Abtak Media Google News

બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડિયા દ્વારા કૃષિ તત્કાલ યોજના જાહેર કરાય: 15 વર્ષથી મંડળીના પ્રમુખ તરીકે સેવા આપનારાઓને કરાયા સન્માનિત

રાજકોટ જીલ્લા સહકારી બેંકની 64મી વાર્ષિક સાધારણ સભાના ચેરમેન જયેશભાઇ રાદડિયાના અધ્યક્ષસ્થાને જામકંડોરણા ખાતે મળી હતી.

આ વાર્ષિક સાધારણ સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુલ જોડાયેલ હતા. બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સને વિવિધ ખેડતલક્ષી કામગીરી, પ્રમુખોનું સેવા સન્માન અને અકસ્માત વિમા યોજના અન્વયે 15 લાભાર્થીઓના વારસદારોને 10 – 10 લાખના ચેક અર્પણના કાર્યક્રમને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા.

આ સભામાં બેંકના યુવા ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ બેંકનો સને 2022-2023ના વર્ષનો ચોખ્ખો નફો રૂા.81 કરોડ થયાની અને સભાસદોને 15 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી.

આ વાર્ષિક સાધારણ સભામાં 15 વર્ષથી વધુ સતત પ્રમુખ તરીકે સેવા આપનાર પ્રમુખોનું સાફો, ફુલહાર, શાલ, શિલ્ડ અને પુરસ્કાર રૂપે રૂા.21,000/-ના ચેકથી સન્માનિત કરવામાં આવ્યાં તેમજ બેંકની અકસ્માત વિમા યોજના અન્વયે અકસ્માતે અવસાન થયેલ 15 સભાસદોના વારસદારોને રૂા.10 – 10 લાખના ચેક અર્પણ કરેલ, જેની રકમ રૂા.1.50 કરોડ થાય છે.

છેલ્લા બે દાયકામાં રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકને દેશભરમાં મોખરાનું સ્થાન અપાવનાર સહકારી ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના અનુગામી તરીકે બેંકની જવાબદારી સંભાળનાર જયેશભાઈ રાદડિયાએ બેંકની જામકંડોરણા ખાતે સભાસદોની વિશાળ હાજરીમાં 64મી વાર્ષિક સાધારણ સભામાં સંબોધન કરતા જણાવેલ કે, ખેડૂતોને સારા-માઠા દરેક પ્રસંગમાં મદદ માટે રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક કાયમી ધોરણે અડીખમ ઉભી રહી છે અને તેથી જ ખેડૂતોએ આ બેંકને “અદના આદમીની અડીખમ બેંક” નામ આપ્યુ છે.બેંકની વિશિષ્ટ સિધ્ધિઓ હાંસલ કરી છે.

જેમાં બેંક તરફથી ખેડૂતોને 2022-2023 ના વર્ષમાં રૂા.3,234 કરોડનું ઝીરો ટકા વ્યાજ દરે કે.સી.સી. ધિરાણ તથા કિસાન ક્રેડીટ કાર્ડ. ખેડૂતોનો રૂા. 10.00 લાખનો અકસ્માત વિમો, ખેડૂત સભાસદોને ગંભીર માંદગીના કિસ્સામાં રૂા.15 હજારની સહાય, બેંકની મુખ્ય કચેરીમાં 24 કલાક 365 દિવસ લોકર ઓપરેટીંગ સેવા, બેંકની મુખ્ય કચેરીમાં સાંજના 3 થી રાત્રીના 10 વાગ્યા સુધી એકસ્ટેન્શન કાઉન્ટર ખોલી દાગીના ધિરાણની સુવિધા આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત બેસ્ટ પરર્ફોમન્સ એવોર્ડ મળેલ છે.

નાફેસ્કોબ તરફથી ચાર વખત એન્યુઅલ પરફોમન્સ એવોર્ડ તથા છેલ્લા દશ વર્ષની શ્રેષ્ઠ કામગીરી બદલ ડેકેડ એવોર્ડ ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે મળ્યો છે.

નાબાર્ડ જેવી દેશની ટોચની સંસ્થા પણ અન્ય રાજ્યોની જીલ્લા બેંકોને રાજકોટ જીલ્લા બેંકના વહીવટી મોડેલનો અભ્યાસ કરવા મોકલે છે. વર્ષોથી બેંકનું નેટ એન.પી.એ. “0” અને વસુલાત 99 % થી ઉપર છે.

બેંકની ઉપરોક્ત વિશિષ્ટ કામગીરીની બાબતે દેશભરની સહકારી બેંકોને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકે નવો રાહ ચિંધ્યો છે. જ્યારે ખેડૂતોએ પણ અનેક પડકારો અને વિપરીત પરિસ્થિતિમાં રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક ઉપર અડીખમ વિશ્ર્વાસ મુક્યો છે અને તેના કારણે જ રાજકોટ જીલ્લાના સહકારી માળખાને દેશભરમાં સૌથી મજબુત અને નમુનેદાર બનાવવામાં આપણે સફળ રહ્યા છીએ.

રાજકોટ જીલ્લા સહકારી બેંકે સહકારી ક્ષેત્રમાં નવા જ આયામો હાંસલ કર્યા છે. આ બેંકે ખેડૂતોને કે.સી.સી. ધિરાણમાં કરોડો રૂપિયાની વ્યાજ માફી આપવા ઉપરાંત મંડળીઓને કે.સી.સી. ધિરાણમાં 1.25 % માર્જીન આપવા છતા રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકે રૂા.197 કરોડનો ગ્રોસ નફો અને રૂા.81 કરોડનો ચોખ્ખો નફો કરેલ છે.બેંક અને ખેડૂતો વચ્ચેનો મજબુત સંબંધોનો પુરાવો છે. તેમ જયેશભાઈ રાદડિયાએ જણાવ્યુ હતું.

ગ્રામ્ય વિસ્તારના તમામ સ્તરના લોકો, ખેડૂતો અને શ્રમિકોનો આ બેંક ઉપર અદભૂત વિશ્ર્વાસ સંપાદિત કરી બેંકને વટવૃક્ષ બનાવવામાં અને દેશની ટોચની સહકારી સંસ્થાઓમાં બેંકનું સ્થાન પ્રથમ નંબરે અંકિત કરવામાં સિંહફાળો આપી ખેડૂતો માટે રાત-દિવસ અથાગ પરિશ્રમ કરનાર વિઠલભાઈ રાદડિયાની રાહબરીમાં આ બેંકે જે વિકાસ અને વિશ્ર્વાસ સંપાદિત કરેલ છે. તે ભવિષ્યમાં પણ જળવાઈ રહે તે આપણી સૌની સહિયારી જવાબદારી છે.

ખેડૂતોને આર્થિક વ્યવહારોમાં મુશ્કેલી પડે નહિ તે માટે બેંકની 199 શાખાઓ મારફત ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે તમામ સવલતો આપવા પણ બેંક કટીબધ્ધ છે.

બેંકના ચેરમેને લોન્ચ કરી સ્કીમો

  • સભાસદોની શેર મૂડી ઉપર 15% ડિવિડન્ડ ચુકવવાની જાહેરાત
  • મધ્યમ મુદત ખેતી વિષયક : “કૃષિ તત્કાલ લોન યોજના”
  • ખરીફ કે.સી.સી. શાખામાં 10% જેવો વધારો કરતા આ વર્ષે રૂા.3,500 કરોડ ધિરાણ
  • મંડળી માટે 1.25% વ્યાજ માર્જીનની જાહેરાત: જેની કુલ રકમ રૂા.44 કરોડ થાય છે
  • ભાગરૂપે તમામ શાખાઓ એરક્ધડીશન કરવામાં આવશે
  • કે.સી.સી. લોન વર્ષ 2022-23 માં રાજ્ય સરકાર તરફથી 4% લેખે રૂા.123 કરોડ તેમજ કેન્દ્ર સરકાર તરફથી 3% લેખે રૂા.97 કરોડ મળી કુલ રૂા.216 કરોડની વ્યાજ સહાયની રકમ બેંક દ્વારા ટુંક સમયમાં રીલીઝ કરવામાં આવશે.

Bhupendra Patel Cm સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓએ નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા છે: મુખ્યમંત્રી

જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં મુખ્યમંત્રીનું વર્ચ્યુઅલ સંબોધન

રાજકોટ જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા આજે જામકંડોરણા ખાતે યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત હજજારો સભાસદોને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરીને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં આયોજિત  જી-20માં પધારેલા વિકસિત દેશોના વડાઓને આપણે સહકાર દ્વારા દેશના વિકાસની ભાવનાથી પ્રભાવિત કર્યા છે. એક સમયે આઝાદીના આંદોલનમાં ગુજરાત અસહકારની ચળવળમાં અગ્રેસર હતું. આજે વડાપ્રધાન મોદી અને દેશના પ્રથમ સહકારી મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગુજરાત સહકારી ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર બન્યું છે. ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને રૂ. 14,780 કરોડનું પાક ધીરાણ અને રૂ. 680 કરોડનું મધ્યમ અને લાંબી મુદતનું ધીરાણ મળ્યું છે.

ગુજરાતના સમૃદ્ધ સહકારી માળખાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, દૂધ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે અને રોજ 203 લાખ લિટર દૂધનું ઉત્પાદન થાય છે અને 36 લાખ પશુપાલકોને રૂપિયા 140 કરોડની ચુકવણી થાય છે. રાજ્યમાં દૂધ ઉત્પાદક મંડળીઓના 36 લાખ સભાસદોમાં 12 લાખ સભાસદો મહિલા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. રાજ્યમાં 83 હજારથી વધુ સહકારી મંડળીઓમાં બે કરોડ 31 લાખ સભાસદો જોડાયેલા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

રાજકોટના સ્વ. અરવિંદભાઈ મણિયાર તથા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રનો પાયો મજબૂત કરવામાં તેઓનું મોટું યોગદાન છે.

સહકારી સોસાયટીઓને દેશના વિકાસનું વૈકલ્પિક મોડેલ ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય કે દેશમાં સ્થાનિક સ્તરે સહકારી મંડળી-બેન્કની ભૂમિકા ખૂબ મોટી છે. નાના માણસોની મોટી બેન્ક કહેવાતી સહકારી બેન્કો નાગરિકોને મોટો આર્થિક આધાર પૂરો પાડે છે. આજે રાજ્યમાં સેવા સહકારી મંડળી, ક્રેડિટ મંડળી, મત્સ્ય મંડળી, સખી મંડળ વગેરે દ્વારા અનેક ખેડૂતો, શ્રમિકો સહિતના લોકો આર્થિક રીતે સમૃદ્ધ થયા છે.

રાજકોટ જિલ્લા સહકારી બેન્ક તથા રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ખેડૂત તથા પશુપાલકો માટેની વિવિધ કલ્યાણકારી કામગીરીઓની સરાહના કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજકોટ અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓએ સહકારના ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા છે. આ સંસ્થાઓ આજે જનતામાં વિકાસનું પ્રતિક બનીને ઊભરી છે.

જેતપુરના ધારાસભ્ય તથા કાર્યક્રમના અધ્યક્ષ, રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન  જયેશભાઈ રાદડીયાએ ઉપસ્થિત સર્વે મહાનુભાવોને આવકારી રાજકોટ જિલ્લા સહકારી બેંકનાં વાર્ષિક અહેવાલો રજૂ કરી બેંકની વિવિધ ખેડૂતલક્ષી કામગીરી વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલાંના સમયમાં ખેડૂતોને ટુંકી મુદ્દત માટે ધીરાણ લેવા પણ ઊંચા વ્યાજ-દર ચૂકવીને અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો, ત્યારે સુદ્રઢ સહકારી માળખા થકી આજે ખેડૂતો ઝીરો ટકા વ્યાજ-દરે ધીરાણ મેળવતા થયા છે. સહકારી ક્ષેત્રનું માળખું  તાકાતવાન બન્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લા સહકારી બેન્કે સહકારી ક્ષેત્રમાં નવા જ આયામો હાંસલ કર્યા છે. નાના અને સીમાંત ખેડૂતો માટે આકસ્મિક સમયે બેન્ક અને મંડળીઓના દરવાજા હરહંમેશ ખુલ્લા છે. આ તકે તેમણે બેન્ક સાથે જોડાયેલા ખેતી વિષયક મંડળીઓના ખેડૂત સભાસદોને આકસ્મિક નાણાકીય જરૂરીયાતનાં સંજોગોમાં તત્કાલ નાણાં મળી રહે તેવા હેતુથી મધ્યમ મુદત ખેતી વિષયક “કૃષિ તત્કાલ લોન યોજના”ની જાહેરાત કરી હતી. ઉપરાંત અન્ય બે યોજનાની પણ જાહેરાત કરી હતી.

જ્યારે ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકારી માળખાના માધ્યમથી રાજ્ય અને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના લાભો સામાન્ય લોકો સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ તકે રાજ્યના જળ સંપત્તિ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા રાજ્યસભાના સાંસદ  કેસરીદેવસિંહ ઝાલાએ પ્રાસંગિક ઉદબોધન કરીને સૌને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.