Abtak Media Google News

મરીન પોલીસને દરિયાઈ સુરક્ષા માટે ફાળવેલી સ્પીડ બોટના કરાર આધારિત સ્ટાફને છુટો કરી દેવાતા સમસ્યા

અરબી સમુદ્રના દરિયાકિનારે આવેલ ઝેડ પ્લસ સુરક્ષા ઘરાવતા જગવિખ્યાત સોમનાથ મંદિરની દરિયાઇ સુરક્ષા માટે સજ્જ મરીન પોલીસની મૂંઝવણ વધી છે. મંદિરના દરિયામાં પેટ્રોલીંગ કરતી મરીન પોલીસની સ્પીડ બોટના કરાર આઘારિત કર્મચારીઓને છુટા કરી દેવાનો આદેશ રાજયના ગૃહ વિભાગ હસ્તકની દરિયાઇ સુરક્ષા કચેરીએ કરી હોવાથી છેલ્લા બે દિવસથી સોમનાથ મંદિરની સમીપના દરિયામાં થતું પેટ્રોલીંગ બંઘ થઇ ગયુ છે.જેના લીઘે સોમનાથ મંદિરની ઝેડ પ્લસ સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.

સોમનાથ મંદિર દરિયાકિનારે આવેલુ હોવાથી રાજય સરકાર દ્વારા મંદિર નજીક જ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન કાર્યરત કરાયું છે. મંદિરના દરિયામાં રાઉન્ડ ઘ કલોક પેટ્રોલીંગ કરવા માટે મરીન પોલીસને એક સ્પીડ બોટ ફાળવવામાં આવી છે. જેના સંચાલન માટે રાજયના ગૃહ વિભાગ હસ્તકની દરિયાઇ સુરક્ષા કચેરી દ્વારા સ્પીડ બોટ ચલાવવા માટે કરાર આઘારિત સ્ટાફની ભરતી કરી હતી. જે સ્ટાફનો કરાર ચાર દિવસ પૂર્વે પુરો થઇ જતા છુટા કરી દેવામાં આવ્યા છે. જેના લીધે છેલ્લા ચાર દિવસથી સોમનાથ મંદિરના દરિયામાં મરીન પોલીસનું દરીયાઇ પેટ્રોલીંગ બંઘ થઇ ગયું હોવાથી સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે.

દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાતા એવા દરિયાની સુરક્ષા સંભાળતા વિભાગમાં કાયમી કર્મચારીઓની નિમણૂં કરવાના બદલે કરાર આધારિત ભરતી કરવાની નીતિ વ્યાજબી ન હોવાનું જાણકારો જણાવી રહ્યાં છે. જ્યારે આ મામલે સોમનાથ મરીન પોલીસના ઈન્ચાર્જ અધિકારી એન.એમ.આહિરને પુછતા જણાવેલ કે, ઉપરીકક્ષાએથી કરાર આધારિત કર્મચારીઓને કરાર પૂર્ણ થતાં છુટા કરી દેવાની સુચના હોવાથી ચાર દિવસ પૂર્વે છુટા કરી દેવાયા છે. જેના લીધે ચાર દિવસથી દરિયાઈ પેટ્રોલીંગ બંધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.