Abtak Media Google News

મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની નિયુક્તી કરવા કોર્પોરેશનમાં કાલે સવારે મળશે જનરલ બોર્ડની બેઠક

જનરલ બોર્ડ પૂર્વ ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી જાહેર કરશે નવા મેયરનું નામ

રાજકોટ મહાનગરપાલિકાના 22માં મેયર કોણ બનશે તે વાત પરથી આવતીકાલે સવારે પડદો ઉંચકાય જશે. શહેરના પ્રથમ નાગરિક તરીકે ડો.પ્રદિપ ડવનો આજે અંતિમ દિવસ છે. કાલે સવારે 11 કલાકે મળનારી જનરલ બોર્ડની બેઠક પૂર્વ ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા પ્રદેશમાંથી બંધ કવરમાં આવેલા પાંચેય પદાધિકારીઓના નામની ઘોષણા કરવામાં આવશે. રાજકોટના નવા મેયર કોણ બનશે તેને લઇ શહેરભરમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

વર્ષ-2021માં યોજાયેલી રાજકોટ મહાપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત થવા પામી હતી. શહેરના 18 વોર્ડની 72 બેઠકો પૈકી ભાજપના 17 વોર્ડની 68 બેઠકો પર વિજેતા બન્યુ હતું. તા.12/3/2021ના રોજ કોર્પોરેશનના પદાધિકારીઓની નિયુક્તી માટે બોર્ડ બેઠક મળી હતી. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર પદ ઓબીસી કેટેગરી માટે અનામત હોય વોર્ડ નં.12ના યુવા નગર સેવક ડો.પ્રદિપ ડવની રાજકોટના 21માં મેયર તરીકે નિયુક્તી કરવામાં આવી હતી. જ્યારે ડે.મેયર તરીકે ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઇ ઘવા અને પક્ષના દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની નિમણુંક કરવામાં આવી હતી. દરમિયાન ડિસેમ્બર-2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ડો.દર્શિતાબેન શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવતા તેઓએ ડે.મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. ગત માર્ચ માસમાં ડેપ્યુટી મેયર તરીકે કંચનબેન સિધ્ધપુરાની નિયુક્તી કરાય હતી.

મેયર પદ માટે હવે પછીની અઢી વર્ષની ટર્મ મહિલા અનામત છે. પદાધિકારીઓની પસંદગી કરવા ભાજપ હાઇકમાન્ડ દ્વારા પ્રથમવાર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ધનસુખભાઇ ભંડેરી બાદ છેલ્લા 15 વર્ષથી મેયર પદ પાટીદાર સમાજને આપવામાં આવ્યુ નથી. વિધાનસભાની ગત ચૂંટણીમાં પણ પાટીદાર સમાજની એક ટિકિટ પર કાતર ફેરવી દેવામાં આવી હતી. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ પદે પણ વણીક સમાજમાંથી આવતા મુકેશ દોશીની નિયુક્તી કરવામાં આવી હોય રાજકોટના 22માં મેયર તરીકે પાટીદાર સમાજના મહિલા નગરસેવિકાની વરણીની શક્યતા ખૂબ જ ઉજ્જળી છે. હાલ જ્યોત્સનાબેન ટિલાળા, ભારતીબેન પરસાણા, નયનાબેન પેઢડિયા, ઉપરાંત ડો.દર્શિતાબેન પંડ્યાના નામો ચર્ચામાં છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે મનિષભાઇ રાડીયા, નેહલભાઇ શુક્લ, દેવાંગભાઇ માંકડ, જયમીન ઠાકર, અશ્ર્વિન પાંભર અને કેતન પટેલના નામો ચર્ચાય રહ્યા છે. મેયર પદ મહિલા માટે અનામત હોય સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ સિનિયર અને મજબૂત કોર્પોરેટરને આપવામાં આવશે. તે લગભગ નિશ્ર્ચીત છે. કારણ કે આ પદ કોર્પોરેશનમાં સૌથી મહત્વપૂર્ણ ગણાય છે.

ભાજપમાં છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ યથાવત રહે છે. જે નેતાઓને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હોય છે. તેઓના નામ પર પ્રદેશ હાઇકમાન્ડ કાતર ફેરવી દે છે અને નવા જ નામો જાહેર કરે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે ઘણી સરપ્રાઇઝ આપી હતી. આ વખતે પણ સરપ્રાઇઝ આપે તેવી શક્યતા નકારી શકાતી નથી.

બીજી તરફ એવી પણ શક્યતા છે કે, સિનિયોરિટી અને જ્ઞાતિ-જાતિના સમિકરણો મુખ્ય પદાધિકારીઓની નિમણુંક પેચિદી બની રહી છે. આવામાં કોર્પોરેટર પદ ત્રણ ટર્મનો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે બે ટર્મનો વિશાળ અનુભવ ધરાવતા પુષ્કરભાઇ પટેલને ખડી સમિતિના ચેરમેન તરીકે રિપીટ પણ કરી શકાય છે. આ શક્યતા ખૂબ જ નહિવત છે. પરંતુ તેને સદંતર પણે નકારી શકાય તેમ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.