Abtak Media Google News

માંગો એક… મદદ અનેક …

એકલા દર્દીનું કાઉન્સિલિંગથી માંડી રહેવાની સુવિધા અને પરિવારજનો સાથે ભેટો કરાવતી હેલ્પ ડેસ્કની ટીમ

શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી પોતાના અવનવા કાર્યો અને દર્દીઓની સુવિધા અને સારવારમાં વધારો કરવામાં રાજ્યભરમાં ડંકો વગાડી રહી છે. હમણા જ હાર્ટના દર્દીઓ માટે મુખ્યમંત્રીના હસ્તે કેથલેબનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં એક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી હેલ્પ ડેસ્કની સુવિધા પણ હવે રાજ્યના અન્ય સરકારી દવાખાનામાં રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે. તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી, આર.એમ.ઓ. ડો.અશોક કાનાણી, નોડલ ઓફિસર ડો.હર્ષદ દૂસરા અને એચ.આર. મેનેજર ભાવનાબેન સોની દ્વારા હેલ્પ ડેસ્કનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

હેલ્પ ડેસ્ક સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી અને ઓપીડીથી માંડી તમામ વોર્ડમાં એકલા રહેલા દર્દીઓને સધિયારો આપે છે. કોઈ દર્દીને 108માં સિવિલમાં ઇમરજન્સી વોર્ડમાં લઈ આવવામાં આવે ત્યારે તેની સાથે જોઈ કોઈ ના હોય તો કેસ કાઢવાથી માંડી તેને દાખલ કરવા સુધી અને દાખલ થયા બાદ તેની સારવાર અને માવજત સુધીના તમામ કાર્યો હેલ્પ ડેસ્ક કરે છે. ત્યાર બાદ એકલા રહેલા દર્દીનું કાઉન્સિલિંગ કરીને જો તેના કોઈ સગા સબંધી હોય તો દુનિયાના ખૂણેથી તેનો સંપર્ક કરી પરિવારજનો સાથે ભેટો કરાવવામાં આવે છે. માત્ર ગુજરાત નહિ પરંતુ અન્ય રાજ્યના દર્દીઓને પણ પરિવાર સાથે ભેટો કરાવવા માટે હેલ્પ ડેસ્ક ટીમના સભ્યો બહારના રાજ્યમાંથી પણ સંપર્ક ગોતી દર્દી અને પરિવારજનોનું મિલન કરાવે છે.

તો બીજી તરફ જો કોઈ દર્દીને પરિવારજનોએ પણ તરછોડ્યું હોય તો તેની વ્હારે સિવિલ હોસ્પિટલની હેલ્પ ડેસ્કની ટીમ તમામ જવાબદારી લઈ તેની સારવાર તેની સાથે પોતકુ વર્તન કરી તેને સહિયારો આપે છે. ત્યાર બાદ દર્દીની સારવાર પૂરી થાય પછી તેને આશ્રમ ખાતે વ્યવસ્થિત રીતે મૂકવામાં આવે છે. આવા અનેક દર્દીઓએ હેલ્પ ડેસ્કની ટીમના સભ્યોને આશીર્વાદ પણ પાઠવ્યા છે.

હેલ્પ ડેસ્ક ટીમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 24 કલાક કાર્યરત હોય છે. આમાં કામ કરતા કર્મચારીની બધાની અલગ અલગ આવડત હોય છે. બધા પોતાની અલગ અલગ આવડતથી પોતાના કાર્યમાં સફળ થયા છે.આજે આપણે સુપર વુમનની એટલે વાત કરીએ છીએ હેલ્પ ડેસ્ક ટીમમાં કામ કામ કરી રહેલી સ્ત્રીઓ જેમને હેલ્પ ડેસ્કમાં રહીને સફળતા મેળવી છે, હેલ્પ ડેસ્ક ટીમમાં કીર્તિબેન મુછડિયા, દર્શીતાબેન કારિઆ, જોકીનાબેન, નેહાબેન દેવમુરારી અને જસબીરકૌર આ બધા હેલ્પડેસ્ક ટીમના સુપેર વુમન છે. તથા સતત નિરીક્ષણ કરી રહેલા એચ.આર.મેનેજર ભાવનાબેન સોની સ્ત્રીઓ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. પોતાની બુદ્ધિ ક્ષમતા તથા પોતાની આવડતના લીધે આજ ની સ્ત્રી કઈ પણ કરી શકે છે.

આસામના એસ.પી.સાથે કોન્ટેક્ટ કરી દર્દીને પરિવારજનો સાથે ભેટો કરાવ્યો

ગત તા.18મી ઓગષ્ટના રોજ પોરબંદર સિવિલ હોસ્પિટલથી વધારે સારવાર માટે અજાણ્યા પુરુષ તરીકે એક દર્દીને દાખલ કરવામાં આવે છે. દર્દી જ્યારે દાખલ થયા ત્યારે તેમની હાલત ખૂબ જ ખરાબ હતી તો તેમને તાત્કાલિક ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તબિયતમાં સુધાર થતા દર્દીને ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. હેલ્થ ડેસ્ક ટીમના હમણાં જ જોઈન્ટ થયેલા જસબિરકૌર દર્દીનું કાઉન્સેલિંગ કરાતા તેનું આખું નામ અજયભાઈ લાકડા હતું. રોજ એમનું કાઉન્સેલિંગ કરાતા રોજ નવી નવી વાત જાણવા મળતી હતી. જસબિર કૌર વધારે

માહિતી મેળવતાએ જાણવા મળ્યું કે અજયભાઈ આસામના તમાલપુર થાના રહેવાસી છે અને છેલ્લા એક મહિનાથી તેમનો આખો પરિવાર પોરબંદર સ્થિત કોઈક ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા. ત્યાં પરિવારમાં કે ફેક્ટરીમાં અણબનાવ બનતા તેઓ ચિકાર દારૂ પીને જઈ રહ્યા હતા તો તેમનો અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે સ્વજનોના સંપર્ક નંબર હતા તે ડાયરી પણ ક્યાંક ખોવાઈ ગઈ હતી અને અભણ હોવાના કારણે તેમને કોઈના કોન્ટેક નંબર પણ યાદ ન હતા.

પરંતુ હેલ્પ ડેક્સ ટીમના કર્મચારીએ પોતે તમાલપુર આસામના રહેવાસી હોવાથી આસામના એસપીને ફોન કર્યો હતો અને દર્દીનો ફોટો અને નામ જણાવ્યું હતું. તો આસામના એસપીએ તાત્કાલિક એક્શન લઈને પોતાની ટીમને ગામમાં મોકલીને દર્દી વિશે માહિતી તથા તેના સ્વજનોના સંપર્ક નંબર મેળવ્યા હતા અને રાજકોટ હેલ્પડેસ્ક ટીમના જસબિર ર્કૌરને આપ્યા હતા. આવી રીતે ડિજિટલ માધ્યમથી તાત્કાલિક ધોરણે ગુજરાતથી આસામ સંપર્ક કરીને એક દર્દીને પોતાના પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું હતું. હેલ્પ ડેસ્ક ટીમે આસામના એસપીનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.