Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાના ભરતી-બઢતીના નિયમોમાં સુધારા-વધારા કરવા સહિતના નિર્ણય લેવાશે તેમજ ત્રણેય ઝોનમાં મિકેનીકલ પધ્ધતિથી રસ્તાઓ પરના ખાડાઓ રિપેર કરવા ચર્ચા-વિચારણા કરી નિર્ણયને બહાલી અપાશે

રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે નવનિયુક્ત ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. જેમાં અલગ-અલગ 47 દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે. આ 47 દરખાસ્તોમાં ખાસ તો આરએમસીના વિસ્તારમાં જુદા-જુદા પ્રકારના ભયગ્રસ્ત મકાનોનું નિરિક્ષણ અને તેનો અહેવાલ આપવા માટે એજન્સીની નિમણુંક કરવાને લઇ નિર્ણય લેવામાં આવશે.

આ ઉપરાંત 47 દરખાસ્તોની વાત કરીએ તો ફાયર બ્રિગેડની કામગીરીની રિપોર્ટો ધ્યાને લેવા, જુદી-જુદી વોર્ડ કમિટીના ઠરાવોને ધ્યાને લઇ તેની કામગીરીની ચર્ચા-વિચારણાં, મોટા મવા ગામતળથી શરૂ કરીને આરએમસીની હદ સુધીના 30 મીટર ટીપી રોડને 45 મીટર સુધી પહોળો કરવા બાબતે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાના વિભાગોના ભરતી-બઢતીના નિયમોમાં સુધારો કરવો, કોમ્પ્યૂટર વિભાગની ભરતીના નિયમમાં સુધારો કરવો, સ્નાનાગાર વિભાગના ભરતીના નિયમમાં સુધારો, લાયબ્રેરીના ભરતીના નિયમો, ગાર્ડન શાખાનું સ્ટાફ રિવાઇસ કરવા તેમજ ભરતીના નિયમોમાં ફેરફાર કરવા નિર્ણય કરવામાં આવશે.

ખાસ તો રાજકોટ મહાનગરપાલિકાની આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનરની નવી જગ્યામાં પણ ભરતી-બઢતીના નિયમોમાં ફેરફાર કરવાના નિણર્ય કરાશે તેમજ રાજકોટના ત્રણેય ઝોનમાં ચોમાસા દરમિયાન મિકેનીકલ પધ્ધતિથી પોર્ટ હોલ રિપેર કરવા નિર્ણય લેવાશે.

રાજકોટ ટીપી સ્કિમ નં.19, એફ.પી. નં.26-બીમાં ગાર્ડનની કમ્પાઉન્ડ વોલ બનાવવા નિર્ણય લેવાશે.

ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં જમ્પીંગ ગાદલા ખરીદવા નિર્ણય કરાશે તેમજ શહેરના હોર્ડિંગ્સ બોર્ડ ઉપર જાહેરાત પ્રસિધ્ધ કરવા અંગે હક્ક આપવા અંગે નિર્ણય કરાશે. રાજકોટ મહાનગરપાલિકાની જુદીજુદી શાખાઓના ઉપયોગ માટે 60 જેટલા કોમ્પ્યૂટર જીઆઇએલ મારફતે ખરીદી કરવા અંગે નિર્ણય લેવાશે.

સ્માર્ટ સિટી એરિયામાં લાઇટ હાઉસ ખાતે કોમ્યુનીટી હોલના ભાડાના દર નક્કી કરાશે.

આ ઉપરાંત જુનાગઢમાં આવેલા ભારે વરસાદના કારણે પૂર અને અતિવૃષ્ટિ સબબ સોલીડ વેસ્ટ શાખાની ટીમ દ્વારા જરૂરી સાધન-સામગ્રી મોકલાવવામાં આવી હતી તે ખર્ચને પણ બહાલી આપવા માટે કાલની સ્ટેન્ડિંગમાં નિર્ણય લેવામાં આવશે.

જર્જરિત મકાનોનો સર્વે કરવામાં આવશે

તાજેતરમાં જુનાગઢ ખાતે ભારે વરસાદને કારણે એક બિલ્ડીંગ ધરાશાયી થયું હતું. જેને લઇને હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા વિસ્તારમાં ભયગ્રસ્ત મકાનોનું નિરિક્ષક કરવા અને તેનો સચોટ અહેવાલ આપવા માટે સ્ટ્રક્ચર એન્જીનીંયરની નિમણુંક કરવા અંગે આવતીકાલની સ્ટેન્ડિંગ કમિટીમાં તેના પર ચર્ચા-વિચારણા કરી નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે કાલે નવનિયુક્ત ચેરમેન જયમીન ઠાકરની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળવાની હોય અલગ-અલગ ઘણા કામોને બહાલી અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.