Abtak Media Google News

નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા સુચના

સોરઠમાં મેઘો રોકાવાનુ નામ ના લેતા સતત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાના ૬ નાના મોટા  ડેમના દરવાજા ખોલવાની નોબત આવી પડી છે, જ્યારે ૮ ડેમો છલકાઈ રહ્યા છે. અને જિલ્લાની તમામ નદીઓ ભારે પાણી સાથે વહી રહી છે, જૂનાગઢમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાંથી વરસાદના વાવડ મળી રહ્યા છે તે પ્રમાણે   જૂનાગઢમાં ૨૮ મી.મી., ભેસાણમાં ૬૩ મી.મી., મેંદરડામાં ૩ મીમી., માંગરોળમાં ૩ મીમી., માણાવદરમાં ૨ મી.મી., માળિયામાં ૧૫ મીમી., વંથલીમાં ૧૧ મિમી., અને વિસાવદરમાં ૨૦ મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે ગિરનાર પર્વત  અને ગિરનાર જંગલમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા છ દિવસથી અને  સતત અને વ્યાપક પ્રમાણમાં વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા છે, તો જિલ્લાના ૧૭ માથી ૮ ડેમો ફરી એક વખત ઓવરફ્લો થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.

જ્યારે વિસાવદરના આંબાજળ ડેમ, ધ્રફડ ડેમ, માળિયા ના વ્રજમી ડેમ બાટવાના ખારા ડેમ, વંથલી નજીક આવેલ શાપુર ઓઝત ડેમ, વંથલી ઓજત ડેમ, વંથલીના સાબલી ડેમ અને જૂનાગઢના ઓજત બે ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી હતી.

ગિરનાર પર્વત અને ગીરના જંગલોમાં સતત વરસી રહેલા વરસાદના કારણે સોનરખ નદીમાં પૂર છે,  દામોદર કુંડ બે કાંઠે થયો હતો, જ્યારે શહેરમાં પડેલ વરસાદના કારણે  નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થવા પામ્યો છે, કાળવા માં સતત ચાલુ છે, વિલીંગ્ડન ડેમ અવિરત ઓવર ફલો થઈ રહ્યો છે.

જૂનાગઢ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે માંગરોળ, કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે, તો અનેક ગામો સંપૂર્ણ સંપર્ક વિહોણા પણ બન્યા છે,

માંગરોળથી મળતા સમાચાર મુજબ ગઇકાલે ઓજત ડેમના બારા ખોલાતા ફુલરામા ગામના ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, અને અનેક પરિવારની ઘરવખરી પાણીમાં ડૂબી જવા પામી હતી, તો માંગરોળના ઓશા, ભાથરોટ ગામની સીમમાં વરસતા વરસાદના કારણે કાચા મકાનના ઝૂંપડા જેવા મકાનના આશરે બેઠેલા બે લોકો અચાનક પાણી આવી જતા ફસાયા હતા,

તો ગઇકાલે માણાવદરના વેકરીમાં ભાદર નદીના ભારે પાણી આવી જતા વેકરી ગામ સંપર્ક વિહોણું બન્યું હતું, જ્યારે મટીયાણા, આંબલીયા સહિતના ગામો બેટમાં ફેરવાયા હતા અને હજારો એકર જમીન પાણીમાં ગરક થઈ જવા પામી હતી.

બીજી બાજુ ભાદર ડેમ ના તમામ દરવાજા ખોલાતા સરાડીયા નજીક પાણી ફરી વાળતા પોરબંદર જુનાગઢ સ્ટેટ હાઇવે બંધ થવા પામ્યો હતો અને અનેક વાહનો રોડ ઉપર ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.