Abtak Media Google News

નંબર પ્લેટ વિનાના બાઇક અંગે પૂછપરછ કરતા પાંચ શખ્સો તૂટી પડયા: ચાર ઝડયાપા

શહેરના લાતી પ્લોટ, ગણેશનગર, ચામડીયા ખાટકીવાસ અને ભગવતીપરાના વેપારીઓ પાસેથી હપ્તા વસુલ કરવા સહિત 50 જેટલા જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા ઇભલા અને તેના ચાર સાગરિતોએ ગતમોડી રાતે બી ડિવિઝન પોલીસ મથકના મહિલા એએસઆઇ પર હુમલો કરી પોલીસની આબરૂને ધુળધાણી કરી નાખી છે. પોલીસના ડર વિના જ અનેક ગુના આચરતો ઇભલોએ પોલીસની સરભરા કરતા ઘટના પ્રકાશમાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. મહિલા એએસઆઇની મદદે વધારાનો પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોચી ઇભલાના ચાર સાગરીતોને ઝડપી લીધા છે. જ્યારે કુખ્યાત ઇભલો ભાગી છુટયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બી ડિવિઝન પોલીસ મથકના ફરજ બજાવતા મહિલા એએસઆઇ અમિતાબેન વનરાજભાઇ બકુતરા, તેમના રાઇટર અને ડ્રાઇવર જુના મોરબી રોડ પર સિટી સ્ટેશન પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક સાથે ત્રણ બાઇક રસ્તો રોકીને ઉભા હતા ત્રણેય બાઇકને નંબર પ્લેટ ન હતી અને ચાર શખ્સો ત્યાં ઉભા હોવાથી આ રીતે રસ્તા પર અડચણ કેમ કરીને ઉભા છો. અને નંબર પ્લેટ વિનાના બાઇકના ડોક્યુમેન્ટ માગતા મામલો બીચકયો હતો.

ચારેય શખ્સો પૈકી ફિરોજ કરીમ કાથરોટીયાએ પોતાના ભાઇ ઈભલા ઉર્ફે ઇબ્રાહીમ કરીમ કાથરોટીયા સાથે મોબાઇલમાં વાત કરી ઘટના સ્થળે બોલાવ્યો હતો. થોડીવારમાં ઇભલો પોતાની કાર લઇને સિટી સ્ટેશન પાસે આવી ગયો હતો તે પહેલાં એએસઆઇ બકુતરાના રાઇટર ઇભલાના સાગરીતનું બાઇક કબ્જે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન મુકવા ગયો હતો. તે દરમિયાન ઇભલો પોતાની કાર લઇને ઘટના સ્થળે ઘસી આવ્યો હતો. મહિલા એએસઆઇ બકુતરા અને તેમના ડ્રાઇવર બે જ હોવાથી ઇભલો અને તેના સાગરીતોએ મહિલા એએસઆઇ એ.વી.બકુતરા સાથે મોટા અવાજે ઝઘડો કરી ઉગ્ર બોલાચાલી કરી હતી. તેમજ ઝપાઝપી શરૂ કરી હતી.

એએસઆઇ બકુતરાએ વધારાનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે બોલાવ્યો હતો અને ઇભલાના બે સાગરીતોને પકડી રાખ્યા હતા. મહિલા એએસઆઇ બકુતરાની મદદે વધારાનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચે તે દરમિયાન નામચીન ઇભલો પોતાની કાર લઇ ભાગી છુટયો હતો. પોલીસ સ્ટાફે ઇભલાના ભાઇ ફિરોજ કરીમ કાથરોટીયા, અશરફ, જયદીપ સોલંકી અને એક અજાણ્યા શખ્સને પકડી બી ડિવિઝન પોલીસ મથકે લઇ જઇ ચારેયની પોલીસ સ્ટાફે સરભરા કરી કાયદાના પાઠ ભણાવ્યા હતા. ભાગી છુટેલા ઇભલાને ઝડપી લેવા પોલીસ સ્ટાફની જુદી જુદી ટીમ બનાવી શોધખોળ હાથધરી છે.

ચૂંટણી સમયે ઇભલાને પાસામાં કે તડીપાર કેમ ન કરાયો?

વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા 42 જેટલા શખ્સને પાસામાં અને 47 જેટલા શખ્સોને તડીપાર કરવામાં આવ્યા છે. ત્યારે ઇભલા સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ગેંગ રેપ, ખંડણી વસુલ કરવી, આગ ચાપી નુકસાન કરવા અને મારામારી સહિત 50 જેટલા ગુનામાં સંડોવાયો હોવા છતાં ઇભલા ઇર્ફે ઇબ્રાહીમ કરીમ કાથરોટીયા સામે પાસા કે તડીપારની પોલીસે કાર્યવાહી કેમ ન કરી તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઇભલા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં રાખેલી ઢીલી નીતીના કારણે જ પોલીસ પર હુમલો કરી પોલીસની આબરૂને બટ્ટો લગાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.