રાજકોટ યુનિવર્સિટી રોડ પર પૈસાની લેતી દેતી મામલે જિલ્લા પંચાયતના પ્યુનને માર માર્યો

મિત્રને હાથ ઉછીના આપેલા પૈસા પરત માંગતા આધેડને લમધાર્યા

શહેરના યુનિવર્સિટી રોડ પર બી.ટી.સવાણી રોડ પર પૈસાની લેતીદેતી મામલે જિલ્લા પંચાયતના પ્યુનને માર માર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં તેના મિત્રને આપેલા હાથ ઉછીના રૂ.2500 પરત માંગતા માર માર્યો હોવાનુ જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુંજકામાં ભાનુનગર વિસ્તારમાં રહેતા અને જિલ્લા પંચાયતમાં પ્યુન તરીકે ફરજ બજાવતા રફિકભાઈ કનુભાઈ પિરાણી નામના 46 વર્ષીય આધેડ પર તેના જ મિત્ર મનીષ નિરંજન પંડ્યા નામના શખ્સે હુમલો કરતા આધેડને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હોસ્પિટલના બિછાને રહેલા રફિકભાઇ પિરાણીએ જણાવ્યું હતું કે પોતે જિલ્લા પંચાયતમાં પ્યુન તરીકે નોકરી કરે છે. આજથી 15 દિવસ પહેલા રફિકભાઈએ પોતાના મિત્ર મનીષને રૂ.2500 હાથ ઉછીના આપ્યા હતા. જે પરત માંગતા મનીષે માર માર્યો હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.