Abtak Media Google News

માત્ર સરકારી ચોપડે ચાલતા અખબારો ઉપર ફરશે કાતર!!

છેલ્લા 5 વર્ષના વાર્ષિક અહેવાલની વિગતો સિટી-1 પ્રાંત સમક્ષ 6 એપ્રિલ સુધીમાં જમા નહિ કરાવે તેવા અખબારોના ડિકલેરેશનને રદ કરી કલેકટર તથા આરએનઆઈને રિપોર્ટ કરાશે

નિયમો વિરુદ્ધ ચાલતા અખબારો ઉપર હવે સરકારની કાતર ફરવાની છે. શહેરના અધધધ 321 અખબારો કે જે વાર્ષિક અહેવાલ રજૂ ન કરતા હોય તેઓને તંત્ર દ્વારા નોટિસ આપીને આગામી 6 એપ્રિલ સુધીમાં વાર્ષિક અહેવાલ રજૂ કરી દેવાની તાકીદ કરવામાં આવી છે.

સરકાર હાલ અખબાર દ્વારા થતા નિયમોના ઉલ્લંઘનને મુદ્દે હરકતમાં આવી છે. કેન્દ્ર સરકારની સૂચના અન્વયે દરેક જિલ્લામાં અખબારો દ્વારા નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં અધધધ 321 અખબારો એવા છે કે જેમને વાર્ષિક અહેવાલ રજૂ કર્યો ન હોય, આવા અખબારોને નોટિસ આપીને નિયત સમયમાં વાર્ષિક અહેવાલ રજૂ કરવાની તાકીદ કરવામાં આવી છે. જો અહેવાલ નિયત સમયમાં રજૂ નહી થાય તો તે અખબારનું ડેક્લેરેશન રદ કરવામાં આવનાર છે. સાથે કલેકટર અને આરએનઆઈને રિપોર્ટ પણ કરવામાં આવનાર છે.

આજે સિટી-1 પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે સૂચના અને પ્રસારણ મંત્રાલય, નવી દિલ્હીના તા.21/02/2022ના પત્રથી છેલ્લા 5 વર્ષોમાં વાર્ષિક વિવરણની વિગતો રજૂ ન કરનાર પ્રકાશનોને રદ કરવા બાબતે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકોટના તા.2/5/2022ના પત્રથી નિયમોનુસાર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે. જેની વિગતે, દરેક પ્રકાશકે નવી દિલ્હી ખાતેના પ્રેસ રજિસ્ટ્રાર સમક્ષ તેના દ્વારા પ્રકાશિત કરવામાં આવતા દરેક વર્તમાન પત્રનું વાર્ષિક વિવરણ પી.આર.બી. એક્ટ 1867ની કલમ 19(ડી) મુજબ નિયત નમૂનામાં દર વર્ષે રજૂ કરવાનું રહે છે. રાજકોટ શહેરના વાર્ષિક વિવરણની વિગતો રજૂ ન કરનાર પ્રકાશકોની યાદી મળી છે. જે યાદી નોટિસ બોર્ડમાં જાહેર કરી દેવામાં આવી છે.

આ યાદી પ્રમાણેના પ્રકાશનોએ વર્ષ 2021-22 સુધીના છેલ્લા 5 વર્ષના સમયગાળા દરમિયાનના વાર્ષિક વિવરણની વિગતો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1ને તા.28 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન રજૂ કરવાની રહેશે. જે પ્રકાશનો વર્ષ 2021-22સુધીના છેલ્લા  5વર્ષના સમયગાળા દરમિયાનના વાર્ષિક વિવરણ રજૂ નહી કરે તેના ડેક્લેરેશનને પબ્લિકેશન પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ 1867ની કલમ 8બી હેઠળ રદ કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગેનો રિપોર્ટ જિલ્લા કલેકટર તથા આરએનઆઈ-દિલ્હીને કરવામા આવશે.

321 પૈકી મોટાભાગના અખબારો માત્ર નામના જ!

મળતી વિગત પ્રમાણે જે 321 અખબારો પાસેથી છેલ્લા 5 વર્ષના વાર્ષિક અહેવાલ માંગવામાં આવ્યા છે. તેમાંથી અમુક જ અખબારો રેગ્યુલર ચાલે છે. બાકીના મોટા ભાગના અખબારો માત્ર નામના જ છે. આ અખબારો માત્ર સરકારી ચોપડે જ બોલે છે. હકીકતમાં તે છપાતા પણ ન હોવાના અહેવાલો મળી રહ્યા છે. વધુમાં આમાંના અનેક અખબારો તો અલગ અલગ સમાજના સામાયિકો જેવા છે.

રાજ્યભરમાં નિયમો વિરુદ્ધ ચાલતા હજારો અખબારોની સાફસૂફીના એંધાણ

હાલના સમયમાં મીડિયાનો ક્રેઝ ચરમસીમાએ છે. અનેક લોકો લાભ ખાતર મીડિયાનો ડહોળ ઉભો કરવાનો શોર્ટ કટ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં સરકાર પણ નિયમો વિરુદ્ધ ચાલતા મીડિયાની સાફસૂફીમાં લાગી છે. સરકારના આ અભિયાનમાં ગુજરાતભરમાંથી નિયમોનું પાલન ન કરતા હજ્જારો અખબારોની સાફસૂફી થશે તેવી શક્યતા સેવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.