Abtak Media Google News

ઘીના ધંધા સાથે સંકળાયેલા મોટાભાગના લોકો ધાર્મિકવૃતિવાળા, ઘીમાં ભેળસેળ કરવી તેમના માટે મોટુ પાપ છે

અમુક લેભાગુ તત્વોએ ઘીમાં ભેળસેળ શરૂ કરીને ખંભાળીયાના પ્રખ્યાત ઘીને લાંછન લગાડયું

શુદ્ધ ઘીના નામે મિલાવટવાળા ઘીના અનેક પ્રકરણો ખુલ્લી રહ્યા છે ત્યારે પુરતા નાણા ખર્ચ કરતા ગ્રાહકો માટે સાચું ઘી કયું અને મિલાવટવાળુ ઘી કયું આ પ્રકારની દ્વિઘાભરી સ્થિતિમા મુકાય છે.

ગાય તથા ભેંસનું ઘી લગભગ તમામ વિસ્તારોમાં બનાવવામાં આવે છે પણ ઘી એક એવી વસ્તુ છે કે જેમાં ભળતી વસ્તુની મિલાવટ કરવામાં આવે તો પણ ગ્રાહકોને ખ્યાલ આવે નહીં. વર્તમાન સમયે મોટાભાગે ગ્રાહક આ વિષયમાં છેતરાય છે ત્યારે સાચુ અને શુઘ્ધ ઘી કયાં મળે છે એ માટેની વિગત પણ અહિં દર્શાવવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રના દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં ભેંસ તથા ગાયોના શુદ્ધ ઘીનો મોટો વેપાર ધમધમે છે જેની સમગ્ર વ્યવસ્થા પ્રથમ દષ્ટિએ નિહાળતા આ ઘીમાં કોઈ મિલાવટ થાય નહીં એમ માની શકાય.

ખંભાળીયા તથા સંલગ્ન બારાડી વિસ્તારના કલ્યાણપુર ભાણવડ લાલપુર તાલુકાનાં ગામડાઓમાં ઘીનું ઉત્પાદન થાય છે ત્યાંના માલધારી ઘીનાં વાસણો, ઘીનો વેપાર કરનાર વેપારીને ત્યાં મુકે છે ત્યાં જાહેરમાં ઘીની હરાજી કરવામાં આવે છે જેમાં ત્રણ કવોલિટી પ્રમાણે બોલી બોલવામાં આવે છે. પ્રથમ હરાજી, બીજી હરાજી તથા ત્રીજી હરાજી પ્રમાણે બોલી બોલાય છે અને આ મુજબ જાહેરમાં ઘીનું વેચાણ થાય છે જેની વેપારીઓ દ્વારા ખરીદી થાય છે. આ બારાડી પંથકનું ઘી શા માટે સાચું અને સારું હોય છે તે સવાલ સામે અહીંના માલધારીઓ ભેંસને ખોરાકમાં કપાસિયા અને ખોળ પુરતા પ્રમાણમાં આપે છે. કપાસીયાના ખોરાકના કારણે ઉતમ કવોલીટીનું ઘી બને છે. ઉપરાંત આ વિસ્તારમાં ચોકકસ પ્રકારનું ઘાસ થાય છે જે ભેંસોને ચરાવવામાં આવતા દુધના ફેટમાં વધારો થવાથી ઉતમ કવોલિટીનું ઘી થાય છે.

આ વિસ્તારના લોકો મોટાભાગે ધાર્મિક હોવાના કારણે ઘીમાં ભેળસેળ કરવાની અનૈતિકતાને પાપ માને છે એટલે સરેરાશ ૭૦ ટકાના પ્રમાણમાં ઘીમાં મિલાવટ કરવામાં આવતી નથી પરંતુ છેલ્લા વર્ષો દરમ્યાન કેટલાક તત્વો દ્વારા એકા એક નાણા કમાવવા ખંભાળીયાનાં પ્રખ્યાત ઘીના નામે ભેળસેળવાળુ ઘી બનાવવામાં આવે છે તો બીજી તરફ બિલાડીના ટોપ માફક ફુટી રહેલી અનેક બોગસ કંપનીઓ દ્વારા ધાર્મિક નામોનાં લેવલ બનાવી નાના-મોટા પેકિંગમાં ભેળસેળવાળુ ઘી વેચાણ કરવામાં આવે છે. ઘી એક એવી વસ્તુ છે કે જેમાં ચોખ્ખુ ઘીની પરખ કરવી મુશ્કેલ છે જેથી ભેળસેળીયા તત્વો દ્વારા ભેસના ઘીમાં બટેકાનો બાફેલો માવો, પામોલીન તેલ તથા વેજીટેબલ ઘી ભેળવવામાં આવે છે.

ઘી સાચું છે કે ખોટું એ જાણવું હોય તો લેબોરેટરી ટેસ્ટીંગથી વધુ કોઈ પરખ નથી ત્યારે ખંભાળીયામાં લાંબા અનુભવના આધારે વેપારીઓ સાચા-ખોટાની પરખ કરી શકે છે. અહીં મોટાભાગે સાચુ ઘી વેચાય છે પરંતુ મુઠ્ઠીભર ભેળસેળીયા શુદ્ધ ઘીના નામે ભેળસેળીયુ ઘી વેચાણ કરે છે અને ડ્ર‘ વિભાગ જો ગ્રાહકોને નાણાના બદલામાં શુદ્ધતા આપવા માંગતું હોય તો જે-જે સ્થળે ઘી વેચાણ થતું હોય ત્યાં લેબોરેટરી મારફતે ઘી વેચાણ થાય તે વ્યવસ્થા જરૂરી છે.

આ પંથકમાં ઈમાનદારીપૂર્વક ઘી વેચાણ કરનારાની સંખ્યા વધુ છે. જયારે બેઈમાનોની સંખ્યા ઓછી છે પરંતુ આવી બેઈનમાંથી ખંભાળીયાની છાપ ખરડાઈ છે તથા એક વર્ષ પૂર્વે ઘી ઉપર માત્ર પાંચ ટકા ટેકસ લેવામાં આવતો હતો. જયારે હાલ પંદર ટકા જીએસટી વસુલવામાં આવતા આ બંને કારણથી આ વ્યવસાયમાં મંદી છવાય છે. જવાબદારના અધિકારીઓની ઉઘરાણા કરવાની પરંપરા નિયમિત રહેતા ઈમાનદાર ધંધાર્થીઓને સહન કરવાનો વારો આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.