Abtak Media Google News

કોંગ્રેસના ધારાસભ્યો સાથે બપોરે બેઠક આદિવાસી વિસ્તારના આગેવાનો સાથે પણ સંવાદ કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાષ્ટ્રીય નેતાઓના આંટાફેરા રાજ્યમાં વધી રહ્યા છે. વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપના સંગઠન મહામંત્રી તાજેતરમાં ગુજરાતની મૂલાકાતે આવ્યા હતા. દરમિયાન આવતીકાલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદમાં અને બૂધવારના રોજ દિલ્હીના મુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ રાજકોટની મૂલાકાતે આવી રહ્યા છે. તેઓ બન્ને જાહેર સભાઓ સંબોધશે.

આગામી દિવસોમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાજકોટની મૂલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તાથી વિમુખ કોંગ્રેસે ગુજરાતમાં સત્તા સુખ હાંસલ કરવા સક્રિય બની છે. બીજી તરફ દિલ્હી બાદ પંજાબમાં સત્તા મળ્યા બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના હોમ સ્ટેટ ગુજરાતમાં પગદંડો જમાવવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં સત્તા સુખ ભોગવી રહેલી ભાજપે પણ આ બાબતે રેકોર્ડ બ્રેક બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. હવે ચૂંટણીનો ગરમાવો જામી રહ્યો છે.આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસીક મેદાન પર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી કાલે 10 કલાકે સંબોધન કરશે.

ભારત દેશના બંધારણે આદિવાસી ભાઈ-બહેનોને આપેલા વિશેષ અધિકાર છીનવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. આદિવાસી સમાજના ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ પક્ષ સતત સંસદ, ધારાસભા અને સડક પર લડત આપી રહ્યો છે. ગુજરાતમાં ભાજપાની સરકાર આદિવાસી સમાજની ઓળખ અને તેની સંસ્કૃતિને મોટા પાયે નુકસાન કરી રહી છે. તા. 10મી મેના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો સાથે બપોરે 2 કલાકે બેઠક કરશે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધી આદિવાસી વિસ્તારના તમામ આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજશે અને સ્થાનિક પરિસ્થિતિ વિશે વાર્તાલાપ કરશે.આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ ખાતે રાહુલ ગાંધી કાર્યકરોને માર્ગદર્શન આપી આગામી સમયની અંદર વધુ મજબુતિથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો ખુલ્લા મુકશે. આદિવાસી સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ પક્ષ લડત આપી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.