Abtak Media Google News

રોડ રિપેર નહીં કરાય તો ટોલટેકસ નહીં ચુકવવાની ટ્રાન્સપોર્ટ એસો.ની ચિમકી બાદ તંત્ર સફાળુ જાગ્યું

બિસ્માર રસ્તા રિપેર નહી કરવામાં આવે તો ટોલટેકસ ભરવામાં નહી આવે તેવી ટ્રાન્સપોર્ટ એસોસીએશનના  હોદેદારોની  ચીમકી બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. દરમિયાન  હાઈ-વે કામગીરીની ધીમી પ્રગતિ અને ક્ષતિ ગ્રસ્ત માર્ગોના સમારકામમાં ઢીલાસ રાખવા બદલ નેશનલ હાઇવે ઓથોરિટીને  જિલ્લા કલેકટર દ્વારા  નોટિસ ફટકારવામાં આવી છે.

કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા  રોડ રસ્તા અંગે યોજાયેલી સમીક્ષા બેઠકમાં હાઇવે રોડના કામની પ્રગતિ ખુબ જ ધીમી હોવાનું તેમજ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાના સમારકામ અંગે સત્વરે કામગીરી કરવા જાણવાયું હતું. પરંતુ રાજકોટ અમદાવાદ હાઇવે તેમજ રાજકોટ જેતપુર હાઈવેના સમારકામની કામગીરી ખુબજ ધીમી ચાલી રહી હોવાની લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી.

ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હાઈ-વે ની બિસમાર પરિસ્થિતિને પરિણામે વાહન ચલાવવામાં પડતી મુશ્કેલીઓની રજુઆત કલેકટરને કરવામાં આવી હતી. એઓસિએશન દ્વારા કલેકટરને ટોલ પલઝા ઓપરેટર્સના ધ્યાને આ વાત પહોંચાડવા તેમજ સત્વરે રોડ સમારકામ કરવા અનુરોધ કરાયો હતો, અન્યથા ટોલ નહીં ભરવા પણ તાકીદ કરવામાં આવી હતી.

કલેકટર દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઇ નેશનલ હાઇવે ઓથોરિટી વિભાગ, માર્ગ મકાન, આર.ટી.ઓ. સહિતના વિભાગ તેમજ ટ્રાન્સપોર્ટ એસો. ના અગ્રણિઓ સાથે આજરોજ બેઠક કરવામાં આવી હતી. કામગીરીમાં ઢીલાસ સંદર્ભે કલેકટર  દ્વારા આજરોજ નેશનલ હાઇવે ઓથોરિટી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી શરુ કરવા સરકારમાં દરખાસ્ત શા માટે ન કરવી તે અંગે નોટિસ પાઠવામાં આવી છે. બેઠકમાં ઉપસ્થિત નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ રસ્તા સમારકામની કામગીરી ઝડપી પૂર્ણ કરવા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગની કામગીરી ઝડપી કરવા આ તકે ખાત્રી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રોડ-રસ્તા ક્ષતિગ્રસ્ત થતા વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ પરત્વે સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્વરે કામગીરી કરવા તમામ એજન્સીઓને આ પૂર્વે તાકીદ કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.