Abtak Media Google News

રામપર બેટી ગામની જમીનના બે કેસોમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સુઓમોટો લીધાનું જાણવા મળી રહ્યું છે. આજે અપીલ બોર્ડમાં કલેકટરે પ્રથમ સુનાવણી હાથ ધરી બન્ને પ્રકરણના અરજદારોને સાંભળ્યા હતા. સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકાના એક તત્કાલીન મામલતદારે પોતાના કાર્યકાળમાં અનેક વિવાદિત નિર્ણય લીધા હોય ભૂતકાળમાં પણ તેના પ્રકરણોએ ચકચાર મચાવ્યો હતો. હવે વધુ બે પ્રકરણ પણ ગાજયા હોવાનું ધ્યાને આવ્યું છે. આ જ અધિકારીએ રામપર બેટી ગામની જમીનના બે પ્રકરણમાં જમીનની લ્હાણી કરી હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે.

તત્કાલીન તાલુકા મામલતદારે જમીનની લ્હાણી કર્યાની ગંધ, બે પ્રકરણને રિવિઝનમાં લઈ કલેકટરે સુનાવણી હાથ ધરી

જો કે આ મામલે જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ એક્શન લીધા છે. તેઓએ બે પ્રકરણમાં સુઓમોટો લીધો છે. બેટી રામપરા ગામની સર્વે નં.110 પૈકી 8 ના આસામી બટુકભાઈ, પ્રેમજીભાઈ, બચુભાઇ અને સર્વે નં.45 પૈકી 1ની જમીનના આસામીઓ વેલાભાઈને આજના અપીલ બોર્ડનું તેંડુ મોકલવામાં આવ્યું હતું.

આજના અપીલ બોર્ડમાં બેટી રામપરા ગામની આ બન્ને જમીનના કેસોનું પ્રથમ હિયરિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટરે બન્ને પક્ષોને સાંભળ્યા હતા. હાલ આ પ્રકરણને લઈને કલેકટર દ્વારા શુ ફેંસલો આપવામાં આવે છે તે થોડા સમય બાદ જ જાહેર થશે.

ઉલ્લેખનીય છે કે આજના અપીલ બોર્ડમાં સવારના સેશનમાં 27 કેસો અને સાંજના સેશનમાં 13 કેસો રાખવામાં આવ્યા હતા. આ તમામ કેસોમાં અરજદારોને જિલ્લા કલેકટરે સાંભળ્યા હતા. બીજી તરફ જિલ્લા કલેકટર દર બુધવારે બે સેશનમાં અપીલ બોર્ડ ગોઠવી કેસોનું ભારણ ઘટાડવા કમર કસી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.