Abtak Media Google News

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારત 2031 સુધીમાં ડીઝલ ખર્ચમાં વાર્ષિક રૂ. 1.28 લાખ કરોડની બચત કરવા સજ્જ છે. રેલવેના લક્ષ્યાંક મુજબ આગામી 8 વર્ષમાં રેલવે તેમની હાલની ક્ષમતા કર્તા બમણું માલ પરિવહન એટલે કે અંદાજિત 3 હજાર મિલિયન ટન માલ-સામાનનું વાર્ષિક પરિવહન કરતું થઇ જશે. જેની સામે રેલવે ટેક્નોલોજી અપગ્રેડેશન કરીને વાર્ષિક સવા લાખ કરોડની બચત કરશે.

Advertisement

વર્ષ 2031 સુધીમાં રેલવે 3 હજાર મિલિયન ટન માલ-સામાનનું પરિવહન કરતું થઇ જાય તેવો આશાવાદ

68મા નેશનલ રેલ્વે એવોર્ડ્સમાં સંબોધન કરતાં વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતની આર્થિક વૃદ્ધિને પરિણામે 2031 સુધીમાં 3000 મિલિયન ટન કાર્ગોનું પરિવહન કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

મંત્રીના જણાવ્યા અનુસાર ભારતીય રેલ્વે આ વધતી જતી કાર્ગો વૃદ્ધિનો અડધો ભાગ મેળવવા માટે ટ્રેક પર છે, જેના પરિણામે દર વર્ષે 16,000 કરોડ લિટર ડીઝલ વપરાશમાં ઘટાડો થશે. જેનાથી ભારત માટે રૂ. 1.28 લાખ કરોડની વાર્ષિક બચત થશે.

નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 1512 મિલિયન ટન કાર્ગો પરિવહનની વિક્રમી ઊંચી સિદ્ધિ હાંસલ કરવા છતાં ભારતીય રેલ્વે હાલમાં ભારતના કુલ કાર્ગો પરિવહનમાં 30% કરતા પણ ઓછો હિસ્સો ધરાવે છે. અધિકૃત અંદાજ મુજબ મોટાભાગનો કાર્ગો હજુ પણ માર્ગ પરિવહન દ્વારા કરવામાં આવે છે.

વૈષ્ણવે રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં થઈ રહેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. જેમાં નવા ટ્રેકનું નિર્માણ અને હાલની લાઈનોમાં બહુવિધ લાઈનો ઉમેરવાનો સમાવેશ થાય છે. તેમણે છેલ્લા બે વર્ષમાં 200 થી વધુ નવા રેકની રજૂઆત તેમજ વંદે ભારત અને અમૃત ભારત જેવી તકનીકી રીતે અદ્યતન ટ્રેનોના સમાવેશનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ઇવેન્ટ દરમિયાન વૈષ્ણવે વિવિધ ઝોનલ રેલ્વે, ઉત્પાદન એકમો અને રેલ્વે જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)ના 100 રેલ્વે કર્મચારીઓની ઉત્કૃષ્ટ સેવાઓને માન્યતા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.