળી ફિલ્મોમાં કામ કરે છે. તેમની પત્ની ઇરા ચેર્ટજી સ્ટેજના નાટકોના લેખન સાથે ડ્રિમ થિયેટરની માલિક છે. બીજી પુત્રી પ્રિમા ચેર્ટજી એક ફિલ્મ અભિનેત્રી સાથે સ્ટેજ આર્ટીસ્ટ અને નૃત્યકાર છે.

1958થી બિશ્ર્વજીતે બંગાળી ફિલ્મ યાત્રા શરૂ કરી હતી. તેમને તેના અભિનય માટે મોહમ્મદ રફી એવોર્ડ સાથે 1963માં આવેલી દાદા ઠાકુર ફિલ્મ માટે રાષ્ટ્રપતિના વરદ હસ્તે સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.

 

2019માં ફિલ્મસ્ટાર બિશ્ર્વજીત મ્યુઝિકલ ઈવેન્ટસમાં રાજકોટ આવ્યા ત્યારે ‘અબતક’ના સિનિયર રિપોર્ટર અરૂણ દવે સાથેની તસવીર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.