Abtak Media Google News

બદામ, મુખવાસ અને પનીર ટીકા સબજીનો નમુનો લેવાયો: મોટામવા, કાલાવડ રોડ, વિદ્યાનગર મેઈન રોડ, લોધાવાડ ચોક અને સર્વેશ્ર્વર ચોકમાં ચેકિંગ

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી શહેરના અલગ અલગ વિસ્તારમાં ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ધોંસ બોલાવવામાં આવી હતી. અલગ અલગ 31 દુકાનોમાં ચેકિંગ હાથ ધરી 81 કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરાયો હતો. આ ઉપરાંત ત્રણ સ્થળેથી ખાદ્ય સામગ્રીના નમુના લઈ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના નાના મવા મેઈન રોડ પર અર્જૂન પાર્કમાં આવેલા 8-ગોલ્ડનવ્યૂહ કોમ્પલેક્ષમાં પટેલ એગ્રી એક્ષપોર્ટમાંથી નટબટ પ્રિમીયમ આલ્મન્ડ, દિવાનપરા મેઈન રોડ પર પોલીસ સ્ટેશન બાજુમાં શ્રીનાથજી રેસ્ટોરન્ટમાંથી પ્રિપેડ લુઝ પનીર ટીકા મસાલા સબજી અને યાજ્ઞીક રોડ પર સેન્ટ્રલ બેંક સામે શિવમ મુખવાસમાંથી કાઠિયાવાડી મુખવાસનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.

મોટામવા, કાલાવડ રોડ, વિદ્યાનગર રોડ, લોધાવાડ ચોક, સર્વેશ્ર્વર ચોક સહિતના વિસ્તારમાં અલગ અલગ 21 ખાણીપીણીની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કાલાવડ પર ખોડીયાર ડેરીફાર્મમાં 52 કિલો અખાદ્ય મીઠાઈ, વિદ્યાનગર મેઈન રોડ પર હરીભાઈ પાણીપુરીવાળાને ત્યાં 6 કિલો વાસી બટેટા અને 5 લીટર પાણીપુરીનું પાણી, સર્વેશ્ર્વર ચોકમાં જય ભવાની વડાપાઉંમાં 5 કિલો ચટણી અને પીઝા બેઈઝના 4 પેકેટ જ્યારે બાલાજી ઘુઘરામાં 5 કિલો ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો. વિદ્યાનગર રોડ પર રાજમંદિર ઘુઘરામાંથી 4 કિલો ચટણીનો નાશ કરાયો હતો.

આજે કુલ 81 કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. મોટા મવામાં ગીરીરાજ હોટલની સામે આવેલી સેફ્રોન બેકરીને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે દિવાનપરા મેઈન રોડ પર શ્રીનાથજી રેસ્ટોરન્ટ એન્ડ બેંકવેટ હોલને હાઈઝેનીક કંડીશન જાળવી રાખવા નોટિસ અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.