Abtak Media Google News

દિલ્હી તરફથી ઠાકુરે 3 વિકેટ તો લખનૌ તરફથી મોહસીન ખાને 4 વિકેટ ઝડપી

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં લખનૌએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં લખનૌની ટીમે 20 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવીને 195 રનોનો વિશાળકાય સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન કેએલ રાહુલની 77 રન અને દીપક હૂડાએ 52 રનોની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. દિલ્હીની ટીમ 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 189 રન બનાવી શકી હતી. દિલ્હી સામે લખનૌનો 6 રનોથી શાનદાર વિજય થયો હતો. લખનૌ તરફથી મોહસિન ખાને 4 વિકેટ ઝડપી હતી.

196 રનોનો લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમની ખુબ જ ખરાબ શરૂઆત થઈ હતી. પહેલી જ ઓવરમાં ઓપનર પૃથ્વી શો 5 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બીજી ઓવરમાં ડેવિડ વોર્નર 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મિશેલ માર્શે 20 બોલમાં 3 ચોગ્ગા અને 3 સિક્સની મદદથી 37 રનોની વિસ્ફોટક ઈનિંગ્સ રમી ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કેપ્ટન રિષભ પંતે પણ 30 બોલમાં 7 ચોગ્ગા અને 1 સિક્સની મદદથી 44 રન બનાવ્યા હતા. લલિત યાદવ 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોમેન પોવેલ પણ 21 બોલમાં 3 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 35 રનોની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. જ્યારે અક્ષર પટેલે 24 બોલમાં 42 રન બનાવીને અણનમ રહ્યો હતો. જો કે, તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. શાર્દુલ ઠાકુર 1 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કુલદીપ યાદવે 8 બોલમાં 16 રન બનાવી અણનમ રહ્યો હતો. લખનૌ તરફથી મોહસિન ખાને 4 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌની ટીમના કેપ્ટન કેએલ રાહુલ અને ક્વિંટન ડી કોકે શાનદાર શરૂઆત અપાવી હતી. ડી કોક 13 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. જો કે, કેપ્ટન કેએલ રાહુલ અને દીપક હૂડાની પાર્ટનરશિપે દિલ્હીના બોલર્સને બરાબરના ધોઈ નાખ્યા હતા. કેપ્ટન કેએલ રાહુલે 51 બોલમાં 4 ચોગ્ગા અને 5 સિક્સની મદદથી 77 રન બનાવ્યા હતા. જ્યારે દીપક હૂડાએ 34 બોલમાં 6 ચોગ્ગા અને 1 સિક્સની મદદથી 52 રન બનાવ્યા હતા. સ્ટોઈનિસ 19 રન પર તો કૃણાલ પંડ્યા 9 રન બનાવીને અણનમ રહ્યા હતા. દિલ્હી તરફથી ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.