Abtak Media Google News

મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે બજેટ રજૂ કરાશે

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ-2024-2025નું અંદાજપત્ર આગામી 25મી જાન્યુઆરીના રોજ મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરવામાં આવે તેવી શક્યતા હાલ દેખાઇ રહી છે. ડ્રાફ્ટ બજેટમાં રાજકોટવાસીઓ પર એકપણ રૂપિયાનો કરબોજ લાદવામાં આવે તેવી સંભાવના નહિંવત દેખાઇ રહી છે.

આજે પત્રકારો સાથેની વાતચિત દરમિયાન મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે એક સપ્તાહ વહેલું બજેટ આપી દેવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ 25 અથવા 29 જાન્યુઆરીએ બજેટ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરવામાં આવશે. જ્યારે રૂડાનું બજેટ ફેબ્રુઆરી માસના અંત સુધીમાં રજૂ કરાશે. સ્માર્ટ સિટી તરફના તમામ રસ્તાઓ પહોળા કરવાના પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત આજે રૂડાના સીઇઓ સાથે આવક વધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટી પ્લોટ, દુકાનનું વેંચાણ અને હોર્ડિંગ્સ બોર્ડ થકી આવકમાં વધારો કરી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનનું બજેટ જાન્યુઆરી માસના અંતિમ દિવસોમાં મ્યુનિ.કમિશનર દ્વારા દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવતું હોય છે. જેના પર એક સપ્તાહ સુધી અભ્યાસ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી બજેટમાં જરૂરી સુધારા-વધારા કરીને તેને બહાલી આપતું હોય છે. ચાલુ વર્ષના અંદાજપત્રમાં રાજકોટવાસીઓ પર 40 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણી વેરામાં પણ તોતીંગ વધારો કરવામાં આવ્યો હોય ચાલુ વર્ષે એકપણ રૂપિયાનો કરબોજ લાદવામાં આવે તેવી કોઇ જ સંભાવના હાલ દેખાતી નથી. તેમ છતાં જો મ્યુનિ.કમિશનર દ્વારા કરબોજ સૂચવવામાં આવશે તો શાસકો એક ઝાટકે કરબોજને ફગાવી દેશે. કારણ કે આગામી એપ્રિલ-મે મહિના લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જો સતત બીજા વર્ષે કરબોજ લાદવામાં આવે તો તેની અસર મતદાન પર થઇ શકે છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી કરબોજ વિહોણું બજેટ રહે તેવી સંભાવના જણાઇ રહી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.