Abtak Media Google News

વાર્ષિક 5,000 નવા કોચ બનાવવાનું લક્ષ્યાંક: વંદે ભારત ટ્રેનોની સંખ્યા 450 કરાશે

નેશનલ ન્યુઝ 

ભારતીય રેલ્વે આગામી ચાર-પાંચ વર્ષમાં 3,000 નવી ટ્રેનો દોડાવવાની યોજના ઘડી રહી છે. ભારતીય રેલવેમાં મુસાફરોની વધતી સંખ્યા અને વેઇટિંગ ટિકિટને ધ્યાનમાં રાખીને રેલવે આ નિર્ણય કરવા જઈ રહ્યું છે ત્યારે મોટા ભાગના મુસાફરોને સમાવવા વધુ ટ્રેનોની જરૂર હોવાથી રેલવે આ નિર્ણય તરફ આગળ ધપી રહ્યું છે. આ સિવાય રેલવે મંત્રાલય મુસાફરીનો સમય ઘટાડવાના લક્ષ્ય પર પણ કામ કરી રહ્યું છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 2027 સુધીમાં નવી ટ્રેનો શરૂ થવાથી વેઇટિંગ ટિકિટની ઝંઝટનો અંત આવશે અને દરેકને ક્ધફર્મ ટિકિટ મળતી થશે.

રેલવેને આશા છે કે આગામી પાંચ વર્ષમાં માંગ પ્રમાણે ટ્રેક પર ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલ્વેની વર્તમાન પેસેન્જર ક્ષમતા વાર્ષિક 800 કરોડ છે, તેને પાંચ વર્ષમાં વધારીને 1,000 કરોડ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર 69,000 નવા કોચ તૈયાર થઈ ગયા છે. દર વર્ષે લગભગ 5,000 નવા કોચ બનાવવામાં આવી રહ્યા છે. આ પછી 400 થી 450 વંદે ભારત ટ્રેનો સિવાય, રેલ્વે દર વર્ષે 200 થી 250 જોડી નવી ટ્રેનો દોડાવી શકે છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે, મુસાફરીનો સમય ઘટાડવો એ બીજો ધ્યેય છે જેના માટે રેલ નેટવર્કને વિસ્તૃત કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

નોન-એસી કોચ સાથે બર્થની અછતના અહેવાલોને ફગાવી દેતા વૈષ્ણવે જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં આ તહેવારોની સિઝનમાં વિશેષ ટ્રેનોની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. આ તહેવારોની મોસમમાં મુસાફરોના ધસારાને સમાવવા માટે 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બરની વચ્ચે 6,754 વધારાની ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 2,614 હતી.

વંદે ભારત ટ્રેનને જામનગરથી સુરત સુધી લંબાવાઈ

વડાપ્રધાન મોદીએ 24 સપ્ટેમ્બરના રોજ દેશને એકસાથે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. દરમ્યાન જામનગરથી અમદાવાદ વચ્ચે પણ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી અપાઇ હતી. ત્યારે હવે આ વંદે ભારત ટ્રેનને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. હવેથી અમદાવાદ-જામનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને છેક સુરતના ઉધના સુધી લંબાવાઇ છે. ત્યારે જામનગરથી સુરત જનારા મુસાફરોને હવે સુરત જવામાં તકલીફ નહીં પડે. આ અંગે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે ટ્વિટ કરીને માહિતી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.