Abtak Media Google News

રાજકોટમાં એસએમસીનો ફરી સપાટો

12 હજાર લીટર ભેળસેળયુકત ડીઝલ, 5 ટ્રક અને ટેન્કર વગેરે મળી એકાદ કરોડનો મુદ્દામાલ કબજે: કુવાડવા પોલીસ સ્ટાફને રેલો આવશે

રાજયભરમાં ચાલતા દારૂ, જુગારના અડ્ડા ઉપરાંત બીજા અનેક ગેરકાયદે ધંધાઓ ઉપર સતત દરોડા પાડી એસએમસીએ રાજયભરની પોલીસની ઉંઘ હરામ કરી નાખી છે. ત્યારે ગઈકાલે ફરી એસએમસીએ રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર કુવાડવા રોડ પર સરાજાહેર ધમધમતા ભેળસેળયુકત ડીઝલના મોબાઈલ પંપ ઉપર દરોડો પાડી 11 શખ્સોને ઝડપી લીધા હતા. અને 12 હજાર લીટર ભેળસેળયુકત ડીઝલ, 5 ટ્રક અને ટેન્કર વગેરે મળી એકાદ કરોડથી વધુ રકમનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વિગતો અનુસાર એસએમસીના ડીવાયએસપી કે.ટી. કામરીયાને ચોકકસ બાતમી મળી હતી.જેના આધારે પીએસઆઈ ચંદ્રસિંહ પરમારે સ્ટાફના માણસો સાથે ગઈકાલે સાંજે કુવાડવા રોડ પ2 ઓડીના શોરૂમ સામે સરાજાહેર ધમધમતા ભેળસેળયુકત ડીઝલના મોબાઈલ પંપ પર દરોડો પાડયો હતો.આ વખતે સ્થળ પર એક ટેન્કર જોવા મળ્યું હતું. જેમાંથી 8 હજા2 લીટર અને છોટા હાથીમાંથી 4 હજા2 લીટર ભેળસેળયુકત ડીઝલ મળી આવ્યું. આ બંને વાહનોમાંથી નજીકમાં પાર્ક 4 ટ્રકમાં અંદાજે 200 લીટર ડીઝલ પુરી અપાયુ હતું. એસએમસીને પ્રાથમિક તપાસમાં આ કારસ્તાનનો સૂત્રધાર નવાગામનો મનહરસિંહ ઉર્ફે મુન્નો રતુભા જાડેજા હોવાનું જાણવા મળ્યું છે. જોકે તે સ્થળ પરથી હાજર મળ્યો નથી.તેનો મેનેજર જગદિશ ઉકાભાઈ શીયાળ મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી.

આ ઉપરાંત ટ્રકમાં ડીઝલ પુરી આપવા માટે 2 ફીલમેન રખાયા હતા, તે બંને ઉપરાંત ચારેય ટ્રકના ડ્રાઈવર અને કલીનર મળી કુલ 11 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. 4 ટ્રક, 1 ટેન્કર અને 1 છોટા હાથી મળી અડધો ડઝન વાહનો કબ્જે કરાયા હતા. જયાં દરોડો પડયો તે સ્થળ કુવાડવા પોલીસની હદમાં છે. જેથી તેના સ્ટાફ સામે પગલા તોળાઈ રહ્યાનું સ્પષ્ટ રહ્યું છે.

એસએમસીને પોલીસની મીલીભગતથી આ કારસ્તાન ચાલતું હોવાની માહિતી મળી છે. જેની એસએમસીએ ખરાઈ શરૂ કરી છે. જો પોલીસની મીલીભગત હશે તો સંબંધીત પોલીસ સ્ટાફ સામે પગલા લેવાશે તે નિશ્ચિત છે. આ પ્રકારના કેસોમાં હંમેશા પોલીસમેનો, પીએસઆઈ કે પીઆઈની જવાબદારી ફિકસ કરી પગલા લેવાય છે.એસએમસીના સૂત્રોએ જણાવ્યું કે, આરોપીઓ રૂા.70ના ભાવે લીટર ડીઝલ વેચતા હતા. જયારે વાસ્તવમાં હાલ ડીઝલની કિંમત રૂા. 92 આસપાસ છે. આરોપીઓ ડીઝલમાં સંભવત: ફર્નેશ ઓઈલ અને બીજા કોઈ જવલનશીલ પ્રવાહી મીક્ષ કરતા હતા. આ પ્રવાહી કયા હતા તેનો મુખ્ય સૂત્રધાર મુન્નો જાડેજા પકડાયા પછી જ ખુલાસો થશે તેવું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.