Abtak Media Google News
દુર્યોધન સમૃધ્ધ રાજા હતો છતાં ઇર્ષ્યા, ક્રોધ, અભિમાનને લીધે મનોરોગી બની ગયો હતો

ભર્તૃહરિએ નીતિશતકમાં મનુષ્યોના પ્રકાર બતાવતાં લખ્યું છે કે સજ્જન બીજાના કલ્યાણ માટે પોતાનો સ્વાર્થ છોડી દે છે. સામાન્ય માનવને પોતાના કલ્યાણ સાથે બીજાનું કલ્યાણ થાય તો વાંધો હોતો નથી પણ એ અધમ માનવ છે જે પોતાનો સ્વાર્થ સાધવા ઘણાં બધાનું અહિત કરે છે અને એથી પણ આગળ કહે છે કે પોતાને કોઈ ફાયદો થવાનો નથી કે નુકશાન થવાનું નથી તો પણ બીજાના હિતને અટકાવે છે (તેનું નામ પણ ન લેવું) તેને જાણતા નથી એમ કહીને સંકેત કરે છે કે સંસારમાં જુદી જુદી બુધ્ધિના માણસો હોય છે. તેમાં કેટલાક માનસિક તાણ ધરાવતા વ્યકિતઓ વિશે અભ્યાસ કરીએ તો તેમાં મુખ્યરૂપે આંતરિક ગુણો જ ભાગ ભજવતાં હોય છે. (74/નીતિ)

માનસિક તાણ એ આધુનિક ભારતનો મહારોગ થવા જઈ રહ્યો છે, પરંતુ તેનાં મૂળ મહાભારતમાં પણ છે, કારણ કે મનુષ્યની સ્વસ્થતા તેના વ્યવહાર પરથી જ સાબિત થતી હોય છે. સમાજમાં અને ખાસ કરીને વિદેશમાં તો મનોરોગીઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે તે વિશ્વનો ચિંતાનો વિષય છે. પરંતુ ખરી રીતે જોઈએ તો આ મનોરોગના મૂળમાં માનવ મનમાં કેટલાંક એવા આવેગો જે તેને સ્થિર થવા દેતા નથી અને વ્યક્તિ મનોરોગી બની જાય છે.

મહાભારતમાં દુર્યોધન એ અતિદુષ્ટ પાત્ર રૂપે પ્રચલિત છે. અને તેનું ચિત્રણ સભાપર્વમાં વ્યાસ ઋષિ દ્વારા વર્ણવવામાં આવ્યું છે તે બતાવે છે કે વ્યકિતના જીવનમાં કોઈ વસ્તુનો અભાવ તેને રોગી બનાવતો નથી પણ તેનો સ્વભાવ તેને રોગી બનાવે છે.

આજના સંદર્ભમાં વાત કરીએ તો લોકો પોતાના સંતાનોને સતત સારા માર્કસ લાવવાનું દબાણ કરી તેને માનસિક ત્રાસ આપતા હોય છે. તેથી બાળક સતત દુન્યવી હરિફાઈમાં સામેલ થઈને પોતાની જાત પ્રત્યે દુર્ભાવના સેવવા લાગે છે અને આગળ જતાં તે દુર્ભાવના મનોરોગ – માનસિક તાણમાં પરિવર્તન પામે છે.

સમાજમાં બધાં સમાન નથી હોતા પરંતુ બીજા થી આગળ નીકળી જવાની તૃષ્ણા વ્યક્તિને માનસિક તાણમાં લઈ જાય છે. એવી જ રીતે બીજાની ઈર્ષ્યા પણ માનસિક તાણનું કારણ બને છે. ઘણીવાર બીજાના સુખને ન જોઈ શકનારા વ્યક્તિઓ મનમાં જ દુ:ખી થાય છે અને પોતાની પાસે રહેલાં સુખને જાળવી શકતા નથી.

મહાભારતના સભાપર્વમાં દુર્યોધન યુધિષ્ઠિર માટે મય દાનવ દ્વારા બનાવવામાં આવેલી સભા જુએ છે. તેની કરામત એવી હતી કે જ્યાં જળ હોય ત્યાં સ્થળનો ભાસ થાય અને સ્થળમાં જળનો ભાસ થાય પ્રવેશદ્વાર ન હોય ત્યાં પ્રવેશદ્વાર લાગે છે અને દુર્યોધનનું મસ્તક દિવાલ સાથે અથડાય છે. આવી દિવ્યસભા જોઈને તેમજ પોતાની હાંસી થવાથી દુ:ખી થયેલો દુર્યોધન મામાં શકુનિ સાથે ઈન્દ્રપ્રસ્થથી હસ્તિનાપુર જઈ રભે હતો ત્યારે તેના શકુનિ સાથેના સંવાદો બતાવે છે કે દુર્યોધન કેટલું માનસિક તાણ અનુભવે છે તેનું વર્ણન સભાપર્વના 43 થી 45માં અધ્યાયમાં છે.

દુર્યોધને શકુનિ સાથે તે સભાને ધીમે ધીમે જોઈ તેવી સભા પહેલો કયારેય જોઈ ન હતી પરંતુ સાંભળી પણ ન હતી તે સભામાં પાણી છે એમ માનીને કપડાં ઉંચા લઈ ચાલ્યો પરંતુ પાણી ન હતું તેથી મનમાં જ ક્ષોભ પામેલો તે અન્ય જગ્યાએ ફરવા લાગ્યો અને પછી સ્ફટિક જેવા પાણીવાળી અને સ્ફટિકના કમળવાળી વાવને જમીન છે એમ માની પહેરેલાં કપડાં સહિત પડયો તેને જોઈને નોકરો હસવા લાગ્યાં પણ યુધિષ્ઠિરે નવા વસ્ત્ર આપવા કહ્યું. પોતાના રાજયમાં આવી સભા નથી એટલે તેની રચના ને સમજવાથી દુર્યોધન આવી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયો ફરી ફરી પોતાની હાંસી થતી હોવાથી દુ:ખી થયેલો દુર્યોધન જયારે હસ્તિનાપુર જતો હોય છે ત્યારે મામા શકુનિ સાથેના સંવાદ તેની માનસિક તાણની પરિસ્થિતિ પ્રગટ કરે છે કે પ્રથાના પુત્રોને ખુશખુશાલ જોઈને દુર્યોધન દુ:ખી થાય છે.

અહી માનસિક તાણનું કારણ પ્રગટ થાય છે કારણ કે જો વ્યકિત બીજાના સુખમાં સુખી થઈ શકતો નથી તે સમય જતાં મનોરોગી બને છે એ વ્યકિતની આંતરિક ઈર્ષ્યા છે જે તેને પ્રસન્નતાથી દુર કરે છે એટલે વ્યકિતએ આંતરશત્રુ કામ-ક્રોધ-લોભ મોહ, મદ-મત્સર એ છ પર પૂર્ણ કાબૂ રાખવાથી માનસિક તાણ ઉત્પન્ન થતું નથી.

એક શ્ર્લોકમાં લખ્યું છે કે, પાંડવોનો મહિમા જોઈને દુર્યોધન નિસ્તેજ બની ગયો અહીં પણ દુર્યોધનની અંદર રહેલી ઈર્ષ્યા છે જે પાંડવોની પ્રતિષ્ઠાં સહન કરવા દેતી નથી એટલે જ તેનું મુખ નિસ્તેજ બની જાય છે. સમાજમાં એવા ઘણાં લોકો છે જે પોતાની પાસે રહેલી સંપતિથી સુખી થવાને બદલે બીજા સાથે પોતાની સરખામણી કરીને દુ:ખી થાય છે તેમ દુર્યોધન પણ સમૃદ્ધ હસ્તિનાપુરનો રાજા હતો તેની સમૃદ્ધિ અપાર હતી છતાં પાંડવોની સભાની ચમત્કૃતિ જોઈને દુ:ખી થઈ ગયો એ બતાવે છે કે જયારે જીવનમાં બીજા સાથે પોતાના સુખની સરખામણી કરવામાં આવે છે ત્યારે માનસિક તાણ ઉત્પન્ન થાય છે.

અન્ય શ્લોકમાં લખ્યું છે કે, શકુનિ વારંવાર પૂછે છે છતાં પણ ધૃતરાષ્ટ્રનો ગાંડા જેવો થઈ ગયેલા પુત્ર દુર્યોધન જવાબ આપતો નથી. (સભા પર્વ-43,17) આ શ્લોકમાં દુર્યોધનની માનસિક સ્થિતિ પ્રમત્ત અવસ્થા પહોંચી ગઈ છે તેથી તો શકુનિ પૂછે છે તેનો જવાબ આપતો નથી. સમાજમાં આવા ઘણો વ્યકિતઓ હોય છે જે સતત ઈર્ષ્યા, હરિફાઈ, ગુસ્સાને કારણે પ્રમત્ત અવસ્થામાં પહોંચી જાય છે

શકુનિ દુર્યોધનને પૂછે છે કે તું કયાં કારણથી નિસાસ નાખે છે તેના પ્રત્યુત્તરમાં દુર્યોધન કહે છે કે, તે પ્રકારનો યજ્ઞ દેવલોકમાં ઈન્દ્રના યજ્ઞ જેવો હતો તેથી ક્રોધથી ઉભરાઈ ગયેલો હું રાત-દિવસ બન્યા કરું છું અને ઉનાળામાં સૂકાતા ખાબોચિયા જેવો સુકાઈ જાવ છું.

અહિં યુધિષ્ઠિરના ઈન્દ્ર જેવા યજ્ઞને જોઈને દુર્યોધનને ગુસ્સો આવે છે તે બતાવે છે કે બીજાના સુખ સુધી પહોંચી ન શકતા વ્યકિતઓ મનમાં ગુસ્સે થાય છે અને તે ગુસ્સાને કારણે રાત-દિવસ બન્યા કરતો તે દુર્યોધન પોતે જ પોતાના માટે ખાબોચિયું (ગંદા પાણીવાળો નાનો પ્રદેશ) એવો શબ્દ પ્રયોગ કરે છે એ બતાવે છે કે જયારે મનમાં ગંદકી જેવી કે ઈર્ષ્યા, ગુસ્સે, અભિમાન અને કામના માણસના મનમાં સ્થાપિત થાય છે ત્યારે માણસનું મન ગંદા ખાબોચિયા જેવું બની જાય છે.

અહીં માનસિક બિમાર ન થઈએ એ માટે સૌપ્રથમ આંતરિક દુગુર્ણો ઈર્ષ્યા, ક્રોધ, અહંકાર, કામના, લોભ, મોહ વગેરેને પૂર્ણ નિયંત્રિત રાખવા જરૂરી છે,

અન્ય શ્લોકમાં કહે છે કે, યુધિષ્ઠિર પાસે એ પ્રકારની અમાપ સમૃધ્ધિ જોઈને હું તેવી સંપતિને લાયક નથી એથી હું ગુસ્સેથી બળ્યા કરું છું.

અહીં દુર્યોધન પોતે સમૃધ્ધ રાજ્ય હસ્તિનાપુરનો રાજા હતો છતાં પાંડવો પાસે આવેલી સમૃદ્વિ તેના મનમાં ઇર્ષ્યા, ગુસ્સો આવે છે અને ગુસ્સાથી બળ્યા કરે છે.

અહીં અસંતોષએ માનસિક તાણનું કારણ છે, ઘણીવાર વ્યક્તિ પોતાના સુખની ઓછી કિંમત કરે છે અને બીજાના પાસે પોતાનાથી વધુ છે એ જોઇને દુ:ખી થાય છે તે પણ માનસિક તાણનું કારણ છે.

અને અન્ય શ્ર્લોકમાં તો દુર્યોધને કહી દીધું હું આગમાં કુદી પડીશ ઝેર, ખાઇ લઇશ, પાણીમાં ડૂબીને મરી જઇશ પણ જીવી શકીશ નહી.

અહીં માનસિક તાણનું અંતિમ ચરણ આત્મહત્યાના વિચારો સ્પષ્ટ જોઇ શકાય છે. કારણ કે દુર્યોધન પાંડવોની સમૃધ્ધિથી એટલ દુ:ખી થાય છે કે પોતે આત્મહત્યા કરવા આગમાં, પાણીમાં કુદીને કે પછી ઝેર ખાઇને જીવનપૂર્ણ કરવા વિચારે છે.

માનસિક તાણ માટે કારણો અને પરિસ્થિતિ અલગ-અલગ હોઇ શકે પરંતુ તેનો ઉકેલ એક જ છે કે આપણી પાસે રહેલા સુખને ભોગવતા સારા કાર્ય કરવા જેથી સુખ અને સંતોષ બંને પ્રાપ્ત થાય કારણ કે સંસ્કૃત સાહિત્ય તો પ્રથમથી જ કહે છે કે સજ્જનો સંતોષરૂપી ધનવાળા હોય છે અને સંતોષ નામનું તત્વ જો જીવનમાં આવી જાય તો પછી ઝુંપડીમાં પણ આનંદ છે અને જો સંતોષ ન હોય તો પછી હસ્તિનાપુરના સમૃદ્વ રાજાને પણ આત્મહત્યાના વિચાર આવે છે એ બતાવે છે કે જીવનમાં સંતોષ અને શ્રમનું પ્રાધાન્ય સ્વીકારો તો માનસિક તાણ નામના તત્વની ખબર જ ન પડે. આ બાબત તમામ ધર્મોમાં સમજાવવાવમાં આવી છે.

હિન્દુ ધર્મ કહે છે કે સર્વે સુખી ન: સન્તુ! સર્વે સન્તુ નિરામયા,

જૈન ધર્મ કહે છે કે, મન, વચન, કર્મથી હિંસા ન કરવી.

બૌદ્વધર્મ કહે છે કે ચાર આર્ય સત્યો જ માનવનું કલ્યાણ કરે છે.

યહુદી માર્ગ કહે છે ઇશ્ર્વર સત્કર્મથી, પ્રેમથી, કરૂણાથી અને સૌ સાથે સ્નેહસભર વ્યવહારથી પ્રસન્ન થાય છે.

શીખ ધર્મ કહે છે કે પ્રભુને નામે ધન ખર્ચ કર, ગરીબોને ભોજન આપ, વહેંચીને ખા,

પારસી ધર્મ કહે છે, સદવિચાર, સદ્વચન, સત્કર્મથી મનુષ્યનું કલ્યાણ થશે. ક્ધફયૂશિયસનો બોધ છે કે નૈતિક ગુણસંપત્તિ પાંચ ખાસ ગુણોને ગમે તે સ્થળે મને ગમે તે પ્રસંગે પ્રયોજવામાં સામર્થ્ય રહેલ છે એ પાંચ ગુણો આત્મગૌરવ, ઉદારતા, સાચદીલી. એક નિષ્ઠા અને કલ્યાણ વાંછના છે,

તાઓ ધર્મ કહે છે, જે સંતુષ્ટ રહે છે તેનો નાશ થતો નથી અને જે શાંત રહે છે તેના પર સંકટ આવતું નથી. ઇસ્લામ કહે છે, ધન, દોલત અને સંતતિ આ દુનિયાનો શણગાર છે પરંતુ સતકર્મો સ્થાયી છે.

ખ્રિસ્તી ધર્મ કહે છે કે, જો તમે બીજાઓના અપરાધ ક્ષમા કરશો તો પરમપિતા તમારા અપરાધ પણ ક્ષમા કરશે.મનુષ્યના જીવનમાં માનસિક તણાવ દૂર કરવા માટે તેમજ તેના વિકાસ માટે હિતોપદેશકાર માર્ગ બતાવતા લખે છે કે, જીવનમાં વિકાસ ઈચ્છતા વ્યકિતએ નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આળસ અને દીર્ઘસૂત્રતા (આજનું કાર્ય કાલે કરવાની વૃતિ) ત્યાગવા જોઈએ. મનોતાણ – સંતાપ કયારેય સુખ આપનાર નથી એથી જ વિદુરનિતિ કહે છે  સંતાપ માનસિક તાણમાં રહેલા વ્યક્તિના રૂ5 બળ, જ્ઞાન નાશ પામે છે અને રોગ થાય છે, એથી વ્યકિતએ માનસિક તણાવથી બચવા માટે સદ્ગુણોનું સેવન કરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.