Abtak Media Google News

૮ ગોડાઉન ઉપર નાફેડના પ્રતિનિધિઓની નિમણૂંક, સર્વેનો રિપોર્ટ નાફેડ સુધી પહોંચ્યા બાદ ૪૧૦૩ ખેડૂતોને મગફળીના પૈસા ચૂકવાશે

રાજકોટ જિલ્લામાં આજ સવાર સુધીમાં રૂ.૪૧.૫ કરોડની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. નાફેડ દ્વારા હવે પેમેન્ટ રીલીઝ કરવાની પ્રક્રિયા કાલ સુધીમાં શરૂ કરવામાં આવનાર છે. જિલ્લાના ૮ ગોડાઉનમાં જયાં મગફળી રાખવામાં આવી છે ત્યાં નાફેડે પ્રતિનિધિઓની નિમણૂંક કરી નાખી છે. હવે આ પ્રતિનિધિઓ સર્વે કરીને તેનો રિપોર્ટ નાફેડ સુધી પહોંચાડશે બાદમાં નાફેડ ૪૧૦૩ ખેડૂતોને મગફળીના પૈસાનું ચૂકવણું કરશે.

રાજકોટ જિલ્લા સહિત રાજયભરના ૧૨૨ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. ગત તા.૧ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ હતી જે આગામી ૩૦ નવેમ્બર સુધી ચાલુ રહેવાની છે. આ દરમિયાન તા.૧૫ નવેમ્બરથી રાજયભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. હાલ દરરોજ ૬૦ થી ૭૦ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી રહી છે.

ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયામાં શરૂઆતથી અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે. રાજયભરમાં સૌથી વધુ ટેકાના ભાવે મગફળીની ખરીદી રાજકોટ જિલ્લામાંથી થઈ છે. રાજકોટ જિલ્લામાં આજે સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૪૧૦૩ ખેડૂતો પાસેથી ૮૩૬૬૮ કવીન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. મગફળી વેંચવા માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હવે પૂર્ણતાના આરે હોવાથી નાફેડ દ્વારા પેમેન્ટ રીલીઝ કરવાની તૈયારી બતાવવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનો ૮ ગોડાઉનોમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. આ તમામ ૮ ગોડાઉન ખાતે નાફેડે પોતાના પ્રતિનિધિઓની નિમણૂંક કરી છે. નાફેડના આ પ્રતિનિધિઓએ મગફળીનો સર્વે હાથ ધર્યો છે. જેમાં મગફળીનું ચેકિંગ હાથ ધરીને સર્ટીફીકેટ આપવામાં આવશે.

બાદમાં આ પ્રતિનિધિઓ સર્વેનો રિપોર્ટ નાફેડને મોકલશે. ત્યારબાદ નાફેડ પેમેન્ટ રીલીઝ કરવાનું શરૂ કરશે. જિલ્લામાં અત્યાર સુધીમાં રૂ.૪૧.૫ કરોડની ૮૩૬૬૮ કવીન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આજ સાંજથી કે આવતીકાલથી નાફેડ દ્વારા રૂ.૪૧.૫ કરોડનું પેમેન્ટ રીલીઝ કરવાનું શરૂ કરવામાં આવનાર છે.

યાર્ડમાં વેતન પ્રશ્ર્ને મજૂરોની વિજળીક હડતાલ

જૂના માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન ગઈકાલે વેતન પ્રશ્ર્ને મજૂરોએ ક્ષણીક હડતાલ પાડી દીધી હતી. જેના લીધે મગફળી ખરીદીની પ્રક્રિયા થોડીવાર માટે અટકી પડી હતી પરંતુ અધિકારીની મધ્યસ્થીથી મામલો થાળે પડતા ટેકાના ભાવે મગફળીની ખરીદી રાબેતા મુજબ પુન: શરૂ થઈ હતી.

મળતી માહિતી મુજબ આઉટ સોર્સીગથી મજૂરો બોલાવવામાં આવ્યા છે. કોન્ટ્રાકટરે મજૂરોના બીલ જ સબમીટ ન કર્યા હોવાની મજૂરોને વેતન મળ્યુ ન હતું. જેથી તેઓએ કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો. બનાવની જાણ થતાં અધિકારીઓ તાત્કાલીક યાર્ડે દોડી ગયા હતા અને તેઓએ મધ્યસ્થી કરાવી મામલો થાળે પડાવ્યો હતો. બાદમાં મગફળી ખરીદીની પ્રક્રિયા ફરી શરૂ થઈ જવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.